નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ કોંગ્રેસમાંથી ઘણા દિગ્ગજ નેતાઓ છૂટા થયા અને ભાજપની વહેતી નદીમાં ડૂબકી લગાવી લીધી છે. હાલમાં જ કોંગ્રેસના નેતા હર્ષદ રિબડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું. સૂત્રોનું માનીએ તો ઘણા સમયથી આ પક્ષપલ્ટાની વાતચિત ચાલી રહી હતી. જોકે હાલમાં વિધાનસભા ચૂંટણી નજીક છે તો તેવા સંજોગોમાં એટલે કે પક્ષપલ્ટાની સિઝનમાં તેમણે આ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે હર્ષદ રિબડિયા ખેડૂત નેતા તરીકેની ઈમેજ ધરાવતા હોવાને કારણે કોંગ્રેસને આ કારણથી મોટો ફટકો પડવા જઈ રહ્યો છે. આગામી ચૂંટણીમાં આ ઘટનાના પડઘા ઘેરા પડે તેવું પણ લાગી રહ્યું છે.
આજે ગાંધીનગર ખાતે કમલમ કાર્યાલય પર હર્ષદ રિબડિયાએ કેટલાક કોંગ્રેસી આગેવાનો અને પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાવાની વિધિ પૂર્ણ કરી લીધી છે. અહીં પ્રદિપસિંહ વાઘેલાના હસ્તે તેમણે ખેસ પહેર્યો છે. ખેતર ખેડવાનું હળ લઈને તેઓ અને તેમના સમર્થકો અહીં આવી પહોંચ્યા હતા. વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાયા છે અને તેને લઈને તેમણે કહ્યું કે, ઘણા મિત્રો પૂછતા હતા કે કેમ તમે ભાજપમાં આવી ગયા, કેમ કોંગ્રેસને છોડી દીધી. પણ આખું ગુજરાત જાણે છે, દેશ આખો જાણે છે કે કોંગ્રેસ હવે દિશાહીન થઈ ગઈ છે. તેમણે કહ્યું કે અમે ધારાસભ્ય તરીકે હતા તે વખતે લડાઈ કરવાની આવે તો પણ અસામાજિક તત્વો સામે અમે લડ્યા હોઈએ ત્યારે કોંગ્રેસ પાર્ટીનો કોઈ આગેવાન અમારી મદદે આવતો ન હતો.
જોકે તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં વિકાસ કરી રહ્યા છે, વર્ષ 2014માં પોષણક્ષમ ભાવ પછી જે ભાવ વધારો આવ્યો તેમાં મારો ખેડૂતનો દીકરો કાળી મજુરી કરી, તાપમાં દેશનું પેટ ભરતા દિકરાને સારો ભાવ પહેલા મળતો ન્હોતો તેનું મોદીજીએ વ્યવસ્થિત આયોજન કર્યું. કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવ્યા છે. ઓજારોમાં નવી ટેક્નોલોજીઓ આવી છે. પહેલા અડધ, તુવેર અને મગના ભાવ સરખા હતા હવે કઠોળના ભાવ 1000થી તો ઓછા નથી. કપાસ પણ 700 રૂપિયે હતું જે હવે 200થી 2500નો ભાવ મળે છે. ખેડૂતો માટે સરકારે બહુ પ્રયત્નો કર્યા છે જેના કારણે હું પ્રભાવિત થયો છું.
ઉલ્લેખનીય છે કે, હર્ષદ રિબડિયાની સાથે સાથે, જુનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નટુ પોકિયા, મહેસાણાના કોંગ્રેસના તાલુકા પ્રમુખ હતા તેવા વજુભાઈ મોરડિયા, જુનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ રામજી દેસાણીયા, જુનાગઢના કિસાન મોરચાના કોંગ્રેસના પ્રમુખ સુરેશ વાંક, મહેસાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રવજી ઠુમ્મર, મહેસાણા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પદ પરના દિલુ વાંક, પૂર્વ મહેસાણા તાલુકા પંચાયત પ્રમુખ અને સદસ્ય એવા દિપક સતાસીયા અને ભેંસાણ તાલુકા પંચાયત સદસ્ય એવા રાજેશ દેસાણિયા પણ ભાજપમાં જોડાઈ ગયા છે.








