પ્રશાંત દયાળ (નાદાન.ભાગ-64): Nadaan Series : રજા પૂરી થાય એટલે ગોપાલને જેલમાં પાછું જવાનું હતું. નિશીના પપ્પા ડિવોર્સ પેપર લઈ આવ્યા હતા. તેમાં ગોપાલે સહી કરી આપી. નિશીના વકીલનું કહેવું હતું કે, સમજૂતીથી છૂટાં પડી રહ્યાં છો એટલે પાંચ–છ મહિનામાં છૂટાછેડાનો હુકમ આવી જશે. કોર્ટમાં જે દિવસે ડિવોર્સ પેપર ફાઇલ કરવાના હતા, એ દિવસે કોર્ટમાં ગોપાલની હાજરી જરૂરી હતી. કોઈને પણ સાથે લીધા વગર તે સમયસર કોર્ટમાં પહોંચી ગયો. નિશી પણ એના પપ્પા સાથે આવી હતી.
સામાન્ય રીતે ગોપાલથી નારાજ રહેતા નિશીના પપ્પાની નજરમાં ગોપાલ માટે આજે જુદો જ ભાવ હતો. તેઓ થોડી થોડીવીરે ત્રાંસી આંખે ગોપાલને જોઈ લેતા. તેમની આંખોમાં આજે ગોપાલ માટે દયાનો ભાવ દેખાતો હતો. પહેલાં તેઓ માની રહ્યા હતા કે, ગોપાલ આટલી સરળતાથી ડિવોર્સ માટે તૈયાર થશે નહીં, પણ તેણે નિશીની ઇચ્છા પ્રમાણે જ બધું કર્યું.
પોતાના પક્ષે કોર્ટમાં ગોપાલ એકલો જ આવ્યો હતો. ફેમિલી કોર્ટના જજે નિશી અને ગોપાલને પૂછ્યું, “તમે બંને છૂટાં પડવા માંગો છો? સાથે રહી શકો તેવી સ્થિતિ નથી?”
નિશી કંઈ જવાબ આપી શકી નહીં. ગોપાલે નિશી સામે જોયું. નિશીની નજર નીચી હતી. ગોપાલે જજ સામે જોઈને કહ્યું, “ના નામદાર સાહેબ. અમે સાથે રહી શકીએ તેવા સંજોગ નથી.”
ગોપાલે કાળજું કઠણ કરીને જવાબ તો આપ્યો, પણ આટલું બોલતાં એને બહુ તકલીફ પડી. કારણ, તેને તો નિશી સાથે રહેવું હતું; પણ નિશી એનાથી અલગ થવા માગતી હતી. જજે તેમના ડિવોર્સ પેપર ઉપર કંઈક નોંધ કરી અને તેમને જવાનો આદેશ આપ્યો.
ગોપાલ ઘરે આવ્યો ત્યારે ઘરમાં સન્નાટો હતો. મમ્મી પપ્પા બંને શાંત હતાં. પપ્પા કંઈ બોલ્યા નહીં, પણ મમ્મી રડવા લાગી હતી. ગોપાલ રસોડામાં ગયો અને પાણી લઈ આવ્યો. ગોપાલ શાંત હતો, પણ તેનું મન તો રડી જ રહ્યું હતું. તે મમ્મી પપ્પા સામે રડીને તેમનાં દુઃખમાં વધારો કરવા માગતો નહોતો. મમ્મીને પાણી આપ્યું અને મમ્મીના માથા ઉપર હાથ ફેરવતાં કહ્યું, “મમ્મી, રડવાનું નહીં. હવે તારે એકલા રહેવાની ટેવ પાડવી પડશે.”
મમ્મીએ આંખો લૂંછી અને ગોપાલ સામે જોતાં પૂછ્યું, “બેટા, આપણી કઈ ભૂલ થઈ? જેને કારણે નિશીએ આવું કર્યું?”
ગોપાલ કંઈ બોલ્યો નહીં. મમ્મીનું બોલવાનું ચાલું જ હતું. મમ્મીને શાંત કરતાં ગોપાલે કહ્યું, “મમ્મી, દોષ આપણો પણ નથી અને નિશીનો પણ નથી. આપણે નિશી માટે પણ ખરાબ બોલવું ન જોઈએ. હું જેલમાં ગયો ત્યારથી હમણાં સુધી તેણે જ આપણને સાચવ્યાં હતાં. આપણે તેની જિંદગીનો પણ વિચાર કરવો જોઈએ.”
ગોપાલની રજા પૂરી થવાને હજી ચાર દિવસની વાર હતી, પણ ગોપાલનું મન હવે બહાર લાગી રહ્યું નહોતું. તે જ્યાં પણ જાય, ત્યાં તેને નિશીની યાદ આવતી હતી. તેણે રજા પડતી મૂકીને જેલમાં પાછા જતા રહેવાનો નિર્ણય કર્યો. તેને જેલ પર મૂકવા જવા રાકેશ આવ્યો હતો. રાકેશે પહેલાં જ ગોપાલને કહ્યું હતું કે, ડિવોર્સ પેપપ ઉપર સહી કરતાં પહેલાં તે નિશી સાથે વાત કરશે અને તેને સમજાવશે. પણ ગોપાલે તેને ઘસીને ના પાડી દીધી હતી.
રાકેશે તેને જેલના દરવાજે ઉતાર્યો અને કહ્યું, “ચિંતા કરીશ નહીં. હું તારી સાથે જ છું. મમ્મી પપ્પાનું પણ ધ્યાન રાખીશ. તું ખાલી તારી જાતને સંભાળી લે જે.”
ગોપાલે એની સામે જોયું. તેની આંખો કહી રહી હતી કે, તું કયા જન્મનું કયું ઋણ ચુકવવા આવ્યો છે! ગોપાલ કંઈ બોલી શક્યો નહીં. તેણે આંખોથી રાકેશનો આભાર માન્યો અને જેલના દરવાજા તરફ ચાલવા લાગ્યો. દરવાજામાં દાખલ થતાં જ ગોપાલે પોતાની જાતને કહ્યું કે, હવે રડવાનું નથી, હારવાનું નથી, ડરવાનું નથી અને તે જેલમાં દાખલ થયો.
પોતાની જેલએન્ટ્રી કરાવીને તે સીધો લીગલ ઑફિસમાં ગયો. જઈને તરત તેણે મોટા અવાજે કહ્યું, “નીતિનકાકા, તમારો ગોપાલ આવી ગયો છે. ચા નહીં પીવડાવો?”
નીતિનકાકાએ ફાઇલમાંથી નજર હટાવી ઉપર જોયું. ગોપાલ હજી ઘરનાં કપડાંમાં જ હતો. કાકાને આશ્ચર્ય થયું. તેમણે ઑફિસનાં કેલેન્ડર સામે જોયું. તેમને પ્રશ્ન થયો કે, ગોપાલ કેમ આજે આવી ગયો? કારણ, હજી તેની રજા પૂરી થવાને ચાર દિવસ બાકી હતા. સામાન્ય રીતે જેલમાંથી બહાર નીકળતો કેદી, રજા પૂરી થયા પછી પણ બે–ચાર દિવસ વધારે બહાર રહીને આવે; એવા અનેક કિસ્સા બનતા હતા. પણ રજા પૂરી થયા પહેલાં કેદી પાછો ફરે, તેવો આ પહેલો કિસ્સો હતો.
કાકા કેલેન્ડર સામે જોઈને વિચારતા હતા, ત્યારે ગોપાલ એકદમ તેમના ટેબલ પાસે આવી ગયો અને ધીમા અવાજે કહ્યું, “કાકા, શું વિચારો છો?”
કાકાએ એકદમ તેની સામે જોતાં કહ્યું, “કેમ વહેલો આવી ગયો? હજી તો તારી રજા પૂરી થવાની વાર છે.”
ગોપાલ હસવા લાગ્યો. તેનું હાસ્ય બનાવટી જ હતું. તેણે હસતાં હસતાં જ કહ્યું, “કાકા, બસ તમારી યાદ આવી ગઈ. બહાર તમારી જેમ કોઈ મને ખખડાવતું નથીને.”
કાકાના ચહેરા પર આછું સ્મિત આવ્યું. તેમનું મન તો કહી રહ્યું હતું કે, બેટા તારા જેવા પાંચ–સાત હજાર કેદી મારા હાથ નીચેથી પસાર થઈ ગયા હશે. માણસ ક્યારે સાચું બોલે અને ક્યારે ખોટું, એ જાણવા મારે કંઈ લાઇડિટેકટરની જરૂર નથી. તારી આંખો કંઈક જુદું જ કહી રહી છે. કાકાએ બધા વિચાર બાજુ પર મૂકીને કહ્યું, “ચા પીવી છે?”
