Friday, June 26, 2026
HomeNationalચાંદીના ભાવ વધુ નીચે જવા આવશ્યક  

ચાંદીના ભાવ વધુ નીચે જવા આવશ્યક  

- Advertisement -

છેલ્લા પાંચ સપ્તાહમાં ચાંદી ૩.૩૪ ડોલર અથવા ૧૫.૨ ટકા ઘટી  

મજબૂત અમેરિકન ડોલરનું સીધું પણ વીપરિત પ્રતિબિંબ ચાંદીમાં પડે છે

- Advertisement -

તેજીવાળાનું લક્ષ્યાંક ૨૦ ડોલર વટાવવાનું હતું પણ હવે અપર લિમિટ ૧૯ ડોલર ગણવી જોઈએ

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): આપણે આર્થિક મંદી તરફ પ્રયાણ શરૂ કરી દીધું છે, ત્યારે ઘટયા ભાવે ચાંદીની માંગ નીકળશે, એવા આશાવાદનો ભાગાકાર આપોઆપ થઈ જાય છે. આથી એનાલિસ્ટો પણ માનવા લાગ્યા છે કે ચાંદીના ભાવને વધુ નીચે જવાનો માર્ગ મોકળો થવો આવશ્યક થઈ ગયો છે. શુક્રવારે કીમતી ધાતુમાં ભારે અફડાતફડી જોવાઈ, પણ આખરે બધી ધાતુ સાપ્તાહિક ઘટાડે બંધ રહી. સોના અને ચાંદી સતત પાંચમા સપ્તાહે ઘટાડો અનુભવ્યો. સોમવારે એશિયન ઇન્ટરડેમાં ભાવ વધી ૧૮.૮૧ ડોલર થયા હતા.



- Advertisement -

નાયમેક્સ સપ્ટેમ્બર ચાંદી વાયદો શુક્રવારે ૩૬.૯ સેંટ પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) અથવા બે ટકા વધીને ૧૮.૫૯ સેંટ બંધ રહ્યો. સાપ્તાહિક ધોરણે જોઈએ તો ભાવ ૩.૩ ટકા ઘટયા. છેલ્લા પાંચ સપ્તાહમાં ચાંદી ૩.૩૪ ડોલર અથવા ૧૫.૨ ટકાનું ગાબડું પડ્યું. ગુરુવારે એક તબક્કે ભાવ ૧ જુલાઇ ૨૦૨૦ પછીની બોટમ ૧૮.૦૧ ડોલર ટચ કરી ગયા. જો આ વર્ષનો હિસાબ માંડીએ તો ચાંદી ૨૦.૪ ટકા ઘટી હતી.

જો સ્પષ્ટપણે કહી તો અત્યારે ચાર્ટ પણ નકારાત્મક બન્યા છે અને ભાવ વધવાને બદલે ઘટવા તરફ અગ્રેસર થયા છે. જો આવુજ હોય તો એનાલિસ્ટોનું માનવું છે કે મજબૂત અમેરિકન ડોલરનું સીધું પણ વીપરિત પ્રતિબિંબ, ચાંદીમાં પડે છે તે પણ એક પ્રમાણ છે. તેઓ તો ત્યાં સુધી કહે છે કે જો આવું જ બધુ ચાલશે તો, લાંબાગાળે મંદિવાળાનો કોલ ચાંદીને ૧૨ ડોલર સુધી નીચે લઈ જવાનો રહેશે. જરૂરી નથી કે રોજિંદા ધોરણે આવુજ બન્યા કરે, મંદિવાળા જો ખેલ પાડવા મક્કમ બનશે તો ક્યારેક એવું પણ બનશે કે વાયદો વધુ પડતો મજબૂતી ધારણ કરે અને પછી ઘટે.

અગાઉ તેજીવાળાનું લક્ષ્યાંક ૨૦ ડોલર વટાવવાનું હતું, પણ હવે બજારની અપર લિમિટ ૧૯ ડોલર ગણવી જોઈએ. હમણાં તો આપણે મંદિવાળાની રાહે ચાલવાનું છે, કોઈ કારણ નથી કે આમાં મોટો બદલાવ આવે. આખરે બજાર પાસે અત્યારે તો ઘટવા માટેના કારણો છે. અમેરિકન ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે, તેથી કહી શકાય કે અમેરિકન ડોલર ટર્મમાં ચાંદીને ઘટવું છે.

- Advertisement -



નાણાં બજારમાં જ્યારે અચોક્કસતા સર્જાય ત્યારે પરંપરાગત રીતે મોટી ઉથલપાથલ સાથે સોના/ચાંદી સલામત રોકાણની પ્રતિષ્ઠા મેળવે છે, જ્યારે અન્ય એસેટ્સ ક્લાસ રોકાણોમાં મોટી ઉથલપાથલ નબળી પડે છે. આ ઘટના એવા સંકેત આપે છે કે નબળા ડિવિડન્ડ અને કૂપન પેમેન્ટ ઓછા થતાં લોકો પાસે રોકડ પ્રવાહિતાની અચોક્કસતા સર્જાય છે. અર્થતંત્રોમાં અચોક્કસતા સર્જાય ત્યારે ચાંદી સેફ હેવન અપીલ સર્જે છે, સાથે જ કીમતી ધાતુમાં જેમજેમ અફડાતફડી વધે તેમતેમ સટ્ટોડિયા તેમાંથી લાભ ખાંટવાની તક નથી છોડતા. ટૂંકાગાળામાં શેરબજારોમાં કામકાજમાં ઘટાડો થયો છતાં, ચાંદીને કોઈ લાભ નથી થયો.

જૂન અંતે ચાંદી ૧૮.૭૦ ડોલરનું મહત્વનું પેટું તોડીને એક નવી અને મંદીની રેખા ખેંચી ત્યાર પછી એવા સંકેત મળવા લાગ્યા હતા કે હવે મંદિવાળા ઝાલ્યા નહીં ઝલાય અને ભાવની વધુ નીચે ખેંચી જશે. હવે તો ફંડામેન્ટલ્સ પણ કહે છે કે બહુ બધો બદલાવ શક્ય નથી. વાસ્તવિકતા એ છે કે અમેરિકન યીલ્ડમાં વધારો, દાખવે છે કે અમેરિકામાં ફુગાવાની અપેક્ષા વધી રહી છે, તેની સાથે આખી દુનિયામાં મંદીની ચિંતાઓએ ચાંદી માટે મુશ્કેલ વાતાવરણ સર્જી દીધું છે.

નબળા ટેકનિકલ સંકેતો સાથે હવે નબળા ફન્ડામેન્ટલ્સ પણ સતત એવા જ નિર્દેશ આપે છે. ૨૦૨૦ની બોટમ અને ૨૦૨૧ની ટોપ રેન્જથી ૬૧.૮ ટકા ફીબોનાસી રિટ્રેચમેન્ટ નીચેના ભાવથી ચાંદી અત્યારે ટ્રેડ થઈ રહી છે. ૧૮.૯૦ ડોલરની ટ્રેન્ડ લાઇન તૂટી ગઈ છે તેથી વધુ વેચાણ સાથે ભાવ ૧૬ ડોલરની નજીક સરકી જવા પ્રયાસ કરશે, એવી શક્યતા અસ્તિત્વમાં છે. ગત સપ્તાહે સેન્ટિમેન્ટમાં જે બદલાવ આવ્યો છે તે એવા દિશાનિર્દેશ આપે છે કે ટૂંકાગાળામાં ચાંદી મિશ્રવલણ અખત્યાર કરશે.     



(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular