પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સરકાર સામે બંડ પોકારી સરકાર સાથે છેડો ફાડનાર એકનાથ શિંદે પાસે હાલમાં કુલ 45 ધારાસભ્યનું સમર્થન છે, જેમાં સાત અપક્ષ ધારાસભ્યનો પણ સમાવેશ થાય છે, અત્યંત વિશ્વસનીય પાસેથી મળેલી જાણકારી પ્રમાણે તા 3 જુલાઈના રોજ નવી સરકાર અસ્તિત્વમાં આવશે, જેમાં દેવેન્દ્ર ફડનવીસ નવા મુખ્યમંત્રી થશે અને એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. એક્ઝિટ મોડમાં આવી ગયેલા ઉદ્ધવ ઠાકરેએ સરકારી આવાસ ખાલી કરી દીધુ છે, ગમે તે ક્ષણે તેઓ રાજીનામુ આપી શકે તેવી શકયતા છે, પરંતુ એનસીપી નેતા શરદ પવારને આશંકા છે સમગ્ર ઘટનાક્રમ ઉદ્ધવ ઠાકરેની ઈશારે થયો છે કારણ આટલી મોટી સંખ્યામાં શિવસેનાના ધારાસભ્ય એકનાથનો સાથ આપી શકે નહીં.
વિશ્વનીય સુત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે હાલમાં આસામમાં રહેલા એકનાથ શિંદે સાથે શિવસેનાના 38 અને સાત અપક્ષ ધારાસભ્ય છે, આમ એકનાથની તાકાત 45 ઉપર પહોંચી છે, ભાજપ સાથે હાથ મીલાવી નવી સરકાર રચવાનો રસ્તો મોકળો થઈ જતા ભાજપ અને એકનાથ શિંદે નવી સરકારની રચના મામલે ચર્ચા શરૂ કરી છે. સુત્રોની જાણકારી પ્રમાણે 3 જુલાઈના રોજ નવી સરકારની શપથવિધી યોજવામાં આવશે તેમાં મુખ્યમંત્રી પદ ભાજપ પાસે જશે. હાલના તબક્કે ફડનવીસ જ મુખ્યમંત્રી થશે તેવુ માનવામાં આવે છે, પરંતુ અમીત શાહ અને નરેન્દ્ર મોદી કારણ આશ્ચર્ય આપનાર નેતા રહ્યા છે જેના કારણે છેલ્લી ઘડીએ કોઈ નવુ નામ મુખ્યમંત્રી તરીકે આવે તો નવાઈ નથી.
મુખ્યમંત્રી પદ ભાજપને મળશે અને એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી થશે તેઓ વિધાનસભામાં પોતાની ઓળખ શિવસેના તરીકે જ જાળવી રાખશે તેવુ કહેવામાં આવી રહ્યુ છે. એકનાથ અને ભાજપ વચ્ચે થયેલી સમજુતી પ્રમાણે નાયબ મુખ્યમંત્રી પદ સહિત એકનાથ જુથના 12 ધારાસભ્યને મંત્રી પદ આપવામાં આવશે જેમાં હાલમાં એકનાથના જુથમાં છ મંત્રીઓ છે તેમનું મંત્રી પદ યથાવત રાખવાની ખાતરી આપવામાં આવી છે. શિવસેનાના 55માંથી 38 ધારાસભ્ય એકનાથ સાથે છે જ્યારે ઉદ્ધવ પાસે હવે માત્ર 17 ધારાસભ્ય રહ્યા છે, જેના કારણે ગમે તે ઘડીએ ઉદ્ધવ રાજીનામુ આપશે, જ્યારે સુત્રોની જાણકારી પ્રમાણે એકનાથ અને ભાજપ આજે રાજ્યપાલ સામે પોતાની પાસે બહુમતી હોવાનો દાવો કરી સરકાર રચવાના આમંત્રણની માગણી કરશે.
જે પ્રકારે આખો ઘટના ક્રમ ચાલી રહ્યો છે જેમાં સૌથી આધાતજનક સ્થિતિ એનસીપી અને કોંગ્રેસની છે, શિવસેના સાથે થયેલી સમજુતી પ્રમાણે હવે મુખ્યમંત્રી થવાનો ક્રમ એનસીપી પાસે આવ્યો હતો ત્યારે શિવસેનામાં બળવો થયો અને એટલી મોટી સંખ્યમાં ધારાસભ્યઓ ઉદ્ધવનો સાથ છોડયો તે બધુ સહજ હોવાનું કોંગ્રસી અને એનસીપી નેતા માનવા તૈયાર નથી, તેઓ માની રહ્યા છે કે તેમની સાથે દગો થયો છે અને ઉદ્ધવ અને ભાજપની યોજના પ્રમાણે બળવાનું નાટક કરી કોંગ્રેસ અને એનસીપીને સત્તાથી વિમુખ કરવામાં આવી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











