Thursday, August 27, 2026
HomeGujaratAhmedabadગોપાલએ કહ્યું નીશી મારી સાથે ના રહે તો પણ હું સ્વપ્નમાં પણ...

ગોપાલએ કહ્યું નીશી મારી સાથે ના રહે તો પણ હું સ્વપ્નમાં પણ તેને નુકસાન કરવાનો વિચાર કરી શકુ નહીં

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-60): Nadaan Series : નિશીને મળીને ગોપાલ ધીમાં પગલે તિલકયાર્ડ તરફ આગળ વધ્યો. તેને સામે મળતાં જેલના પરિચિત કેદીઓ તેની સામે હાથ ઊંચો કરતાં. કોઈ તેને કેમ છે ગોપાલીયા? કહી બોલાવતું હતું. પણ ગોપાલ યંત્રવત્ ચાલી રહ્યો હતો. તેના ચહેરા પર કોઈ બદલાવ થતો નહોતો. તેના ચહેરા ઉપર જાણે કોઈ ભાવ જ નહોતો! મગજ શૂન્ય થઈ ગયું હતું.

તે લીગલ ઑફિસમાં દાખલ થયો. જઈને પોતાનાં ટેબલ પર બેઠો. નીતિનકાકા સહિત ત્યાં કામ કરતા કેદીઓ પોતાનું કામ કરી રહ્યા હતા. નીતિનકાકાએ ગોપાલ આવ્યો ત્યારે એકવાર નજર ઊંચી કરીને ગોપાલ સામે જોયું. આમ તો રોજ સવારે ગોપાલ ઑફિસમાં આવે ત્યારે નીતિનકાકાને કાકા રામ રામ કહીને પોતાનાં ટેબલ પર બેસતો હતો; પણ આજે ગોપાલે કાકા સામે જોયું પણ નહીં. કાકાએ ગોપાલના આ વ્યવહારની નોંધ લીધી હતી, પણ તે કંઈ બોલ્યા નહીં.

- Advertisement -

ગોપાલ પોતાની જગ્યાએ ગયો. તેનાં ટેબલ ઉપર તેનું કામ પડેલું જ હતું. પણ તેણે ટેબલ ઉપર પડેલા કાગળો તરફ જોયું જ નહીં. તે ચુપચાપ બેસી રહ્યો. લગભગ અડધો કલાક થયો હશે ત્યાં કાકાએ ગોપાલને અવાજ આપ્યો, “ગોપાલ… ઓ ગોપાલ…”

પણ તેણે કાકાને વળતો જવાબ આપ્યો જ નહીં. એક કેદીએ ગોપાલને રીતસર ઢંઢોળ્યો. ગોપાલને કાકા તરફ ઇશારો કરીને એ બાજુ જોવાનું કહ્યું. કાકાએ આંખોની ભ્રમર ઊંચી કરી અને પૂછ્યું, “શું ચાલી રહ્યું છે આ?”

ગોપાલ એકદમ ડઘાઈ ગયો. તેણે માથું હલાવી ના કહી. કાકાએ તેને બહાર આવવા માટે ઇશારો કર્યો. કાકા પણ ઊભા થયા. ટેબલ–ખુરશી વચ્ચેથી સાચવીને તેમણે પોતાની વિશાળ કાયા બહાર કાઢી. ગોપાલ પણ ઊભો થયો. કાકા ઑફિસની બહાર નીકળીને નજીકમાં આવેલા પીપળાનાં ઘટાદાર વૃક્ષ નીચે જઈ ઊભા રહ્યા. ઑફિસના એક કેદીએ જોયું કે, કાકા ઝાડ નીચે ઊભા છે. તે દોડતો ઑફિસની અંદર ગયો અને એક ખુરશી બહાર લઈ આવ્યો. કાકા ઊભા હતા તેમની બાજુમાં ખુરશી મૂકીને તે જતો રહ્યો. ગોપાલ કાકા પાસે આવીને ઊભો રહ્યો. તેનો ચહેરો નીસ્તેજ હતો. કાકા પૂછ્યું, “શું થયું?”

- Advertisement -

ગોપાલ કંઈ બોલ્યો નહીં. બાજુમાં એક ઈંટ પડી હતી. કાકાએ તેને ઇશારો કર્યો. ગોપાલ જેલમાં આવ્યા પછી ઇશારાની ભાષા શીખી ગયો હતો. તેણે ઈંટ ઉપાડી કાકાની સામે મૂકી અને પોતે ચંપલ કાઢીને કાકાની સામે નીચે બેસી ગયો. કાકાએ ગોપાલના ખભા હાથ મૂક્યો અને કહ્યું, “બોલ, શું થયું છે?”

ગોપાલે પહેલાં માટી તરફ જોયું અને પછી કાકા સામે જોતાં કહ્યું, “નિશી મુલાકાતમાં આવી હતી.”

કાકાનો ચહેરો ગંભીર થયો. “હમ્મ” કાકાએ માત્ર એટલું જ કહ્યું.

- Advertisement -

ગોપાલે વાત કહેવાની શરૂઆત કરી. જાણે કોઈ યંત્ર બોલી રહ્યું હોય એમ નિશી સાથે થયેલો આખો સંવાદ કાકાને કહ્યો. કાકો જમાનો ખાધેલો માણસ હતો, પણ અંદરથી બહુ ઢીલો હતો. ગોપાલ બોલી રહ્યો હતો ત્યારે કાકાની આંખના ખૂણા પણ ભીના થઈ ગયા. ગોપાલ તે ભીનાશ જોઈ જાય તે પહેલાં તેમણે ઝડપથી ભીના ખૂણા લૂંછી નાખ્યા.

ગોપાલે પોતાની વાત પૂરી કરી. કાકા એકદમ ચૂપ હતા. કાકાને સમજ નહોતી પડી રહી કે, તે ગોપાલને શું કહે? કારણ કે કાકાને લાગ્યું કે, હવે બધું સારું થઈ જશે. એવું ખોટું બોલવાનો કોઈ અર્થ રહેતો નથી. કારણ, ગોપાલ સાથે હવે કંઈ સારું થાય તેવું કંઈ બચ્યું જ નહોતું. કાકા પણ ગુમસુમ થઈ ગયા. મિનિટો સુધી કાકા અને ગોપાલ એમ જ બેસી રહ્યા. કાકા ક્યારેક ગોપાલ સામે જોતા તો ક્યારેક પીપળાનાં વૃક્ષ પર બેઠેલા પોપટો તરફ જોઈ લેતા હતા. કાકાને લાગ્યું કે, આવી રીતે બેસી રહેવાનો શું અર્થ છે? તે ઊભા થયા. તેમણે ગોપાલના માથે હાથ મૂક્યો અને કહ્યું, “ઊઠ બેટા.”

ગોપાલ ઊભો થયો. કાકાએ કહ્યું, “બેટા, તારી બેરેક ઉપર જઈને આરામ કર.”

તે યાર્ડની બહાર નીકળી રહ્યો હતો. ઑફિસ તરફ જઈ રહેલા કાકા એકદમ રોકાઈ ગયા. તેમણે ગોપાલ તરફ બૂમ પાડી, “ગોપાલ…”

ગોપાલ અટકી ગયો. કાકાએ તેને ઇશારો કરીને પાછો બોલાવ્યો. તે કાકા પાસે આવ્યો એટલે કાકાએ તેના ખભે હાથ મૂકતાં કહ્યું, “તું આવતીકાલે રજા મૂકી દે. હું આઈ.જી. ઑફિસમાં વાત કરી લઈશ. તું થોડા દિવસ ઘરે જઈ આવ.”

ગોપાલે માથું હલાવીને હા પાડી. તે પાછો યાર્ડની બહાર જવા નીકળ્યો. તે બેરેક તરફ જઈ રહ્યો હતો ત્યારે તેને કંઈક યાદ આવ્યું. તેના પગ હવે બાબલા બેરેક તરફ વળી ગયા. ગોપાલ બાબલા બેરેકમાં ગયો. બપોરનો સમય હતો એટલે બાબલા બેરેકમાં સફાઈકામ કરતાં કેદીઓ જમવા અને આરામ કરવા બેરેકમાં પાછા આવ્યા હતા. ગોપાલ બાબલા બેરેકમાં દાખલ થયો.

સલીમ જમીને આરામ કરવા પોતાના બિસ્તર પર આડો પડ્યો હતો. તેનું ધ્યાન બેરેકનાં ટીવી તરફ હતું. તેણે દરવાજા પાસે ઊભા રહેલા ગોપાલ સામે જોયું. એનો ચહેરો જોઈ તેને ખબર પડી ગઈ કે, કંઈક ગરબડ છે. ગોપાલ નોર્મલ નથી લાગતો. તે એકદમ ઊભો થયો અને ગોપાલ પાસે આવ્યો. તેણે ગોપાલના ખભા પર હાથ મૂક્યો. ગોપાલે કહ્યું, “વાત કરવી છે. બહાર આવ.”

સલીમ ગોપાલ સાથે બહાર આવ્યો. બંને લીમડાનાં ઝાડ નીચે મોટા ઓટલા પાસે ગયા. ગોપાલ ઓટલા પર બેસી પડ્યો. સલીમે પૂછ્યું, “શું થયું?”

ગોપાલ કંઈ બોલી શક્યો નહીં. તેની આંખો ભરાઈ આવી. સલીમે તેની પીઠ પર હાથ ફેરવ્યો. સલીમ ઊભો થયો અને બેરેકમાં જઈને પાણીનો ગ્લાસ લઈ આવ્યો. ગોપાલને પાણી આપ્યું. ગોપાલે બે ઘુંટડા પાણી પીધું અને વધેલા પાણીથી મોઢું ધોઈ નાખ્યું. ગ્લાસ બાજુ પર મૂકતાં કહ્યું, “નિશી આવી હતી.”

સલીમે એવી નજરે તેની સામે જોયું, જાણે તે પૂછી રહ્યો હોય કે, તો શું? ગોપાલે કહ્યું, “તેને ડિવોર્સ જોઈએ છે.”

સલીમને આઘાત લાગ્યો. આ વાત તે માનવા જ તૈયાર નહોતો. તેણે પૂછ્યું, “નિશી ડિવોર્સ માંગે છે! ડિવોર્સ? કેમ?”

ગોપાલ થોડીવાર ચૂપ રહ્યો. પછી કહ્યું, “તે કોઈના પ્રેમમાં પડી છે.”

સલીમ વધારે કંઈ પૂછી શક્યો નહીં. થોડીવાર પછી ગોપાલે કહ્યું, “એનું નામ વેદાંત છે. એના પપ્પાની સોસાયટીમાં જ રહે છે.”

સલીમે થોડો વિચાર કરીને પૂછ્યું, “તો તે શું કહ્યું?”

ગોપાલે કહ્યું, “હું શું કહું? તેને ડિવોર્સ જોઈએ છે અને તે કોઈના પ્રેમમાં છે. તો હું શું કરી શકું?”

સલીમ ગુસ્સામાં લાલચોળ થઈ ગયો. “ગદ્દાર છે એ…” એવું કહેતાં તેના મોઢામાંથી નિશી માટે ગાળ નીકળી ગઈ.

ગોપાલે તરત તેનાં મોઢા પર હાથ મુકતાં કહ્યું, “ના. એનો કોઈ વાંક નથી.”

સલીમ ગુસ્સામાં ઓટલાની આસપાસ ચક્કર મારવા લાગ્યો. એ એકલો એકલો કંઈક બબડી રહ્યો હતો. જાણે સલીમ સાથે તેની પત્નીએ કંઈ ખોટું કર્યું હોય એટલો ગુસ્સો તેને આવી રહ્યો હતો. તે એકદમ ગોપાલની પાસે આવ્યો. તેણે કહ્યું, “ચાલ, રજા પર બહાર જઈ તેને પાડી દઈએ.”
ગોપાલે સલીમનો હાથ પકડીને બાજુમાં બેસાડયો અને કહ્યું, “નિશી મારી સાથે ન રહે તો પણ હું તો એને પ્રેમ કરુ છુંને? તેને પણ નુકસાન કરવાનો વિચાર મને સ્વપ્નમાં પણ ન આવે.”

(ક્રમશઃ)

PART 59 : ગોપાલના જીવનમાં તરફ એક તોફાન આવી રહ્યું હતું પણ ગોપાલ તેનાથી સાવ અજાણ હતો

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular