પ્રશાંત દયાળ (શતરંજ-31, નવજીવન ન્યૂઝ): મંત્રીની હત્યાના ઘટનાસ્થળે પોલીસ-કમિશનર રાજન પુંડરિક દોડી આવ્યા હતા. પોતાની ઑફિસમાંથી માંડ બહાર નીકળતા પુંડરિક લાંબા ગાળા પછી ઑફિસ બહાર નીકળ્યા હતા. જ્યાં મંદિર બહાર કિરણ ત્રિવેદીને ગોળી મારવામાં આવી તે આખા રસ્તાને પોલીસે કૉર્ડન કરી, ટ્રાફિકને અન્ય રસ્તે વાળી લીધો હતો. સ્થાનિક પોલીસ કઈ રીતે ઘટના ઘટી હશે તેનો અંદાજો મેળવી રહી હતી. હિતેશ ત્યાં હાજર જ હતો. એક તરફ તેના નેતાની હત્યા થઈ હતી. બીજી તરફ તેના મનમાં તે પોલીસને મદદ કરી રહ્યો છે તેવો એક છૂપો સંતોષ પણ હતો. પોલીસ-કમિશનરે નવરંગપુરા પોલીસ પાસેથી જે કંઈ જાણકારી મળી હતી તે મેળવી, ગોળી કોણે મારી, હત્યારા કેટલા હતા, કેવી રીતે આવ્યા હતા, કયા વાહન ઉપર ગયા, તે તમામ સવાલો હજી અનુત્તર હતા. કારણ કે ઘટનાને નજરે નિહાળનાર એક પણ સાક્ષી પોલીસ પાસે ન હતો. મંદિરના પૂજારીએ જાણકારી આપી હતી. ચાર રસ્તા ઉપર એક ચાની કીટલીવાળો સાડા ચાર વાગે આવી જાય છે, પણ ત્યારે તે ત્યાં ન હતો. હજી તે નક્કી થતું ન હતું કે બનાવ વખતે ચાવાળો હતો અને બનાવ બાદ તે પોલીસના લફરાના ડરે ભાગી ગયો હતો કે આવ્યો જ ન હતો. ફોરેન્સિક ઑફિસરો વીએસ હૉસ્પિટલના પોસ્ટમૉર્ટમ રૂમમાં જઈ આવ્યા હતા. તેના કારણે તેમને ખબર હતી કે કિરણના શરીરમાં ગોળી ક્યાંથી દાખલ થઈ અને કઈ પોઝિશનમાં હતા ત્યારે તેમની ઉપર ગોળીબાર થયો હશે?! ફોરેન્સિક અધિકારીઓ, કમિશનર પુંડરિકને પોતાનું તારણ કહી રહ્યા હતા… પહેલી વાત તો કન્ફર્મ હતી કે, કિરણ મંદિરમાં ગયા, તેમણે પૂજા કરી અને પાછા આવ્યા બાદ તેમના ઉપર ગોળી ચાલી છે, કારણ કે તે મંદિરમાં આવ્યા હતા તે વાતને પૂજારી સમર્થન આપતો હતો. તે દર્શન કરીને આવ્યા તે પહેલાંથી તેમને જે કોઈ વ્યક્તિઓ રેકી કરી રહ્યા હતા, તે કિરણ કાર સુધી પહોંચે તે પહેલાં કારની નજીક પહોંચી ગયા હશે. કારણ કે હત્યારાએ તેમને કાર સ્ટાર્ટ કરવાનો પણ સમય આપ્યો ન હતો. ફોરેન્સિક અધિકારીનો તર્ક હતો કે, તેમની છાતીમાં જે ગોળીઓ વાગી છે તે નાભિથી અડધો ફૂટ ઉપર વાગી છે, તેનો અર્થ એવો થાય કે, કિરણ પોતાની કારમાં પોતાની સીટ ઉપર બેસી ગયા હશે અને દરવાજો પણ બંધ કરી દીધો હશે ત્યારે શૂટર તેમની નજીક આવ્યો હશે.
