પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-34): Nadaan Series : તે રાત્રે ગોપાલ, ગોવિંદ અને સલીમ સાથે જમવા બેઠા. હવે રોજ રાત્રે સાથે જમવાનો ક્રમ થઈ ગયો હતો. ગોવિંદ ડબ્બામાં કંઈક લઈ આવ્યો હતો. ગોપાલે ડબ્બો જોતાં પૂછ્યું, “આ શું લાવ્યા ભાઈ?”
ગોવિંદે કહ્યું, “હાંડીની દાળ છે.”
ગોપાલે પૂછ્યું, ‘હાંડીની દાળ’ એટલે શું?
ગોવિંદે કહ્યું, “જેલમાં હાંડી પણ બને છે. તને કોઈ દિવસ બતાવીશ. આપણી બેરેકમાં પણ પહેલાં હાંડીઓ ચાલતી હતી. મેં જ બંધ કરાવી. બધાને કહી દીધું કે, કોઈ આપણો કોલર પકડે તેવું કોઈ કામ આપણે કરવાનું નહીં. સર્કલના કેદીઓએ હાંડી બનાવી હતી, ત્યાંથી દાળ લેતો આવ્યો છું. જમી જો. આજે તને ફાઇવ સ્ટાર હોટેલનો ટેસ્ટ આવશે.”
ત્રણેય સાથે જમવા બેઠા. ગોપાલે પહેલો કોળિયો ખાતાં જ કહ્યું, “ભાઈ, આવી દાળ તો મેં બહાર પણ ખાધી નથી. શું ટેસ્ટ છે!”
ગોવિંદે આસપાસ જોયું અને એક કેદીને બૂમ મારતાં કહ્યું, “ઓય, અહીં આવ.”
પેલો કેદી દોડતો આવ્યો અને ઘૂંટણીયે બેસીને ભાઈને પૂછ્યું, “હા ભાઈ?”
ગોવિંદે તેની સામે જોતાં જોતાં પૂછ્યું, “પહેલાં તું અહીં હાંડી બનાવતો હતો?”
તે ડરી ગયો. તેણે કોઈ જવાબ આપ્યો નહીં. ગોવિંદે ત્રાસી આંખે એની સામે જોયું. “એ તો પહેલાં ભાઈ. હવે હું નથી બનાવતો.”
ગોવિંદે મોઢામાં કોળિયો મૂકતાં કહ્યું, “હમણાની વાત નથી કરતો, પહેલાંની જ વાત કરું છું.”
પેલા કેદીએ ગોપાલ અને સલીમ સામે જોયું અને કહ્યું, “હા ભાઈ, પહેલાં તો બનાવતો હતો.”
ગોવિંદે કહ્યું, “સારુ, કાલે સાંજે હાંડી બનાવશું. આ ગોપાલને જોવી છે કે, હાંડી શું હોય!”
પેલાએ કહ્યું, “જી ભાઈ.”
હજી પેલો બેસી જ રહ્યો હતો. ગોવિંદે તેની સામે જોયા વગર જ કહ્યું, “ચાલ ઉપડ.”
પેલો કેદી ઊભો થઈને જતો રહ્યો. ગોપાલને હાંડી વિશે જાણવાની તાલાવેલી જાગી. જમીને ઊભા થયા પછી ગોવિંદે રામની વાત કાઢી. જોકે હવે ગોવિંદની વાતમાં ગોપાલનું મન નહોતું. તેણે અચાનક ગોવિંદને રોકતાં કહ્યું, “ભાઈ, માઠું ન લાગે તો એક વાત પુછું?”
ગોવિંદે તેની સામે જોયું. જો ગોપાલની જગ્યાએ બીજા કોઈ કેદીએ ગોવિંદની વાત કાપી હોત, તો એના મોઢા પર એક ઝાપટ આવી ગઈ હોત. પણ ગોપાલ અપવાદ હતો. ગોવિંદે આંખો ઊંચી કરીને કહ્યું, “પૂછ.”
ગોપાલે આસપાસ જોયું, સલીમ સામે નજર કરી અને પછી ધીમા અવાજે પૂછ્યું, “ભાઈ તે દિવસે સલીમે તેની મુમતાઝની વાત કરી, ત્યારે તમારી આંખો કેમ ભીની ગઈ થઈ હતી?”
ગોવિંદે આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો. ગોપાલને લાગ્યું કે, તેનાથી કોઈ તો ભૂલ તો થઈ નથીને! ગોવિંદે આંખો ખોલી. સલીમના પગ પર હાથ મૂકતાં કહ્યું, “સલીમ મુમતાઝની અને તું નિશીની વાત કરે છે, ત્યારે મને બંસરી યાદ આવી જાય છે. આમ તો હું એને ભૂલવાનો પ્રયત્ન કરું છું; પણ બંસરી મને ભૂલવા દેતી નથી.”
ગોવિંદ આટલું કહીને ચૂપ થઈ ગયો. ગોપાલ અને સલીમ એકબીજાની સામે જોવા લાગ્યા. થોડી શાંતિ પછી ગોપાલે ડરતાં ડરતાં પૂછ્યું, “બંસરીભાભી ક્યાં છે?”
ગોવિંદ જમીન સામે જોઈ રહ્યો. ક્યાંય સુધી તેમ જ બેસી રહ્યો. પછી તેણે ગોપાલ સામે જોયું અને કહ્યું, “બંસરી હવે આ દુનિયામાં નથી. એણે આત્મહત્યા કરી લીધી છે.”
એકદમ સન્નાટો છવાઈ ગયો. ગોવિંદ જેને પ્રેમ કરતો હતો, એ બંસરી હવે આ દુનિયામાં નથી એવું સાંભળીને સલીમ અને ગોપાલ સ્તબ્ધ થઈ ગયા. ગોવિંદ જેવા બરછટ માણસને પ્રેમ પણ થાય! આ વાત સલીમ માની શકતો નહોતો. ગોપાલ અને સલીમ પૂછવા માગતા હતા કે, શું થયું હતું? પણ તેમની હિંમત થઈ નહીં.
પાંચ સાત મિનિટ સુધી કોઈ સંવાદ થયો નહીં. ગોવિંદે જ પોતાની વાત શરૂ કરતાં કહ્યું, “મેં જે વર્ષે ગ્રેજ્યૂએશન પૂરું કર્યું, તે જ વર્ષે મને હિંમતનગરની બેંકમાં નોકરી મળી ગઈ. મારા બાપા ગોરપદું કરતા હતા. તેમને ગામના લોકો સાથે સારો સંબંધ. બધા તેમને ગોર મહારાજ કહેતા. બાપાએ બેંકના ચેરમેનને વાત કરી અને મને નોકરી મળી ગઈ. બ્રાહ્મણ હોવાને કારણે મને બેંકમાં કોઈ ગોવિંદ કહેતું નહીં. બધા મને મહારાજ જ કહેતા. મારી જિંદગી સરળ હતી. ઘડિયાળના કાંટે ચાલતી હતી. સવારે દસ વાગ્યે નીકળવાનું અને સાંજે છ વાગ્યે ઘરે પહોંચી જવાનું.
બાપાની ઇચ્છા હતી કે, મારે પણ ગોરપદું કરવું જોઈએ. તો બે પૈસા વધારે મળે. સ્કૂલમાં હતો ત્યાં સુધી બાપા સાથે પૂજા, લગ્ન, વિધિ વગેરે કરાવવા જતો, પણ મને તે કામમાં કોઈ રસ નહીં. નોકરી મળી એટલે બાપા મારા માટે છોકરી શોધી રહ્યા હતા, પણ તે દિવસે મેં બેંકમાં બંસરીને જોઈ.
એ પોતાની દાદીને લઈને બેંકમાં આવી હતી. બંસરી અને તેની દાદીએ રબારી સ્ત્રીઓ પહેરે તેવા જ કપડાં પહેર્યા હતા. મને ખબર પડી ગઈ કે, એ રબારી છે. પહેલાં તો મારું ધ્યાન એમની તરફ એમના ગામઠી કપડાંને કારણે ગયું. પછી હું મારા કામમાં લાગી ગયો. ત્યાં એકદમ મારા કાને અવાજ પડ્યો, “કોઈ માણહ હાથે કેવી રીતે વાત કરવી, એની ખબર પડે હે કે નહીં? નવાઈના ભણ્યા છો! સંસ્કાર જેવું કાંઈ હે કે નહીં?”
આ અવાજને કારણે બધાનું ધ્યાન તેમની તરફ ગયું. હું ઊભો થયો અને કાઉન્ટર પરથી જોયું તો, જે જુવાન છોકરી હતી, તે કેશિયરને ધમકાવી રહી હતી. અવાજ સાંભળીને મેનેજર પણ ચેમ્બરમાંથી બહાર આવી ગયા. તેમણે કેશિયરને પૂછ્યું, “શું થયું?”
કેશિયર કંઈ જવાબ આપે તે પહેલાં જ પેલી છોકરીએ કહ્યું, “સાહેબ આ તમારા માણહને બોલતા હીખવો, ઘયડા માણહ હાથે કેવી રીતે વાત થાય!”
કેશિયરે પોતાનો બચાવ કરતાં કહ્યું, “સાહેબ માજીની સહી મેચ થતી નહોતી, એટલે મેં ફરી સહી કરવાં કહ્યું. પેલી છોકરીનો પારો છટક્યો. તે રીતસર તાડુકી, “એ… જુઠ્ઠીના… તે આ બાને ડોહી કહી. ભાન પડે સે?”
મેનેજર વાત સમજી ગયા. અચાનક તેમનું ધ્યાન મારી તરફ ગયું. તેમણે મને કહ્યું, “મહારાજ, માજીને મદદ કર.”
હું કાઉન્ટરની બહાર આવ્યો. માજીને ખુરશી પર બેસાડ્યાં બેંકનું કાર્ડ બતાવીને કહ્યું, “બા, આવી સહી કરવાની.”
બા સહી કરી રહ્યાં હતાં ત્યારે મેં બંસરીને પહેલી વાર નજીકથી જોઈ. રૂપ રૂપનો અંબાર! મારું મન તો ત્યાં જ મારાં ખાતામાંથી ડેબિટ થઈ ગયું અને એના ખાતે જમા થઈ ગયું. મારા મને જાણે સાફ શબ્દોમાં મને કહ્યું, “ઉપરવાળાએ તારા માટે જ બનાવી છે.”
હું માજીની સ્લીપ કેશકાઉન્ટર પર લઈ ગયો. કેશિયરે ફરી સહી ચેક કરી. એના ચહેરા પર ગુસ્સો હતો. મેં પૈસા લીધા અને પાછો બંસરી અને તેનાં દાદી બેઠાં હતાં, ત્યાં આવી બંસરીના હાથમાં પૈસા મૂકયા. બંસરીને કહ્યું, “ગણી લેજો.”
એણે મારી આંખોમાં જોયું. એની નજર ધારદાર હતી! મેં મારી નજર ફેરવી લીધી. બંસરીએ ધીરે ધીરે નોટો ગણી અને કહ્યું, “બરાબર છે.”
બંસરીએ દાદીનો હાથ પકડ્યો, દાદી ઊભાં થયાં, બંને બેંકની બહાર તરફ ચાલવાં લાગ્યાં. મેં હિંમત કરીને પૂછ્યું, “તમારું નામ?”
બંસરી એકદમ અટકી. તેણે પાછું ફરીને જોયું અને પૂછ્યું, “કેમ?”
એની આંખમાં ગુસ્સો હતો. મને લાગ્યું કે, આ છોકરી મારી આબરૂ અહીં જાહેરમાં જ લીલામ કરશે. હું ધ્રુજી ગયો. પછી એના ચહેરા પર એકદમ સ્મિત આવ્યું અને બહાર જતી વખતે બોલી, “બંસરી.”
બસ એ પછી તો મારા મનમાં ઘર કરી ગઈ. પછી એ મને ક્યારેય મળી નહીં. મારે તો મળવું હતું, પણ એને શોધું ક્યાં? સાચું કહું તો, એને મળવાની મારી હિંમત પણ થતી નહોતી.
છ મહિના પછી શામળાજીમાં મેળો લાગ્યો હતો. હું મારા મિત્રો સાથે મેળામાં ગયો હતો. ત્યાં ઘણી બધી છોકરીઓ હતી. અચાનક મને બંસરી દેખાઈ ગઈ. ખબર નહીં ક્યાંથી હિંમત આવી, મેં બૂમ પાડી, બંસરી…”
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796