નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં દિવસેને દિવસે ક્રાઇમની ઘટનોમાં વધારો થઈ રહ્યો હોય તેવું રોજબરોજના અહેવાલો પરથી લાગી રહ્યું છે. સુરતના ગુનેગારોને પોલીસનો કોઈ ખૌફ જ નહોય તેમ સુરતમાં ક્રાઇમ રેટ વધી રહ્યો છે. ગઈ કાલે રાતે સુરતમાં લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિને જીવ ગુમાવવો પડ્યો છે. પોલીસનું માનવું છે કે બે ગેંગ વચ્ચે મતભેદના લીધે થયેલા ગેંગવોરમાં આ ફાયરિંગ થયું હતું.
આ ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જાનતા માર્કેટ આગળ આ ફાયરિંગની ઘટના બની હતી. જેમાં સુરતની મીંડી ગેંગ ઉપર બે હત્યાના આરોપી ફઈમ સુકરીએ ફાયરિંગ કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ફાયરિંગમાં 4 જેટલા રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા જેમાં આરીફ મીંડીના જમાઈ હાજી પુનવાલાનું મૃત્યુ થયું હતું. હાલ આ સમગ્ર ઘટનાની તપાસ સુરતની લાલગેટ પોલીસ કરી રહી છે.
ગઇકાલે રાતના સમયે આ ઘટના બની હતી. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી કુખ્યાત મીંડી ગેંગનો ત્રાસ વધી રહ્યો હતો જેના કારણે તેની સામેની ગેંગ પણ પાછળ રહેવા માગતી નહતી એટલે તેમણે મીંડી ગેંગના સભ્યો ઉપર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં મીંડી ગેંગના આરીફ મીંડીના જમાઈ આજી પુનવાલાને ગોળી વાગી હતી, ત્યાર બાદ તેને સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
આ સમગ્ર ઘટનામાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. આરોપીઓ ફાયરિંગ કરીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત સુરતમાં મીંડી ગેંગ ઉપર પણ હપ્તાખોરી, વ્યાજનો ધંધો કરવા અને દાદાગીરી કરવા જેવા ગુના નોંધાયેલા છે.