ડ્રાઇવર સાઇડની બારીનો કાચ છે, તે લગભગ છ ઇંચ જેટલો ખુલ્લો હતો, તે દર્શાવે છે કે શૂટરે તેમની કાર પાસે આવી બારીનો કાચ નોક કર્યો હશે અને કિરણે કોઈ કામ હશે તેવું માની કાચ જેવો નીચો કર્યો તેની સાથે પેલી વ્યક્તિએ છ ઇંચ જગ્યામાંથી પિસ્તોલવાળો હાથ કારની અંદર દાખલ કરી ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેમની ઉપર ગોળી ચલાવી હશે. ઊંચાઈએથી ગોળી ચાલી હોવાને કારણે તેમની છાતીની ખાસ્સી ઉપર ગોળી વાગી હતી. જેમાંની એક ગોળી તેમના હૃદયમાં જઈ ફસાઈ ગઈ હતી. તેના કારણે જ તેમનું મોત નીપજ્યું હતું. જો દરવાજો ખુલ્લો હોત અને ગોળી ચાલી હોત, તો છાતીના આટલા ઉપરના ભાગે ના વાગી હોત. પોલીસને સ્થળ ઉપરથી નાઇન એમએમ પિસ્તોલના બે ફૂટેલા કારતૂસ પણ મળ્યા હતા. સવારનો સમય હતો. વાતાવરણમાં શાંતિ હતી અને બે રાઉન્ડ ગોળી ચાલી છતાં એ ગોળીનો અવાજ કોઈએ સાંભળ્યો ન હતો, તેનું પોલીસને આશ્ચર્ય હતું. પૂજારી સહિત કોઈ પણ વ્યક્તિએ ફાયરિંગ સાંભળ્યું ન હતું. સ્થળ ઉપર ક્રાઇમ-બ્રાન્ચના અધિકારીઓ પણ આવી ગયા હતા. સ્થળ ઉપર હાજર ડીસીપી જે. કે. વછરાજાની પોતાની ટીમને જરૂરી સૂચનાઓ આપી રહ્યા હતા. તેમણે મહેશ રાવને શહેરના શાર્પ-શૂટરો કોણ કોણ છે, જેલમાં કેટલા છે, કોણ જામીન ઉપર છૂટેલા છે તેમને વેરિફાઈ કરવાનું કહ્યું હતું. એસીપી રામસિંહ પરમારની પક્કડ જુહાપુરામાં સારી હોવાને કારણે તેમને જુહાપુરાના હિસ્ટ્રિશિટરોને જોઈ લેવા માટે મોકલી આપ્યા હતા. વિનય તોમરને તેમને ક્રાઇમ-બ્રાન્ચ મોકલી ટૅક્નિકલ સેલમાં બેસી સવારના સમયે આ વિસ્તારના મોબાઇલ ટાવરમાં કેટલા ફોન કોલ્સ ઍક્ટિવ હતા, તે જોઈ લેવા માટે કહ્યું હતું. નવરંગપુરા પોલીસે કાર્યકર હિતેશની ફરિયાદ લઈ કિરણ ત્રિવેદીની હત્યાનો ગુનો નોંધ્યો હતો.
