Monday, October 19, 2026
HomeGujaratAhmedabadગોવિંદ ચુપચાપ હતો, કારણ હવે ગોપાલ-સલીમ પાલનપુર જેલમાં રહેશે નહીં તેની તેને...

ગોવિંદ ચુપચાપ હતો, કારણ હવે ગોપાલ-સલીમ પાલનપુર જેલમાં રહેશે નહીં તેની તેને ખબર હતી

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-38): Nadaan Series: સજાના હુકમ પછી પોલીસ ગોપાલ અને સલીમને પાલનપુર જેલમાં પાછી લઈ આવી. ગોપાલ અને સલીમ જેલ પર પાછા આવ્યા એ પહેલાં ગોવિંદને સમાચાર મળી ગયા હતા કે, કોર્ટે સજાનો હુકમ કર્યો છે. સવારે જ્યારે ગોપાલ અને સલીમ કોર્ટમાં જવા નીકળ્યા; ત્યારે ગોવિંદે મનોમન પ્રાર્થના કરી હતી કે, હે ભગવાન અમને નિદોર્ષ છોડી દેવાનો હુકમ થાય એવું કરજે. જેલમાં રોજ કોઈને કોઈ છૂટી જાય અને કોઈને સજાનો હુકમ પણ થાય. એમાં કોઈ નવી વીત નહોતી. ગોવિંદને તેનો કોઈ ફેર પડતો નહોતો. પણ ખબર નહીં કેમ, તેને ગોપાલ માટે એક પ્રકારની લાગણી થઈ ગઈ હતી. ગોપાલ છૂટી જાય તો ગોવિંદને આનંદ થવાનો હતો, પણ ગોપાલ હવે જેલમાં તેની સાથે રહેશે નહીં તેનો રંજ પણ હતો.

ગોપાલ અને સલીમ જેલમાં દાખલ થયા ત્યારે ગોવિંદ તેમને સામે મળ્યો, પણ જાણે તેણે તેમનો ચહેરો જોયો જ નથી તેવો ડોળ કર્યો. ગોપાલને લાગ્યું કે, તે ગોવિંદને વળગીને રડી પડે. પણ ગોવિંદે તેની સામે જોયું જ નહીં એટલે ગોપાલ તેવું કરી શક્યો નહીં. ગોપાલ અને સલીમ પોતાની બેરેકમાં આવ્યા. તેમનો ચહેરો જોઈ બેરેકમાં રહેલા કેદીઓ સમજી ગયા કે, સજાનો હુકમ થયો છે. કોઈ તેમની પાસે આવ્યું નહીં. થોડીવાર પછી એક કેદી સલીમ પાસે આવ્યો તેણે પૂછ્યું, “કેટલી પડી?”

- Advertisement -


સલીમને જેલની આ ભાષાનો અનુભવ હતો. તેણે કહ્યું, “દસની.”

- Advertisement -

પેલા કેદીએ દયાની નજરે ગોપાલ સામે જોયું. સામાન્ય માણસ સંવાદ કરે તો પૂછે કે, કેટલા વર્ષની સજા થઈ? જવાબ મળે, દસ વર્ષની. પણ જેલની પોતાની એક ભાષા હોય છે. વાત કરનાર અને સાંભળનાર બંને સમજી જતા હોય છે. સલીમ ડિસ્ટર્બ નહોતો તેવું નહોતું, બસ તેને અફસોસ એક જ વાતનો હતો કે, ગોપાલને સજા થઈ હતી. તેણે પોલીસની ગાડીમાં પણ ગોપાલ સાથે કોઈ વાત કરી નહોતી. કારણ, હવે આશ્વસન આપી શકે તેવી કોઈ વાત જ સલીમ પાસે નહોતી.

તે દિવસે રાતે ગોપાલ તો ઠીક, સલીમ પણ જમી શક્યો નહીં. ગોવિંદ પોતાના બિસ્તરમાં જ બેઠો હતો. ક્યારેક તે ત્રાંસી આંખે ગોપાલ સામે જોઈ લેતો. તેને ખબર હતી કે, સજાનો હુકમ થતાં હવે ગોપાલ પાલનપુર જેલમાં રહેશે નહીં. અંતે ગોવિંદથી રહેવાયું નહીં. તે ઊભો થઈ સલીમ અને ગોપાલ પાસે આવ્યો. પહેલાં તેણે ગોપાલ સામે જોયું અને પછી સલીમ સામે જોતાં કહ્યું, “ચિંતા કરીશ નહીં.”

અમદાવાદ જેલમાં મેં વાત કરી લીધી છે. મારા પરિચિત અધિકારીઓ પણ છે અને મારા જૂના કેદીમિત્રો પણ છે. અમદાવાદ જેલ સાંભળતા જ ગોપાલે આશ્ચર્ય સાથે ગોવિંદ સામે જોયું. સલીમ સમજી ગયો. તેણે કહ્યું, “આ પાલનપુર ડિસ્ટ્રિક્ટ જેલ છે. અહીં બે વર્ષથી વધુ સજા મળી હોય તેવા કેદીને રાખતા નથી.

- Advertisement -

ગોપાલે તરત ગોવિંદ સામે જોયું. તેનો એ પ્રશ્ન પણ સલીમ સમજી ગયો. તેણે કહ્યું, “ભાઈને સજાના ભાગરૂપે પાલનપુર જેલમાં બદલી આપવામાં આવી છે. હવે આપણે અમદાવાદ જેલમાં જવાનું છે.”

ગોપાલ સ્તબ્ધ થઈ ગયો. તેણે પૂછ્યું, “હવે અહીંથી અમદાવાદ જેલમાં જવાનું?”

ગોવિંદે કહ્યું, “તારા પપ્પા આવ્યા હતા. મેં એમને જાણ કરી દીધી છે કે, હવે તને અમદાવાદ જેલમાં લઈ જશે.”

ગોપાલ બેચેન થઈ ગયો. તેને અનેક વિચાર આવવા લાગ્યા. હવે હું અમદાવાદ જેલમાં હોઈશ તો મમ્મી, પપ્પા અને નિશી કેવી રીતે મળવા આવશે? પાલનપુરથી અમદાવાદ ખાસ્સું દૂર છે. અમદાવાદ જેલ કેવી હશે? ત્યાં ગોવિંદ જેવી મદદ કોણ કરશે? આવા વિચારોમાં ગોપાલ આખી રાત સૂઈ શક્યો નહીં. સવાર પડી. સલીમ પણ કદાચ સૂઈ શક્યો નહોતો. સલીમ ફટાફટ તૈયાર થયો. તેણે ગોપાલને પૂછ્યું, “ન્હાવું નથી? ”

ગોપાલે ના પાડી. સવારની ચા પીધા પછી ગોપાલ બહાર જઈ લીમડાનાં ઝાડ નીચે બેઠો. સલીમ બેરેકમાં પોતાનો અને ગોપાલનો સામાન પેક કરી રહ્યો હતો. સાડા નવ થયા. ગોવિંદ જેલરની ઑફિસમાંથી બેરેક પર પાછો ફર્યો. તેણે ગોપાલને ઝાડ નીચે બેઠેલો જોયો. ગોવિંદને જોતાં જ ગોપાલ ઊભો થઈ ગયો. ગોપાલ તેને વળગી પડ્યો. તેની આંખો ભીની થઈ ગઈ હતી. ગોપાલને ખબર ન પડે એ રીતે ગોવિંદે પણ પોતાની ભીની આંખો લૂછી નાખી. ગોવિંદે કહ્યું, “હમણાં જાપ્તો આવી જશે. તમને અમદાવાદ લઈ જવા માટે.”

ત્યારે જ એક કેદી આવ્યો. તેણે ગોવિંદ તરફ જોઈને કહ્યું, “ભાઈ, અમદાવાદનો જાપ્તો આવી ગયો છે.”

સલીમ બેરેકના દરવાજા પાસે ઊભો હતો. તેણે પણ સાંભળ્યું કે, જાપ્તો આવી ગયો છે. તે સામાન લઈ દરવાજામાં આવ્યો. ગોવિંદે કહ્યું, “તારા વાસણો અને બિસ્તર જમા કરાવી દે.”

વાસણો અને બિસ્તર પંદર મિનિટમાં જમા થઈ ગયાં. પાલનપુર જેલ દ્વારા તેમની આઉટની એન્ટ્રી કરવામાં આવી. કારણ, હવે ગોપાલ અને સલીમ હવે તેમની કસ્ટડીમાં નહોતા. ગોવિંદ તેમને જેલના મુખ્ય લોંખડ઼ી દરવાજા સુધી મુકવા આવ્યો. બહાર પોલીસવાળા ઊભા હતા. એક મોટી બસ જેવી પ્રિઝનરવાન પણ બહાર ઊભી હતી. પોલીસ તેમને પ્રિઝનરવાનમાં બેસાડીને નીકળી.


પોલીસનું વાહન પાલનપુરના રસ્તા પરથી અમદાવાદ હાઇવે તરફ જઈ રહ્યું હતું. ગોપાલ પોલીસવાનની જાળીમાંથી જાણે છેલ્લી વખત પોતાના પાલનપુરને જોઈ રહ્યો હોય, તેવું લાગી રહ્યું હતું. રસ્તામાં પાનની દુકાન અને સોડાની લારી જોતાં તેને પોતાની યાદો ફરી મળવા આવી ગઈ. આ સોડાની લારી પર રાતે નિશી સાથે સોડા પીવા આવતો હતો. તેને શહેરના એક એક રસ્તાઓ જાણે પૂછી રહ્યા હતા કે, કયાં જાય છે?

પોલીસવાન પાલનપુર શહેર છોડી હવે હાઈવે પર આવી ગઈ હતી. પોલીસવાનની ઝડપ વધી ગઈ હતી. ગોપાલને આ પોલીસવાનની ઝડપ ખટકી રહી હતી. ગોપાલને લાગી રહ્યું હતું કે, અમદાવાદ ન આવે તો સારું. આમ તો અમદાવાદ પણ એનું જ શહેર હતું. પાછું એનું ગમતું શહેર. પણ આ રીતે એને પોતાના શહેરમાં પાછા જવું નહોતું.

સલીમ પણ રાતે સૂઈ શક્યો નહોતો. પોલીસવાનની ઝડપને કારણે, બારીમાંથી આવી રહેલા પવનને લીધે એની આંખ મળી ગઈ. ગોપાલની નજર તો બહાર જ હતી. પોલીસવાનની ઝડપ કરતાં એના વિચારોની ઝડપ વધારે હતી. તેના વિચારો પણ બમ્પ આવે અને વાહન કૂદે એ રીતે એક વિચારમાંથી બીજા વિચારોમાં કૂદકા લગાવતા હતા.

પોલીસવાન અડાલજ થઈને અમદાવાદમાં પ્રવેશી. ગોપાલને અમદાવાદના રસ્તાઓની પણ ખબર હતી. સાબરમતી પાવરહાઉસથી આરટીઓ સર્કલ થઈ પોલીસવાન સાબરમતી જેલ તરફ ડાબી બાજુ વળી. સાબરમતી જેલના મોટા દરવાજામાંથી વાન જેલનાં કેમ્પસમાં આવીને ઊભી રહી. ગોપાલે સલીમને ઉઠાડ્યો. ગોપાલે જોયું તો, ‘સાબરમતી મધ્યસ્થ જેલ 1895’ તેવું મોટા અક્ષરે લખેલુ બોર્ડ નજરે પડ્યું. ગોપાલનું નવું સરનામું હવે સાબરમતી જેલ હતી! તે બહાર જોઈ રહ્યો હતો ત્યારે જ તેનું ધ્યાન પડ્યું કે, એક લીમડાના ઝાડ નીચે મમ્મી, પપ્પા, નિશી અને નિશીના પપ્પા ઊભાં હતાં. ગોપાલ જેલ પર આવે એ પહેલાં જ તેઓ અમદાવાદ આવી ગયાં હતાં. તેમનાં હાથમાં કેટલોક સામાન હતો. પોલીસવાનમાંથી ઉતરેલા જમાદારે બૂમ પાડી, “ચાલો… નીચે ઉતરો.”

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular