નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ Maharashtra Political Crisis Live: મહારાષ્ટ્રાના રાજકારણને લઈને આજે સુપ્રિમ કોર્ટ (supreme court) માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે સુપ્રિમ કોર્ટની સુનાવણી બાદ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે (Former CM Uddhav Thackeray) ને પસતાવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. મહારાષ્ટ્રમાં એકનાથ સિંદે (Eknath Shinde) અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે રાજકીય ધમાસાણ સર્જાયું હતું. જોકે ફ્લોર ટેસ્ટ પહેલા જ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું ધરી દીધુ હતું. જો આ રાજીનામું ન આપ્યું હોત તો કદાચ આજે મુખ્યમંત્રી તરીકે ચાલુ રહી શક્યા હોત.
શિવસેના (ઉદ્ધવ જૂથ) વિરુદ્ધ શિવસેના (શિંદે જૂથ) વિવાદમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચે ચુકાદો આપ્યો છે અને સ્પષ્ટ કહ્યું કે, “મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકાર ચાલુ રહેશે.” સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ઉદ્ધવ ઠાકરે જૂથને ચોક્કસ ઝટકો લાગ્યો છે, પરંતુ સાથે જ કેટલીક એવી વાતો પણ કહી છે, જેનાથી તેમને થોડી રાહત મળશે. શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સૌથી મોટી ટિપ્પણી ઉદ્ધવ ઠાકરે વિશે છે. દેશના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની બંધારણીય બેંચે કહ્યું કે, “ફ્લોર ટેસ્ટનો રાજ્યપાલનો નિર્ણય ખોટો હતો અને જો ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું ન આપ્યું હોત તો તેમને રાહત મળી શકી હોત. ઉદ્ધવ સરકારને પુનઃસ્થાપિત નહીં કરી શકાય, કારણ કે તેમણે સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું હતું અને ફ્લોર ટેસ્ટનો સામનો કર્યો ન હતો, તેથી તેમનું રાજીનામું રદ કરી શકાય નહીં.”
કોર્ટે વિધાનસભા સ્પીકરને 16 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મુદ્દાને સમય મર્યાદામાં ઉકેલવા પણ કહ્યું હતું. જો ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું ન આપ્યું હોત તો મહારાષ્ટ્રમાં તેમની સરકાર પુનઃસ્થાપિત થઈ શકી હોત. બેંચની આ ટિપ્પણી પછી સ્પષ્ટ છે કે જો ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપવાની ઉતાવળ ન કરી હોત તો તેઓ ફરીથી મહારાષ્ટ્રના સીએમ બની શક્યા હોત. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, વ્હીપનો નિર્ણય પાર્ટીએ જ કરવો જોઈએ. આ માટે ધારાસભ્યોની સંખ્યા પૂરતી નથી. માત્ર ધારાસભ્યો જ નક્કી કરી શકતા નથી કે વ્હીપ કોણ હશે. વ્હીપને પાર્ટીથી અલગ કરવું યોગ્ય રહેશે નહીં. આ સાથે પાર્ટીમાં અસંતોષ ફ્લોર ટેસ્ટનો આધાર બની શકે નહીં.
ઉદ્ધવ ઠાકરે જૂથને 2016માં અરુણાચલ પ્રદેશ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની આશા હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન પણ આ કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2016માં કાલીખો પુલે અરુણાચલ પ્રદેશમાં કોંગ્રેસ સામે બળવો કર્યો હતો અને પછી ભાજપના સમર્થનથી તેઓ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ ચાર મહિનાની અંદર સુપ્રીમ કોર્ટે કલીખો પુલની મુખ્યમંત્રી તરીકેની નિમણૂકને ગેરબંધારણીય ગણાવી હતી. આ પછી પુલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. સ્પષ્ટ છે કે જો ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપવાની ઉતાવળ ન કરી હોત તો આજે તેમનો ચહેરો સીએમ પદ પર શક્ય હોત. જો આવી સ્થિતિ સર્જાઈ હોત તો સુપ્રીમ કોર્ટ ભગતસિંહ કોશ્યારીના 2022ના આદેશને રદ કરી શકી હોત. કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેને બહુમત સાબિત કરવા કહ્યું હતું. પરંતુ તેમણે વિધાનસભાનો સામનો કર્યા વિના રાજીનામું આપી દીધું હતું. જો ઉદ્ધવે આમ ન કર્યું હોત, તો એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડત, જેમ કે કાલીખો પુલના કિસ્સામાં થયું હતું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