થોડી વાર કમિશનર રાજન પુંડરિક વિચાર કરતા રહ્યા. પોલીસ પાસે કોઈ માહિતી ન હતી. તેમણે પોતાના મોબાઇલ ફોન ઉપર કોઈની સાથે વાત કરી લગભગ તેમણે ડાઇરેક્ટર જનરલ ઑફ પોલીસની સલાહ લીધી હશે. ફોન પૂરો કરી તે વછરાજાની પાસે પાછા આવ્યા અને તેમણે કહ્યું : “વછરાજાની, આ કેસ હું ક્રાઇમ-બ્રાન્ચને હૅન્ડ ઓવર કરું છું. નવરંગપુરા પોલીસ નહીં કરી શકે. મેં ડીજીપી સાથે વાત કરી દીધી છે. ઑફિસ જઈને ઑર્ડર કરી દઉં છું. કેસ તમે સંભાળી લો.” વછરાજાનીએ ‘સર’ કહ્યું. તેમને આવું બનશે તેની અપેક્ષા હતી. પુંડરિકે તરત નવરંગપુરા પોલીસ-ઇન્સ્પેક્ટરને બોલાવ્યા અને સૂચના આપી : “તમારા કાગળો થઈ જાય પછી કેસ ક્રાઇમ-બ્રાન્ચને આપી દો. ઑર્ડર કરી દઉં છું.” નવરંપુરા પોલીસ-ઇન્સ્પેક્ટરને હાશ થઈ કે બબાલ ગઈ. તેમને પણ ખબર હતી કે, આ કેસમાં રાજકીય રંગ આવશે. આ કેસમાં આનું નામ લખો અને આને બહાર કાઢો તેવા દુનિયાભરમાં આદેશ થશે તેના કરતાં કેસ જતો રહે તે જ સારું હતું. એક કલાકમાં નવરંગપુરા પોલીસે કિરણ ત્રિવેદી મર્ડર કેસના કાગળો, ક્રાઇમ-બ્રાન્ચ મોકલી આપ્યા હતા. આખી પ્રક્રિયા પૂરી કરતાં સાંજ પડી ગઈ હતી. બીજી તરફ કિરણ ત્રિવેદીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હતો. વછરાજાની ઉપર મોટી જવાબદારી આવી હતી. તેમની કલ્પના બહારની ઘટના હતી. અમદાવાદ જેવા શહેરમાં કોઈ સિટિંગ મંત્રીની હત્યા પ્રી-પ્લાન્ડ રીતે થાય અને તેની કોઈ પણ એજન્સીને ગંધ સુધ્ધાં ના આવે! ખાસ કરી સેન્ટ્રલ એજન્સીને પણ નહીં — તે માનવામાં આવતું ન હતું. કિરણની હત્યા કયા કયા કારણસર થઈ શકે તેવા તમામ મુદ્દાઓ તે વિચારી રહ્યા હતા. જેમાં તેમને દુશ્મની કોની સાથે હતી… પણ દુશ્મની યાદ આવતાં, તેમની સામે મુખ્યમંત્રીનો ચહેરો આવ્યો. જોકે તરત જ તેમણે આ વિચારને ઝટકી નાખ્યો. ના ના, મુખ્યમંત્રી આ સ્ટેજ સુધી ના જાય. આમ તો કિરણ અજાતશત્રુ હતા, આક્રોશ પાર્ટીના નેતાઓ પણ કિરણનું નામ આવતાં મોઢું સીવી લેતા હતા. ખૂબ વિચાર પછી પણ તેમને એક પણ દુશ્મનનું નામ યાદ આવ્યું નહીં.
તેમણે બીજા મુદ્દા ઉપર વિચાર શરૂ કર્યો કે કિરણની ગેરહાજરીને કારણે વ્યક્તિગત અને રાજકીય રીતે કોને ફાયદો થઈ શકે તેમ છે. તેમના મનમાં એક પછી એક જે નામ આવ્યાં, તેની ઉપર શંકા કરતા ગયા અને તેઓ કેમ આવી હદ સુધી ના જાય તેનું ગણિત માંડતા રહ્યા. જોકે કિરણના મૃત્યુનો ફાયદો કોને થઈ રહ્યો હતો, તે નક્કી થતું ન હતું. કિરણની જગ્યાએ દર વખતે વિધાનસભામાં ટિકિટ માંગનાર મૂકેશ શાહ જે દેશી જનતા પાર્ટીનો વૉર્ડ પ્રમુખ હતો, પણ તે ગરીબ ગાય જેવો હતો. છેલ્લી ત્રણ ટર્મથી ટિકિટ માગી રહ્યો હતો, પણ તે વિધાનસભાની ટિકિટ માટે હત્યા કરે તેવું માનવાને કોઈ કારણ ન હતું. આખા દિવસની દોડધામ અને માનસિક રીતે સતત વિચારો કરી વછરાજાનીનું મન થાકી ગયું હતું. તેમણે બેલ વગાડી મંગળને બોલાવ્યો અને કહ્યું, “સરસ કૉફી પીવી છે.” મંગળ કૉફી લેવા માટે ગયો અને વછરાજાનીએ પોતાની હાઇટ કરતાં ઊંચી રિવૉલ્વિંગ ચૅરના હેડ રેસ્ટ ઉપર માથું ટેકવ્યું અને આંખો બંધ કરી. ટૅક્નિકલ સેલમાં બેસી વિનય તોમર મંદિરની આસપાસના મોબાઇલ ટાવરો ચેક કરી રહ્યો હતો. સ્થળની આસપાસથી કોઈ પણ વ્યક્તિ ફોન કરે અથવા તેને કોઈનો ફોન આવે તો તે ફોન પહેલાં સ્થાનિક મોબાઇલ ટાવર સાથે કનેક્ટ થાય અને પછી મોબાઇલ ધારક સુધી પહોંચે. પરંતુ એક સમસ્યા આવી રહી હતી કે, મંદિરની આસપાસ ત્રણ મોબાઇલ ટાવરો હતાં, જેના કારણે કેટલાક ફોન-કૉલ્સ એક ટાવરમાં તો કેટલાક ટાવર નંબર ૨ અને ૩ સાથે પણ કનેક્ટ થતા હતા, એટલે ત્રણે ટાવરોનું એનાલિસિસ કરવું પડતું હતું. સવારના સાડા ચારથી સાડા પાંચ વાગ્યા સુધી કયા ફોનમાં આઉટ ગોઇંગ થયું અને ઇન્કમિંગ આવ્યા હતા. આ કામ બહુ ટિડિયસ હોય છે. માથાનો દુખાવો થઈ જાય કારણ કે સતત તમારે એક-એક નંબર મૅન્યુઅલી ચેક કરવાના હતા અને સતત કમ્પ્યૂટર-સ્ક્રિન ઉપર નજર રાખવાની હતી. વિનય પણ થાકી ગયો હતો. ઇન્સ્પેક્ટર મહેશ રાવ ઘટના સ્થળેથી પહેલાં ક્રાઇમ-બ્રાન્ચ આવ્યો હતો, જ્યાં તેણે એમઓબી બ્રાન્ચમાંથી શાર્પ-શૂટરોનો ડેટા મેળવ્યો હતો. દરેક પોલીસ સ્ટેશન અને બ્રાન્ચમાં આ પ્રકારની એમઓબી બ્રાન્ચ હોય છે, જેનું ફૂલફૉર્મ ‘મોડેસ ઑપરેન્ડી બ્રાન્ચ’ થાય છે. જેમાં ભૂતકાળમાં પકડાયેલા તમામ આરોપીઓનાં નામ, સરનામાં, ફોટોગ્રાફ અને તેની ગુનો કરવાની પદ્ધતિની માહિતી હોય છે. જેમ દુનિયા એક પણ વ્યક્તિની ફિંગર પ્રિન્ટ બીજા સાથે મૅચ થતી નથી, તેવી જ રીતે ચોક્કસ ગૅંગ અથવા ચોક્કસ આરોપીઓની ગુનો કરવાની પદ્ધતિઓ પણ સામાન્ય સંજોગોમાં મૅચ થતી નથી. મહેશે જોયું તો ક્રાઇમ-બ્રાન્ચના રેકર્ડ પ્રમાણે ૨૩ શાર્પ શૂટરો નોંધાયેલા હતા, જેમાંથી ૧૨ હજી જેલમાં હતા, સાત જામીન ઉપર છૂટેલા અને ચાર પુરાવાના અભાવે નિર્દોષ છૂટ્યા હતા. મહેશ કુલ ૧૧ શૂટરોની યાદી લઈ તેમને શોધવા નીકળી ગયેલો. એક પછી એકને મળી તેઓ બનાવના સમયે ક્યાં હતા, તેમના મોબાઇલ-નંબરો કયા છે તેની વિગતો તેમને મળીને લઈ રહ્યો હતો. મહેશને આ જ પ્રકારની મોડસ ઑપરેન્ડી સાથે મૅચ થતાં આરોપીમાં શાહપુરના ફારૂક ઉપર શંકા હતી. મહેશ તેના ઘરે પહોંચ્યો ત્યારે ફારૂક ઘરમાં જ હતો. ૧૯૯૨માં ફારૂક મહંમદની ગૅંગમાં કામ કરતો હતો. મહંમદ ગૅંગને મુંબઈની તાજિયા ગૅંગ સાથે ઝઘડો ચાલતો હતો. બંને ગૅંગ એકબીજાને પતાવી નાખવા માટે આતુર હતી. એકબીજા ઉપર હુમલા અને ગોળીબાર કર્યા હતા, જેના કેસો કોર્ટમાં પેન્ડિંગ હતા.
ફારૂકે ૧૯૯૩માં મિરઝાપુર કોર્ટમાં સાક્ષી આપવા આવેલા મુંબઈની તાજિયા ગૅંગના કાલુની કોર્ટની બહાર જ તે કારમાં બેઠો હતો ત્યારે ફ્રન્ટ કાચમાંથી ગોળી મારી હત્યા કરી હતી અને બધાની વચ્ચે ગોળી મારી તે ચાલતો શાહપુર તરફ જતો રહ્યો હતો. સાત વર્ષ તે જેલમાં રહ્યો. કેસ ચાલ્યો ત્યારે એક પણ સાક્ષીએ તેને કોર્ટમાં ઓળખ્યો નહીં અને સાક્ષીઓએ ઇનકાર કરતાં કોર્ટે તેને પુરાવાના અભાવે છોડી મૂક્યો હતો. સાત વર્ષ તે જેલમાં હતો ત્યાં સુધીમાં ઘણું બદલાઈ ગયું હતું. મહંમદ ગૅંગના ચાલીસ ગૅંગ્સ્ટરને પોલીસે જેલમાં મોકલી આપ્યા હતા, જ્યારે મહંમદનું પોલીસ-ઍન્કાઉન્ટરમાં મોત નીપજ્યું હતું. ફારૂક બહાર આવ્યો ત્યારે ગૅંગ જેવું કંઈ રહ્યું ન હતું. જોકે ગૅંગ્સ્ટર જેલમાંથી બહાર આવે એટલે ચાની કીટલી ચલાવે અથવા પાંચ-દસ હજારની નોકરી શરૂ કરે તેવું તો બનવાનું જ ન હતું. તે એવું જ કામ કરે જેમાં તેને સરળતાથી મોટી રકમ મળે. મહેશે તેને પૂછપરછ કરતાં ફારૂક ગાય જેવો થઈ ગયો. મહેશ ખુરશીમાં તેના જ ઘરમાં બેઠો હતો, ઘરમાં તેના પરિવારના અન્ય સભ્યો હતા. તેના ચહેરા ઉપર ચિંતા ઊપસી આવી હતી. તેમને થયું કે પાછું ફારૂકે શું કર્યું હશે? ફારૂક મહેશના પગ પાસે ઉભડક બેસી ગયો. મહેશ તેને એક પછી એક સવાલ પૂછતો હતો, તેનો રાઇટર તેની નોંધ કરતો હતો. ફારૂકનું કહેવું હતું : “સા’બ મૈંને દો નંબર કે સભી ધંધે બંધ કર દિયા, સાત સાલ જેલ મેં રહા. દુનિયા ક્યા હૈ સમજ ગયા. મેરે સગે ભાઈ ને મેરે બાપ કી પ્રોપર્ટી બાપ કો પટા કે ખુદ કે નામ કર દી, યહ ઘર ભી ભાડે કા હૈ, તીન હજાર ભાડા દેતા હૂં, ભાઈ બનને મેં કોઈ મજા નહીં. પહલે પહલે તો મહંમદભાઈ પૈસા ભેજતે થે, લેકિન ઉન્હોંને પૈસા દેના બંધ કર દિયા.” પછી પોતાની પત્ની અને બાળકો તરફ ઇશારો કરતાં કહ્યું, “સાત સાલોં મેં ઉનકી હાલત ક્યા હુઈ મેરા મન હી જાનતા હૈ… બીવી કો હાર્ટ કી બીમારી હો ગઈ, બેટા સ્કૂલ નહીં જા પાયે. અબ વો ગૅરેજ મેં કામ કરતા હૈ, બેટી કી શાદી બનાની હૈ, લેકિન પૈસા નહીં.”
મહેશને એક તરફ દયા પણ આવતી હતી. એક વખતનો મહંમદ ગૅંગનો શાર્પ-શૂટર આજે કઈ દશામાં હતો?! પણ તેને ટ્રેનિંગમાં શિખવાડવામાં આવ્યું હતું કે તરત કોઈ વાત ઉપર ભરોસો મૂકવો નહીં. મહેશે તેને પૂછ્યું, “તેરા ગુજારા કૈસે ચલતા હૈ?” તેણે કહ્યું, “જૂઠ નહીં બોલૂંગા સા’બ. અબ કોઈ અચ્છા ઇન્સાન કામ તો દેગા નહીં, દારૂ કા છોટા ધંધા કરતા હૂં. નારણપુરા, નવરંગપુરા ઔર સૅટેલાઇટ ઍરિયા મેં હોમ ડિલિવરી કરતા હૂં.” સામાન્ય રીતે પોલીસને દારૂના વેપારી સામે કોઈ વાંધો હોતો નથી, કારણ કે, પોલીસની બે નંબરની ઇન્કમનો સોર્સ દારૂના ધંધામાંથી વધારે હોય છે. ફારૂકને લાગ્યું કે મહેશ તેની વાત ઉપર ભરોસો કરતો નથી એટલે તેણે ખાતરી કરાવવા માટે કહ્યું, “સા’બ, આપ કો પૂછના હૈ તો શાહપુર ડી સ્ટાફ મેં ઠાકુર સા’બ હૈ ના! ઉન્હેં પૂછ લો. ઉન્હોંને પિછલે મહિને મેરે પે કેસ ભી કિયા થા.” ફારૂકની પત્નીએ દીકરાને મોકલી મહેશ અને તેના રાઇટર માટે કૉલ્ડ્રિંક બૉટલ મંગાવી હતી. તે વાત મહેશે ના પાડી. તરત ફારૂકની પત્ની બોલી, “સા’બ, આપ હમારે ઘર પહેલી બાર આયે; ના મત બોલો.” પછી ફારૂક તરફ ઇશારો કરતાં કહ્યું, “સા’બ યે સચ બોલ રહે હૈં. ઉન્હોંને ગૅંગ કા કામ છોડ દિયા હૈ. ઉન્હોંને મેરી કસમ ખાઈ હૈ. ઉસકે બાદ હમ ગરીબનવાજ ભી જા આયે.” મહેશે ઠંડું પૂરું કર્યું અને જતી વખતે ફારૂકની પત્નીના હાથમાં બે હજાર રૂપિયા મૂકતાં કહ્યું, “બહેન, રખ લે, મેરે લાયક કોઈ કામ હો તો બોલના, ઔર…” ફારૂક સામે જોઈ કહ્યું, “યે કોઈ ગલત કામ કરને કા બોલે તો મુઝે બતા દેના.” પહેલાં ફારૂકની પત્નીએ પૈસા લેવાની ના પાડી. તેણે ફારૂક સામે જોયું. ફારૂકે તેને આંખથી ઇશારો કરી લઈ લેવાનું કહ્યું. ફારૂકને ડર હતો કે સાહેબ નારાજ થઈ જશે. જતાં મહેશે તેને ચેતવણી આપી : “અભી તપાસ ચાલુ હૈ. શહેર છોડના મત. મૈં બુલાઉંગા તબ ક્રાઇમ-બ્રાન્ચ આ જાના.” ફારૂકે હા પાડી અને સલામ કરી. મહેશ બીજા શૂટરની શોધમાં ત્યાંથી નીકળ્યો. જુહાપુરામાં એસીપી રામસિંહ પરમાર ડેરો જમાવી બેઠા હતા. તે જૂના જમાનાના પોલીસ-અધિકારી હતા. તેમને અને ટૅક્નૉલૉજીને દૂર દૂર સુધી કોઈ સંબંધ ન હતો. તેમનું માનવું હતું કે ડંડા પડે એટલે ભલભલા ગુનેગાર બોલવા લાગે. તે તમામ શંકાસ્પદોને એક પછી એક બોલાવી ધમકાવી રહ્યા હતા. કોઈને લાફો મારી વાત કરતા તો કોઈકને ડંડો પણ મારી દેતા હતા. પણ મોટા ભાગના ગુનેગારો તો પોલીસ આવી છે તેવું જાણ્યા પછી જુહાપુરા છોડીને ભાગી ગયા હતા. જે નહોતા મળ્યા તેઓ કિરણ ત્રિવેદી મર્ડર સાથે સંકળાયેલા હશે તેવું તેમણે માની લીધું હતું, એટલે તેમની પત્ની અથવા પરિવારના જે સભ્યો હાજર હોય તેમને બોલાવી ધમકી આપી હતી કે, ‘તેમને કહેજો કે ક્રાઇમ-બ્રાન્ચમાં હાજર થઈ જાય.’ આખી ઘટનામાં વિચિત્ર વાત એવી હતી કે, પોલીસ પાસે કોઈ દિશા ન હતી, કોણે શું કામ મર્ડર કર્યું છે તેની જાણકારી ન હતી, છતાં તમામ પોલીસ-અધિકારીઓનું મગજ એક જ દિશા તરફ દોડી રહ્યું હતું. અને તેમણે એવું ધારી લીધું કે હત્યા પાછળ કોઈ મુસ્લિમ જ હોવો જોઈએ. તેના કારણે પોલીસનું ધ્યાન મુસ્લિમ વિસ્તારમાં જ કેન્દ્રિત હતું. જોકે પોલીસ માત્ર ગરીબ મુસ્લિમો રહેતા હતા તે વિસ્તારમાં જતી હતી. શહેરના શ્રીમંત મુસ્લિમો નવરંગપુરામાં રહેતા હતા, પણ ત્યાં સુધી પોલીસ હજી પહોંચી ન હતી.
મંગળ કૉફી લઈ વછરાજાનીની ચેમ્બરમાં દાખલ થયો ત્યારે તેણે જોયું કે સાહેબ હેડ રેસ્ટ ઉપર માથું મૂકી આંખો બંધ કરી સૂતા હતા. તેણે ટેબલ ઉપર કૉફી મૂકતાં કહ્યું, “સાહેબ…” તરત ‘હં’ કહેતા સાહેબ ઝબકી જાગી ગયા. તેમની આંખ લાગી ગઈ હતી. મંગળ ગયો અને તેઓ કૉફી પીતા પીતા પાછા વિચાર કરવા લાગ્યા, ત્યાં વિનય તોમર તેમની ચેમ્બરમાં દાખલ થયો. તેના હાથમાં મોબાઇલ ફોન હતો. તેને પારદર્શક પ્લાસ્ટિકમાં પૅક કરવામાં આવ્યો હતો. વિનયે ફોન તરફ ઇશારો કરતાં કહ્યું : “સર, આ કિરણ ત્રિવેદીનો ફોન છે. ફોરેન્સિકમાં મોકલવાનો છે. પણ તે પહેલાં મેં તેને ચેક કર્યો હતો. કિરણ ત્રિવેદીએ સવારે પાંચ વાગે કોઈને એક એસએમએસ કરેલો છે.” તરત વછરાજાની સીધા બેસી ગયા હતા. તેમણે વિનય સામે જોયું : “સાહેબ, એસએમએસમાં કંઈ ખાસ નથી. માત્ર ગુડ મૉર્નિંગનો જ છે. “સવારે પાંચ વાગે?!” વછરાજાની વિચાર કરવા લાગ્યા, ‘આટલો વહેલો એસએમએસ અને તે પણ ‘ગુડમૉર્નિંગ’… તેનો અર્થ આ કોઈ તેમનું અંગત હોવું જોઈએ.’ કોણ છે તેમનું અંગત તેની તપાસ હવે કરવાની હતી.
(ક્રમશ:)






