Saturday, November 28, 2026
HomeNationalનેતાઓની ખુરશી વધારવામાં વધુ 22 સાંસદોનો મોદી સરકારને મળશે ટેકોઃ DMK નું...

નેતાઓની ખુરશી વધારવામાં વધુ 22 સાંસદોનો મોદી સરકારને મળશે ટેકોઃ DMK નું સીમાંકન બિલના સમર્થનનું એલાન

- Advertisement -

DMK Stalin delimitation Narendra Modi: લોકસભા સીમાંકન અને બેઠકોની સંખ્યા વધારવાના પ્રસ્તાવ વચ્ચે હવે રાજકીય સમીકરણો બદલાતાં જોવા મળી રહ્યાં છે. તમિલનાડુની સત્તાધારી દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) કેન્દ્ર સરકારના સીમાંકન બિલને સમર્થન આપે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. DMKના વરિષ્ઠ સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભાની બેઠકોમાં 50 ટકાનો વધારો કરવાના કેન્દ્ર સરકારના ફોર્મ્યુલાને પાર્ટી સ્વીકારી શકે છે. જોકે, તેની સાથે તમિલનાડુનું હાલનું રાજકીય પ્રતિનિધિત્વ યથાવત્ રહે તેની બંધારણીય ખાતરી આપવાની શરત મૂકવામાં આવી છે.

DMKની મુખ્ય બે માગણીઓ છે. પ્રથમ, લોકસભામાં તમિલનાડુની હાલની 7.2 ટકા બેઠકોની ભાગીદારી સુરક્ષિત રહેવી જોઈએ. બીજી, 1971ની વસ્તી ગણતરીના આધારે રાજ્યોને ફાળવવામાં આવેલી બેઠકોનું પ્રમાણ આગામી 25 વર્ષ સુધી યથાવત્ રાખવું જોઈએ. પાર્ટીનું કહેવું છે કે આ બંને સુરક્ષા જોગવાઈઓ બંધારણીય સુધારા દ્વારા સામેલ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં તેમાં ફેરફાર ન થઈ શકે અને 2027ની વસ્તી ગણતરીના આધારે વસ્તીના પ્રમાણમાં સીમાંકન આપમેળે લાગુ ન થઈ જાય.

- Advertisement -

આ ફોર્મ્યુલા અમલમાં આવે તો તમિલનાડુમાં લોકસભાની હાલની 39 બેઠકો વધીને 59 થઈ શકે છે. જોકે, બેઠકોની સંખ્યા વધવા છતાં સંસદમાં રાજ્યની ભાગીદારી લગભગ અગાઉ જેટલી જ જળવાઈ રહે તેવો પ્રસ્તાવ છે. કેન્દ્ર સરકારના ફોર્મ્યુલા હેઠળ તમામ રાજ્યોની બેઠકોમાં એકસરખો 50 ટકાનો વધારો કરવાની વાત છે. આ સાથે રાજ્યો વચ્ચે બેઠકોનું પ્રમાણ વર્ષ 2051 સુધી સુરક્ષિત રાખવાની જોગવાઈ હોવાનો અહેવાલ છે.

DMKના સૂત્રોનું કહેવું છે કે પાર્ટીને સંસદનું કદ વધારવા સામે વાંધો નથી, પરંતુ આ પ્રક્રિયામાં તમિલનાડુનું રાજકીય પ્રતિનિધિત્વ ઘટવું ન જોઈએ. પાર્ટીના એક વરિષ્ઠ સૂત્રએ NDTVને જણાવ્યું હતું કે, પાર્ટી સંસદનું કદ વધારવા માગતી નથી, પરંતુ જો કેન્દ્ર સરકાર બેઠકો વધારવા પર અડગ હોય તો ઓછામાં ઓછું તમિલનાડુની હાલની ભાગીદારી સુરક્ષિત રાખવી જોઈએ.

સીમાંકનના કારણે દક્ષિણનાં રાજ્યોનું રાજકીય મહત્ત્વ ઘટી શકે છે કે કેમ તેવા સવાલના જવાબમાં DMKના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલ પાર્ટીની પ્રાથમિકતા તમિલનાડુના હિસ્સાનું રક્ષણ કરવાની છે. ઉત્તરનાં કેટલાંક રાજ્યોમાં દક્ષિણનાં રાજ્યોની સરખામણીએ વસ્તી વૃદ્ધિ પર ઓછું નિયંત્રણ રહ્યું છે. તેથી વસ્તીના આધારે બેઠકોનું પુનઃવિતરણ થાય તો કેન્દ્ર સરકારની રચના અને નિર્ણય પ્રક્રિયામાં દક્ષિણનાં રાજ્યોનો પ્રભાવ ઘટી શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisement -

DMKના પૂર્વ સાથી પક્ષ કોંગ્રેસે પણ સીમાંકન પ્રક્રિયા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોંગ્રેસને આશંકા છે કે ભાજપના નેતૃત્વવાળી સરકાર ચૂંટણી ક્ષેત્રોની એવી રીતે ફાળવણી કરી શકે છે, જેનાથી સત્તાધારી પક્ષને ફાયદો થાય. જોકે, DMKના સૂત્રોનું કહેવું છે કે પ્રસ્તાવિત ફોર્મ્યુલા હેઠળ દક્ષિણનાં રાજ્યોના સંદર્ભમાં તેમને હાલ આવી કોઈ સમસ્યા દેખાતી નથી.

જોકે, એક મહત્ત્વનો સવાલ હજુ પણ યથાવત્ છે કે જો ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર સંસદમાં આ બિલ રજૂ કરે તો DMK ખુલ્લેઆમ તેની તરફેણમાં મતદાન કરશે કે પછી ગૃહમાંથી બહાર નીકળી જશે અથવા મતદાનથી દૂર રહીને પરોક્ષ રીતે સરકારને મદદ કરશે? DMK પાસે લોકસભામાં 22 સાંસદો છે. બંધારણીય સુધારા માટે જરૂરી બે તૃતીયાંશ બહુમતી મેળવવાના સરકારના પ્રયાસોમાં આ સાંસદોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની શકે છે.

DMKના સંભવિત સમર્થનના સંકેતો એવા સમયે સામે આવ્યા છે, જ્યારે કોંગ્રેસ સાથે તેના રાજકીય સંબંધોમાં તણાવ છે. 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસે DMK સાથેનું જૂનું ગઠબંધન સમાપ્ત કરીને TVKને સમર્થન આપ્યું હતું. તેના કારણે જોસેફ વિજયના મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો થયો હતો. ત્યારથી DMKએ INDIA ગઠબંધનની પ્રવૃત્તિઓથી અંતર જાળવ્યું છે. બીજી તરફ, સત્તાધારી TVKએ અગાઉ DMK અને ભાજપ વચ્ચે કોઈ રાજકીય સમજૂતી થવાની શક્યતા વ્યક્ત કરી હતી, જોકે DMKએ આ આક્ષેપો નકારી કાઢ્યા હતા.

- Advertisement -

શુક્રવારે DMK પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ફરી એકવાર સીમાંકન અંગે પાર્ટીનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે યાદ અપાવ્યું હતું કે વસ્તી આધારિત સીમાંકનના જોખમો અંગે તેમણે અગાઉ પણ અવાજ ઉઠાવ્યો હતો અને ચેન્નઈમાં સંમેલન યોજીને અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા પ્રતિનિધિઓને એક મંચ પર લાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્ટાલિને ભારપૂર્વક જણાવ્યું હતું કે તમિલનાડુના હિતો સર્વોપરી રહેશે અને લોકસભામાં રાજ્યની હાલની 7.18 ટકા ભાગીદારી સુરક્ષિત રાખવી જોઈએ. સાથે જ 1971ની વસ્તી ગણતરીના આધારે રાજ્યો વચ્ચે બેઠકોની ફાળવણી આગામી 25 વર્ષ સુધી યથાવત્ રાખવાની માગ કરી હતી.

સ્ટાલિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, સીમાંકન અંગે પાર્ટીના વલણમાં કોઈ ફેરફાર થયો નથી અને કોઈ પણ પ્રકારના સમાધાનનો સવાલ જ ઊભો થતો નથી. હવે સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાનારી DMKના લોકસભા સાંસદોની બેઠક પર સૌની નજર છે. આ બેઠકમાં પાર્ટી પોતાની શરતો અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે. ખાસ કરીને સંસદમાં બિલ રજૂ થાય ત્યારે DMK કેવી રીતે મતદાન કરશે તે બાબત કેન્દ્ર સરકાર માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular