નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. વાહનોની સંખ્યામાં વધારો થતાં અમદાવાદમાં ઠેર ઠેર ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળે છે. આવામાં જાહેર વહનવ્યવહાર પણ ઘણી વાર ખોરવાય છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા AMTS અને BRTS સેવા ચલાવવામાં આવે છે. આવા ટ્રાફિકજામ દરમિયાન જો બસ મોદી પડે તો બસના ડ્રાઈવરને સાંભાળવું પડે છે, જેના માટે તેમણે એક ઉપાય શોધ્યો છે કે આવું કઈ હોય ત્યારે તેઓ ટ્રાફિકનો વીડિયો રેકોર્ડ કરી લે છે.
તાજેતરમાં આવા જ એક ટ્રાફિકજામનો વીડિયો બસ ડ્રાઈવર રેકોર્ડ કરી રહ્યા હતા, ત્યારે એક કારમાંથી બે વ્યક્તિઓ બહાર આવ્યા અને બસ ડ્રાઈવરને વીડિયો કેમ બનાવે છે તેવું કહીને મારવા લાગ્યા હતા. BRTS બસના ડ્રાઈવર જયેશ પરમાર બસ લઈને ઠક્કરનગરથી નીકળીને વિજયપાર્ક ચાર રસ્તા પહોંચ્યા ત્યારે ત્યાં ટ્રાફિકજામ હોવાના કારણે બસ પોતાના સમય કરતાં મોડી ચાલી રહી હતી, તો મોડા પહોંચવાનું કારણ દર્શાવવા માટે બસ ડ્રાઈવર ટ્રાફિકનો વીડિયો લઈ રહ્યા હતા.
આ દરમિયાન બે વ્યક્તિઓ એક કારમાંથી બહાર આવ્યા અને બસ ડ્રાઈવર સાથે વીડિયો બનાવવા બાબતે ઝગડો કરીને બસ ડ્રાઈવરને માર માર્યો હતો. એક વ્યક્તિએ બસ ચાલકને મોઢા અને હોઠ ઉપર મુક્કા માર્યા હતા જેના કારણે બસ ચાલક ઇજાગ્રસ્ત થયા હતા. ત્યાર બાદ આ બંને વ્યક્તિઓએ તેમને ધમકી પણ આપી હતી જેના કારણે બસ ડ્રાઇવરે પોલીસ કંટ્રોલમાં ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યાર બાદ ક્રુષ્ણનગર પોલીસ સ્ટેશનમાં વિજયસિંહ અને તેની સાથે રહેલા અન્ય એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.








