ગુજરાતમાં દારુબંધી છે પરંતુ હેલ્થ ઇશ્યૂમાં રાજ્યમાં દારુને દવાના રુપમાં લેવા માટે લિકર પરમિટ આપવામાં આવે છે. જેમાં એક ખાસ વાત એ પણ બહાર આવી છે કે સામાજિક, પારિવારિક, ધંધાકીય તણાવને કારણે ડિપ્રેશન, અનિદ્રાની બીમારી કારણે ગયા વર્ષ કરતાં 2025ના સાત મહિનામાં બે ગણી નવી હેલ્થ પરમિટ ઇશ્યૂ કરાઈ છે. એટલું જ નહીં અઢી વર્ષમાં હેલ્થ પરમિટ લેનારા 40 ટકા અરજદારો 50 અને 60 વર્ષથી વધુની વયના છે.
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2023થી જુલાઈ 2025 સુધીમાં નવી અને જૂની મળીને કુલ 10,109 હેલ્થ પરમિટ ઇશ્યૂ કરાઈ છે, જેમાંથી 2104 નવી હેલ્થ પરમિટ છે. વર્ષ 2023 દરમિયાન સૌથી વધુ 1248, 2024માં 290, 2025ના 7 મહિનામાં 566 હેલ્થ પરમિટ ઇશ્યૂ કરાઈ છે.
14થી 20 હજાર ફી
હેલ્થ પરમિટ માટે નવા અરજદારે રૂ. 20 હજાર, રિન્યુ માટે 40-50 વયજૂથના માટે મહિને 3 યુનિટના 14 હજાર, 50-60 વર્ષની વયજૂથના રૂ. 19 હજાર અને 60થી વધુ વયના લોકોને રૂ. 20 હજાર સિવિલની રોગી કલ્યાણ સમિતિમાં જમા કરવા પડે છે.