ગોપાલે હા કહી એટલે તેમણે એક કેદીને કહ્યું, “બેટા, ચા તો લેતો આવ.”
કાકા ગોપાલ સામે જોઈ રહ્યા હતા. ગોપાલ કાકાની સાથે વાત કરવાને બદલે ઑફિસમાં કામ કરી રહેલા અન્ય કેદીઓ સાથે વાત કરી રહ્યો હતો. ચા આવી એટલે કાકાએ અને ગોપાલે એક–એક કપ હાથમાં લીધો. ગોપાલ ચાની પહેલી ચુસકી મારે, એ પહેલાં જ કાકાએ કહ્યું, “ગોપાલ, બહાર આવ.”
કાકા અને ગોપાલ ચાનો કપ લઈને બહાર આવ્યા. ગોપાલ ગંભીર થઈ ગયો. કાકા પોતાની ટેવ પ્રમાણે લીમડાનાં ઝાડ નીચે ઊભા રહ્યા. તેમણે ગોપાલ સામે જોતાં પૂછ્યું, “શું થયું બેટા? કેમ વહેલો આવ્યો?”
ગોપાલ કંઈ જ બોલ્યો નહીં. થોડીવાર ચાના કપ સામે જોતો રહ્યો. પછી તેણે નજર ઊંચી કરી અને કાકા સામે જોતાં કહ્યું, “કાકા, બધું જ પૂરું થઈ ગયું. હવે બહાર રહીને શું કરું? મને મારું શહેર જ ખાવાં દોડી રહ્યું હતું એટલે સંતાઈ જવા જેલમાં આવી ગયો.”
કાકા તેને સવાલ પૂછતા ગયા અને ગોપાલ તેનો જવાબ આપતો ગયો. ગોપાલે પહેલાં દિવસે નિશીને મળ્યો, ત્યારથી ડિવોર્સ પેપર ઉપર સહી કરી આપી; ત્યાં સુધીની બધી જ વાતો કાકાને કહી. કાકા ડિસ્ટર્બ થઈ ગયા. ત્યાં સુધી તેમની ચા પૂરી થઈ ગઈ હતી. ગોપાલે કાકાના હાથમાં રહેલો ખાલી કપ લઈ લીધો. કાકા લીમડાની ડાળીઓ સામે જોઈ રહ્યા હતા. તેમણે કહ્યું, “ગોપાલ જિંદગીમાં ક્યારેય કંઈ પૂરું થતું નથી.”
એક લીમડાની ડાળીને બતાવતાં કહ્યું, “જો, પાનખરમાં આને પાંદડા જતાં રહ્યાં હતાં. આ લીમડો બુઠ્ઠો થઈ ગયો હતો. હવે જો, તેને કેવી કૂંપળો ફુટી છે!”
ગોપાલે કહ્યું, “કાકા, પણ લીમડો રડતો નથી.”
કાકાએ ગોપાલના ખભા પર હાથ મૂકીને કહ્યું, “બેટા, પ્રકૃતિ આપણી જેમ રડી શકતી નથી.”
ગોપાલ માટે નીતિનકાકા હવે તેના ગાઇડ, ફિલોસોફર અને ફ્રેન્ડ હતા. બંને વચ્ચે ઉંમરનું અંતર લગભગ ત્રીસ વર્ષ હતું, પણ કાકાને અને ગોપાલને મિત્રતા થઈ ગઈ હતી. કાકાએ કહ્યું, “આજે આરામ કરવો હોય તો આરામ કર. આવતીકાલથી કામ પર આવી જજે.”
ગોપાલે કહ્યું, “કાકા, આરામ શું કરવાનો? બહાર તો આરામ જ હતો. હમણાં કપડાં બદલીને આવી જઉં છું.”
ગોપાલ કપડાં બદલવા માટે નીકળ્યો. કાકા તેને જતો જોઈ રહ્યા. કાકાને ખબર હતી, ગોપાલ નોર્મલ દેખાઈ રહ્યો છે; પણ અંદરથી તેવો નથી.
(ક્રમશઃ)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796