Thursday, April 30, 2026
HomeBusinessવૈશ્વિક એલ્યુમિનિયમ પુરવઠો ઓલ ટાઈમ લો થયો તે છતાં ભાવ ઘટયા

વૈશ્વિક એલ્યુમિનિયમ પુરવઠો ઓલ ટાઈમ લો થયો તે છતાં ભાવ ઘટયા

- Advertisement -

યુરોપિયન દેશોએ ઈનપુટ ખર્ચ વધવાથી ટૂંકાગાળા માટે એકમો બંધ કરી દેવાનો નિર્ણય કર્યો

આગામી દિવસોમાં એલ્યુમિનિયમ ઉત્પાદન અને વધુ સપ્લાય કાપની ઘોષણા થશે

- Advertisement -

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): એલ્યુમિનિયમના જગતના સૌથી મોટા વપરાશકાર દેશ ચીનના નબળા બાંધકામ ડેટા અને જગતમાં માંગ ઘટવાની ચિંતાઓ વચ્ચે ભાવ ઘટી રહ્યા હતા, પણ જ્યારે વૈશ્વિક પુરવઠો ઓલ ટાઈમ લો થયો હોય, તે છતાં ભાવ ઘટી રહ્યા છે તેનું આશ્ચર્ય ટ્રેડરોને વધુ છે. બાંધકામ ઉધ્યોગની કાચા માલની માંગ નબળી પડી જવાને લીધે ચીનનો જુલાઈમાં કારખાના ફુગાવાદર ૧૭ મહિનાના તળિયે ગયો હતો. વિશ્વની આ બીજા નંબરની સૌથી મોટી એલ્યુમિનિયમ ઉત્પાદક રશિયન રશેલની નિકોલોવ રિફાઇનરી, જે વાર્ષિક ૧૭ લાખ ટનનું ઉત્પાદન કરતી હતી તે માર્ચથી બંધ પડી છે.

ઔધ્યોગિક ખેલાડીઓ માની રહ્યા છે કે આગામી દિવસોમાં વધુ એલ્યુમિનિયમ ઉત્પાદન કાપની ઘોષણા થશે. એવું પણ મનાય છે કે ભાવ વર્તમાન તળિયા સાસપાસ બોલાતા રહેશે. યૂરોપમાં ઊર્જા અછત અને વૈશ્વિક અર્થતંત્રોમાં નીચલા સ્તરની ગતિવિધિ કેવાંક વળાંક લે છે તેના પર નજર કેન્દ્રિત કરવાની રહેશે. ટૂંકાગાળામાં આપણી સામે મંદીના એરુનો ભય છે જ, માથે ચીન અને ભુભૌગોલિક જોખમો પણ સામે ઊભા છે. આ બધાને લીધે એલ્યુમિનિયમ ઉધ્યોગમાં આવવું જોઈતું મૂડીરોકાણ ઘટ્યું છે.

મોર્ગન સ્ટેન્લીએ જુલાઇ આરંભમાં જ કહી દીધું હતું કે ભાવ ઘટાડાને લીધે એલ્યુમિનિયમ ઉધ્યોગના નફામાં આવી રહેલી કપાત અને વધતા ઊર્જા ખર્ચાઓએ ઉત્પાદન ક્ષમતાઓ પર દબાણ ઊભું કર્યું છે. આવું વલણ હવે વધતાં દરે જોવાશે. ત્રિમાસિક એલએમઇ એલ્યુમિનિયમ વાયદો ફેબ્રુઆરી એન્ડમાં ૩૯૬૬ ડોલરની ઊંચાઈએથી અત્યાર સુધીમાં ફુગાવા અને મંદીના ભયે ૩૯ ટકા ઘટીને શુક્રવારે એક તબક્કે ૨૫૧૬થી ઘટીને ૨૪૯૫ ડોલર મુકાયો હતો. સતત વધતાં દરે ચીન તરફથી થતી નિકાસે પણ ભાવ પર દબાણ સર્જાયું છે.

- Advertisement -

આખા જગતમાં ઊર્જાના ભાવ અનાપસનાપ વધ્યા તેથી ખાસ કરીને યુરોપિયન દેશોએ ઈનપુટ ખર્ચ સતત વધવાથી મોટી ખોટમાંથી બચવા ટૂંકાગાળા માટે ઉત્પાદન કાપ અથવા એકમો બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. આ બધુ ત્યારે બની રહ્યું છે જ્યારે બજારમાં પુરવઠો તળિયે ગયો છે અને સાથે જ એલ્યુમિનિયમના ભાવ પણ ઘટયા છે, આ ઘટના આશ્ચર્યજનક તો કહેવાય જ.

ઉત્પાદન ખર્ચ વધવા સાથે વૈશ્વિક ઉત્પાદન કાપ તેમજ સતત ઘટી રહેલા ભાવ જેવા અચોક્કસ સમયમાં ભારતીય એલ્યુમિનિયમ ઉત્પાદકો માટે નવી તક સમાન જોવાઈ રહ્યું છે. પણ ભારતીય ટ્રેડરો એલએમઇ ભાવથી ખૂબ સંવેદનશીલ હોય છે ત્યારે તેઓ પણ આ વલણથી અછૂટા નહીં રહે તેમ માનીને ભારતના ઉત્પાદકોએ પણ સાવધાન રહેવું જરૂરી છે. અલબત્ત, નેશનલ એલ્યુમિનિયમ કંપની (નાલ્કો)એ વર્ષાનુવર્ષ ધોરણે ૫૩ ટકાનો વૃધ્ધિવિકાસ દાખવ્યો છે. પણ આ સાથે જ કંપનીનું નેટ વેચાણ ૧૩ ટકા ઘટીને ૩૮૦૦ કરોડ રહ્યું હતું.

જો એલએમઇના એલ્યુમિનિયમ અને એલ્યુમિના ભાવની સરખામણીએ જોઈએ તો નાલ્કોનું વેચાણ ૧૨ ટકાનો ઘટાડો દાખવે છે. એક તરફ એલએમઈમાં ભાવ ઘટયા બીજી તરફ કાચામાલના ખર્ચમાં જબ્બર વધારો થવાથી નાલ્કોનું સર્વાંગી કામકાજ સખત રીતે નબળું પડ્યું હતું. બ્રોકરેજ હાઉસ ડેલોટ કેપિટલ માર્કેટ કહે છે કે છેલ્લા ત્રિમાસિકમાં હિન્ડાલ્કોનું કામકાજ પણ પાંચ ટકા જેવુ નબળું પડ્યાની શક્યતા છે. અદાણી ગ્રૂપની આગેવાન કંપની અદાણી એન્ટરપ્રાઇસ લિમિટેડને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ૪૬૧.૫૩ અબજ રૂપિયાના ખર્ચે રિફાઇનરી અને કેપ્ટિવ પાવરપ્લાન્ટ બાંધવાની મંજૂરી મળી ગઈ છે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular