પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-39): Nadaan Series : સલીમ અને ગોપાલ સામાન સાથે પોલીસવાનમાંથી નીચે ઉતર્યા. જેલનાં કેમ્પસમાં આવી રહેલી તમામ વાન પર નિશીની નજર હતી. તેણે વાનમાંથી ઉતરતા ગોપાલને જોયો. તેણે તરત મમ્મીનો હાથ પકડીને ગોપાલ તરફ ઇશારો કર્યો. ગોપાલે સાથે રહેલા પોલીસવાળા તરફ જોયું. પચાસી વટાવી ચુકેલા પોલીસની નજર ગોપાલની વિનંતી પારખી ગઈ. તેણે ગોપાલને કહ્યું, “જલદી મળી લે. મોડુ ન કરતો.”
ગોપાલ મમ્મી-પપ્પા તરફ આગળ વધ્યો. એક પોલીસવાળો તેની સાથે જ હતો. મમ્મીએ ગોપાલને માથાથી લઈ આખા શરીરે હાથ ફેરવી લીધો. જાણે તે સમોસરખો છે કે નહીં, તે ચકાસી રહી હતી. અથવા એ સાબરમતી જેલમાં જાય તે પહેલાં તેને સ્પર્શથી અનુભવવા માગતી હતી. નિશી એક જુદી જ નજરે તેને જોઈ રહી હતી. કદાચ તે પણ ગોપાલને ભેટવા માગતી હતી, પણ સાથે ગોપાલના મમ્મી, પપ્પા અને તેના પપ્પા પણ હતા. તે એવું કરી શકી નહીં.
મમ્મીએ પોતાની સાથે લાવેલી થેલી ગોપાલને આપી અને કહ્યું, “બેટા આમાં નાસ્તો છે. પોતાનું ધ્યાન રાખજે. મારો ભગવાન તારી સાથે જ છે. કંઈક રસ્તો તો નીકળશે જ.”
મમ્મી એક સાથે ઘણી બધી વાતો કહી રહી હતી. ગોપાલે પપ્પા સામે જોયું. તેમના ચહેરા પર માત્ર લાચારી વર્તાતી હતી. તેમની આંખો જાણે કહી રહી હતી કે, બેટા, મેં બધા જ પ્રયત્ન કર્યા. પણ હું હારી ગયો! હું તને મદદ કરી શક્યો નહીં.
ગોપાલે પપ્પાનો હાથ પકડ્યો. તેને ખબર હતી કે, જે ઉંમરે એક બાપને દીકરાની જરૂર હોય, ત્યારે બાપ દીકરાની મદદે ઊભો હતો. પપ્પા અને ગોપાલ વચ્ચે કોઈ સંવાદ થયો નહીં. નિશીના પપ્પાની આંખમાં એક પ્રકારનો ગુસ્સો હતો. કારણ કે તે માની રહ્યા હતા કે, નિશીની જિંદગી ગોપાલે ખરાબ કરી નાખી. એ વાત ગોપાલ એમની આંખોમાં વાંચી શકતો હતો. ગોપાલ પણ માનતો હતો કે, કદાચ નિશીના પપ્પા સાચા છે.
પાછળ રહેલા પોલીસવાળાએ કહ્યું, “ચાલો હવે.”
ગોપાલ મમ્મી, પપ્પા અને નિશીના પપ્પાને પગે લાગ્યો. નિશીને કહ્યું, “ધ્યાન રાખજે.”
તે પોતાનો સામાન અને મમ્મીએ આપેલી થેલી સાથે સાબરમતી જેલના ઐતિહાસિક દરવાજા તરફ ચાલવા લાગ્યો. જેલની ડોકિયા બારીમાંથી જોઈ રહેલા જેલ પોલીસે તરત નાનો દરવાજો ખોલ્યો. ગોપાલે અંદર પ્રવેશ કરતાં પહેલાં ફરી એક વાર નજર ફેરવીને બધાંને જોઈ લીધાં.
સલીમ અને ગોપાલ જેલની અંદર આવી ગયા હતા. પાલનપુર પોલીસે તેમને મળેલો ઓર્ડર ગેટ પર રહેલા જમાદારને આપ્યો. જમાદારે ગોપાલ અને સલીમના નામની એન્ટ્રી કરી. હવે ગોપાલ જેલની બધી પદ્ધતિથી વાકેફ હતો. પાલનપુર જેલમાં થઈ હતી, એ બધી જ પ્રક્રિયા થઈ. પહેલાં ઝડતી થઈ, સામાન ચેક થયો અને પહેલો દિવસ હોવાને કારણે આફ્ટર બેરેકમાં મોકલી આપવામાં આવ્યા.
પાલનપુર જેલની સરખામણીમાં સાબરમતી જેલ બહુ વિશાળ હતી. મેઇન ગેટમાં જમાદારની સામે રહેલાં બોર્ડ પર ગોપાલે જોયું. એમાં પાકા અને કાચા કેદીઓની કુલ સંખ્યા ત્રણ હજાર હતી. સાબરમતી જેલની તોંતિંગ દીવાલો પાછળ એક નગર જેટલા માણસો રહેતા હતા! તેની બહારની કોઈ વ્યકિતને કલ્પના પણ આવે તેવું નહોતું.
ગોપાલ અને સલીમ જેલની અંદરના રસ્તા પર આવ્યા. મુખ્ય દરવાજાની બરાબર સામે એક મોટો રસ્તો જતો હતો. રસ્તાની એક તરફ પગદંડી હતી. જેલના નિયમ પ્રમાણે કેદીઓ મુખ્ય રસ્તા પર ચાલી શકતા નહોતા. આ રસ્તો માત્ર જેલના અધિકારીઓ માટે હતો. કેદીઓએ પગદંડી ઉપર જ ચાલવાનું હતું. સાથે રહેલા સાબરમતી જેલના પાકા કામના કેદીએ આ નિયમ ચાલતાં ચાલતાં સમજાવ્યો. રસ્તાની બંને તરફ મોટા ખજૂરીનાં વૃક્ષ હતાં.
વીસ ફૂટની તોતિંગ દીવાલ ઉપર ઇલેકટ્રિક વાયરો પસાર થઈ રહ્યા હતા. ગોપાલને મનમાં એક જ પ્રશ્ન ઘુમરાયા કરતો કે, આ દીવાલની બહાર મને ક્યારે જવા મળશે? સલીમ અને ગોપાલને આફ્ટર બેરેકમાં લાવવામાં આવ્યા. ત્યાં રહેલા જમાદારે તેમની એન્ટ્રી કરી. તેમને બિસ્તર, થાળી અને વાટકી આપ્યાં. બંને બેરેકમાં આવીને બેઠા.
ગોપાલ સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ અંદરથી જરાય સ્વસ્થ નહોતો. જ્યારથી સજાનો હુકમ થયો, એનું મન વ્યાકુળ રહેતું હતું. એ માની રહ્યો હતો એના કરતાં જિંદગીમાં બધું ઉલટું જ થઈ રહ્યું હતું. બેરેકમાં તેમના જેવા જ, બીજી જેલમાંથી સજા લઈને આવેલા કેદીઓ હતા. પહેલો દિવસ હોવાને કારણે કોઈ એક બીજા સાથે ખાસ વાત કરતા નહોતા. વાત કરે તો પણ, શેમાં આવ્યો છે? કેટલી સજા છે? એવા જ પ્રશ્ન એકબીજાને પૂછી રહ્યા હતા. ગોપાલ અને સલીમની નવી જિંદગી હવે સાબરમતી જેલમાં પસાર થવાની હતી. હવે રોજ બંધી ખુલી, બંધી થઈ, ઝડતી આવી જેવા શબ્દોના સહારે જીવવાનું હતું.
બપોરની બંધી ખુલતાં એક પોલીસવાળો બેરેકમાં આવ્યો. ગેટ પર રહેલા જમાદારને કંઈક પૂછ્યું. જમાદારે ગોપાલ તરફ ઇશારો કર્યો. પેલો પોલીસવાળો બેરેકમાં આવ્યો. ગોપાલ તેને જોતાં જ ઊભો થઈ ગયો. ગોપાલને ખબર હતી કે, જેલમાં પોલીસવાળો નાનો હોય કે મોટો, બહુ મહત્ત્વનો હોય છે. ગોપાલે તેની સામે પ્રશ્નાર્થ નજરે જોયું. તેણે પૂછ્યું, “ગોપાલ?”
ગોપાલે માથું હલાવી હા પાડી. પોલીસવાળાએ કહ્યું, “હું નરેન્દ્રસિંહ.”
ગોપાલે તેની નેમપ્લેટ તરફ જોયું. ‘નરેન્દ્રસિંહ કુંપાવત’ લખ્યુ હતું. તેણે કહ્યું, “ભાઈનો ફોન આવ્યો હતો.”
ગોપાલ વિચારમાં પડી ગયો કે, આ વળી ભાઈ કોણ? નરેન્દ્રસિંહે તરત કહ્યું, “ગોવિંદભાઈનો. પાલનપુર જેલથી. એમની સાથે વાત થઈ ગઈ છે. કોઈ ચિંતા કરતો નહીં. કંઈપણ કામકાજ હોય તો મને કહેજે.”
સાબરમતી જેલમાં જાણે દેવદૂત આવ્યો હોય એવો આનંદ ગોપાલને થયો. તેણે સલીમ સામે જોયું. એના ચહેરા પર પણ આનંદ હતો. ગોવિંદની વગ માટે ગોપાલને માન થયું. ગોપાલના મનમાં કોર્ટ સજા કરશે એવો ડર તો જતો રહ્યો હતો, કારણ કે સજા થઈ ગઈ હતી.
જીવનમાં કંઈક ખરાબ થશે એનો ડર ખરાબ થવા કરતાં વધારે પીડાદાયક હોય છે. પણ હવે ગોપાલની જિંદગીમાં ખરાબ થવા જેવું કંઈ બચ્યું નહોતું. કદાચ એ ડર જતો રહ્યો હોવાને કારણે જ, સાબરમતી જેલમાં પહેલી રાતે ગોપાલને તરત ઊંઘ આવી ગઈ. સવારે બંધી ખુલતાં પહેલાં એની આંખ ખુલી ગઈ હતી. બંધી ખુલે એની રાહ જોઈને ગોપાલ બેઠો હતો. એને ચાવીઓનો જુડો ખખડવાનો અવાજ આવ્યો. તેણે ઊભા થઈને લોખંડની મજબૂત જાળીમાંથી બહારની તરફ જોયું. એક સિપાહી ચાવીઓનો જુડો લઈને આવતો દેખાયો.
સિપાહી બેરેક ખોલે તે પહેલાં જ ગોપાલ પોતાના બિસ્તર બેસેલો હતો. હજી મોટા ભાગના કેદીઓ સૂઈ રહ્યા હતા. આફ્ટર બેરેકમાં પણ પાલનપુર જેલની બેરેકની જેમ એક નાનું મંદિર હતું. એમાં એક લાલ બલ્બ સળગી રહ્યો હતો. ગોપાલે એ મંદિર તરફ જોઈ ભગવાનને હાથ જોડ્યા.
હજી ગણતરી બાકી હતી. સિપાહી ત્યારે બાકીની બેરેક ખોલવા જતો રહ્યો. ગોપાલ ઊભો થયો અને બેરેકના દરવાજામાં આવીને ઊભો રહ્યો. આકાશ ખુલી ગયું હતું. વહેલી સવારનો પ્રકાશ જાણે એક ઉર્જા આપી રહ્યો હોય, તેવું તેનો લાગ્યું. ગોપાલ જેલમાં હતો છતાં ખબર નહીં, ઘણા વર્ષો પછી તે આ રીતે સવારને જોઈ અને અનુભવી રહ્યો હોય તેવું લાગ્યું.
ગોપાલ નળ પાસે આવ્યો અને મોઢું ધોયું. તે આસપાસના માહોલને અનુભવી રહ્યો હતો ત્યારે જ પેલો સિપાહી યાર્ડમાં પાછો આવ્યો. તેણે બૂમ પાડી, “એય… ચાલ અંદર. ગણતરી કરવાની છે.”
ગોપાલ બેરેકમાં પાછો આવ્યો. તેણે સૂઈ રહેલા સલીમને ધીમેથી ઢંઢોળ્યો અને કહ્યું, “ઊઠ. ગણતરી કરવાની છે.”
સલીમને આશ્ચર્ય થયું કે, ગોપાલ એના કરતાં વહેલો ઊઠી ગયો! બધા કેદીઓ બે–બેની કતારમાં જમીન પર ઉભડક બેસી ગયા. પાકા કામનો કેદી તે બેરેકનો ઇન્ચાર્જ હતો. તેણે ગણતરી કરી સિપાહીને આકડો કહ્યો. સિપાહી કાગળમાં નોંધ કરીને જતો રહ્યો.
(ક્રમશઃ
PART 38 : ગોવિંદ ચુપચાપ હતો, કારણ હવે ગોપાલ-સલીમ પાલનપુર જેલમાં રહેશે નહીં તેની તેને ખબર હતી
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796