Friday, April 17, 2026
HomeGujaratAhmedabadએગ્રો ટેરરિઝમનો ડર છે એના કરતાં વધુ બતાવવામાં આવી રહ્યો છે?

એગ્રો ટેરરિઝમનો ડર છે એના કરતાં વધુ બતાવવામાં આવી રહ્યો છે?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): દુનિયામાં દુશ્મન દેશો જ્યારે એકબીજાને ખુંવાર કરવા ઉતરે છે ત્યારે તેમાં કોઈ મર્યાદા રહેતી નથી. બસ, દુશ્મન દેશનો ખાત્મો કે પછી તેનું વધુમાં વધુ નુકસાન કેવી રીતે થઈ શકે – તે જ સામેનો પક્ષે વિચારે છે. ઇઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં જે રીતે હૂમલા થાય છે તેમાં યુદ્ધના કોઈ નીતિનિયમો નથી રહ્યા. યુક્રેન અને રશિયાના યુદ્ધમાં પણ કોઈ નિયમો નથી. આ યુદ્ધ તો સામસામે થઈ રહ્યા છે, પણ કેટલાંક યુદ્ધ આજે પણ છુપી રીતે ચાલી રહ્યા છે, અને તે છુપા યુદ્ધના શસ્ત્રો પણ એ રીતે છુપા છે. મતલબ કે તેમાં શસ્ત્ર તરીકે વાયરસનો ઉપયોગ થાય છે અથવા તો પછી કોઈ ઝેરી કેમિકલનો પણ. જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ એવાં ન્યૂઝ આવ્યા છે કે ચીનના બે નાગરિકો દ્વારા અમેરિકાની અંદર ‘ફ્યુઝેરીયમ ગ્રેમિનેરિયમ’ નામની અતિ જોખમી ફૂગને ગેરકાયદેસર રીતે મોકલવામાં આવી છે. આ ચેતવણી આપનાર મૂળે ચીનના જોર્ડન ચાન્ગ છે, જોકે તેમનું નિવાસ અમેરિકા બન્યું છે. ચાન્ગે અગાઉ પણ કોરોના વખતે ચીન પર એવો આરોપ લગાવ્યો હતો કે અમેરિકા અને ભારત જેવાં દેશોને પાંગળા બનાવવા માટેનું આ કારસ્તાન હતું. હવે ચાન્ગ અમેરિકા માટે એક નવી ચેતવણી લઈને આવ્યા છે. તેઓનું માનવું છે કે ચીને હાલમાં જે ફૂગ અમેરિકામાં પ્રવેશ આપ્યો છે- તે કોરોના કરતાં પણ વધુ જોખમી છે. આ ન્યૂઝ પુરવાર થાય કે ન થાય, પરંતુ રશિયા, ચીન અને અમેરિકા જેવા દેશો દુશ્મન દેશો સામે બદલો લેવા આ પ્રકારના વાયરસનો ઉપયોગ કરતાં આવ્યા છે.

agro samachar
agro samachar

ચીન દ્વારા અમેરિકામાં મોકલવામાં આવેલી આ ફૂગ છે તેનાથી ખેતીને મોટું નુકસાન થઈ શકે છે. પરંતુ તે વિશે ખેતીના નિષ્ણાંત એવું માને છે કે અમેરિકા અગાઉથી જ આ પ્રકારની ફૂગ છે અને કુલ ખેત ઉત્પાદનમાં થોડા જ હિસ્સામાં તે જોખમી છે. બીજુ કે એગ્રિકલ્ચર ટેરરિઝમ તરીકે આ ફૂગનું શસ્ત્ર એટલું અસરદાર નથી. આ ફૂગને લઈને અને ચીને અન્ય સ્થાને પણ જે રીતે તેના દુશ્મન લાગતાં દેશો પર ખેતીને નુકસાન પહોંચાડવા માટે પ્રયાસ કરી રહ્યું છે તેના પરથી ‘એગ્રિકલ્ચર ટેરરિઝમ’ એવો શબ્દ શોધાયો છે. આ વિશે અમેરિકાના ‘ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ’નું માનવું છે કે ચીન દ્વારા ફૂગનું જે શસ્ત્ર ઉપયોગમાં લેવામાં આવ્યું છે તે અમેરિકાની ખેતી માટે ઘાતક સાબિત થઈ શકે છે.

- Advertisement -
agro news
agro news

અમેરિકા-ચીન વચ્ચે વેપારથી માંડિને વિશ્વ પરના વર્ચસ્વને લઈને હંમેશા તણાવ રહે છે. આ બાબતે પણ અમેરિકા આક્રમક થઈને ચીન પર આરોપ લગાવી રહ્યું છે, જ્યારે ચીન પૂરા મુદ્દાની અવગણના કરી રહ્યું છે. એગ્રો ટેરરિઝમની વાત હાલમાં ચીન-અમેરિકા વચ્ચે ચાલી રહી છે, તેમ અગાઉ પણ અનેક વાર એગ્રો ટેરરિઝમનો મુદ્દો આવ્યો છે. આ વિશે ‘યુનાઇટે નેશન્સ’ની રિસર્ચ ઇન્સિટ્યૂટ ‘યુનુ વાઇડર’ દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં બ્રાઝિલમાં એગ્રો ટેરરિઝમથી થયેલા નુકસાનનો અંદાજો મૂકવામાં આવ્યો છે. આ સંશોધનમાં આપેલી વિગત મુજબ 1989 સુધી વિશ્વના કોકો ઉત્પાદનમાં બ્રાઝિલ બીજા ક્રમાંકે હતું. બ્રાઝિલમાં અગાઉ ન દેખાઈ હોય તેવી બીમારી કોકોના વૃક્ષોને થવા લાગી. આ બીમારીનું નામ ‘વીચ બ્રુમ’ છે. આ બીમારીથી વૃક્ષોમાં એવી ખોટ પેસી કે વૃક્ષોનું મૂળ બંધારણ બદલાવા માંડ્યું. હવે આ બીમારી કોકોના વૃક્ષોને થાય ત્યારે તેને ઝડપથી ઓળખી શકાતી નહોતી. કોઈ વૃક્ષમાં જ્યારે તે દેખાય પછી તે ઝડપથી ફેલાય અને પવનની ગતિ વધુ હોય તો તેની પ્રસરવાની શક્તિ ઓર વધુ જાય. એક વાર ‘વીચ બ્રુમ’ વૃક્ષને થાય તો પછી તેના ફળને પૂર્ણ રીતે નાશ કરી દે. એવું કહેવાય છે કે બ્રાઝિલમાં આ બીમારી કોકો વૃક્ષોમાં આવી પછી દસ વર્ષમાં કોકોનું ઉત્પાદન એંસી ટકા સુધી ઘટી ગયું હતું અને તેના કારણે અઢી લાખથી વધુ કામદારો બેકાર થયા હતા. બ્રાઝિલમાં ખેતીના આ આંતકવાદ માટે જવાબદાર દેશના જ હતા. કોકોની ખેતીમાં એક અમીર વર્ગનો દબદબો હતો, આ વર્ગનો દબદબો ખતમ કરવા દેશના અન્ય એક રાજકીય પક્ષ દ્વારા આ પૂરું કારસ્તાન થયું હતું. કોકોના વૃક્ષોને થયેલું નુકસાન સ્થાનિક સ્તરે એક શહેરનો મુદ્દો હતો, પરંતુ જ્યારે તેનું નુકસાન વ્યાપક પ્રમાણમાં પ્રસર્યું ત્યારે તેનાથી બ્રાઝિલના અર્થતંત્રને સુધ્ધા અસર થઈ.

Agro
Agro

એગ્રો ટેરરિઝમનો શબ્દ નવોસવો લાગી શકે, પણ તે શબ્દ અંતર્ગત જે કંઈ આંતકવાદી કૃત્ય ગણવામાં આવે છે તે તો અગાઉ પણ થયા હતા. જેમ કે બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીએ બ્રિટનના બટેટાની ખેતરોને ટારગેટ બનાવ્યા હતા. બટેટાની ખેતીને નુકસાન કરે તેવાં ભમરા જર્મનીના એરક્રાફ્ટ દ્વારા છોડવામાં આવ્યા હતા તેવો આરોપ બ્રિટને લગાવ્યો હતો. ખેતીને નુકસાન થાય તેવી અત્યાર સુધીની અનેક ઘટનાઓ બની છે. કેટલીક ઘટનાઓ યુદ્ધ દરમિયાનની છે તો વળી કેટલીક તણાવની સ્થિતિ દરમિયાનની. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ સૌપ્રથમ જાપાનને સબક શીખવાડવા માટે ચોખાના પાકને નુકસાન પહોંચાડવાની રણનીતિ વિચારી હતી, પરંતુ આખરે પરમાણુ બોમ્બથી અમેરિકાએ જાપાનને તબાહ કર્યું. એવું કહેવાય છે કે વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા, રશિયા અને ઇંગ્લેન્ડ જેવા દેશો દુશ્મન દેશોના ખેતીને નુકસાન પહોંચાડવા માટે સતત સંશોધન કરતાં રહ્યા હતા. 2002માં અલ-કાયદાના કેટલાંક દસ્તાવેજો જ્યારે અમેરિકી સૈન્યના હાથે લાગ્યા ત્યારે પણ અલ-કાયદા તરફથી એવી તૈયારી થઈ રહી હતી, જેમાં ખેતીને નુકસાન થઈ શકે. વર્ષ 2000માં પેલેસ્ટાઇને ઇઝરાયલ પર એવો આરોપ લગાવ્યો હતો કે ઇઝરાયલ દ્વારા તેમના ખેતરોમાં ગટરનું ગંદુ પાણી છોડવામાં આવ્યું હતું, જેથી પાક ખરાબ થાય અને તે આહાર માટે યોગ્ય ન રહે. ઇઝરાયલ તેના દુશ્મન દેશને કંગાળ બનાવી દેવા માટે જાણીતું છે અને તે માટે તે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.

ભારત પણ એગ્રો ટેરરિઝમનો શિકાર બન્યું છે તેવાં અનેક સંશોધન અહેવાલમાં પુષ્ટિ મળે છે. ભારતની અગ્રગણ્ય સંસ્થા ‘ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝન’માં રજૂ થયેલા એક અહેવાલ મુજબ 2016માં દેશના પૂર્વીય વિસ્તારમાં ખેતીમાં સામાન્ય રીતે ન જોવા મળે તેવી ફૂગ જોવા મળી હતી. આ ખેતીનો વિસ્તાર મહદંશે નેપાળ અને બાંગ્લાદેશની સરહદી વિસ્તારનો હતો. જોકે પશ્ચિમ બંગાળના બે જ જિલ્લા નડિયા અને મુર્શિદાબાદમાં આ ફૂગ જોવા મળી હતી અને સરકારે તેને અટકાવવા માટે તુરંત પગલા લીધા હતા. વિશેષ કરીને અહીંયા ઘઉંમાં આ પ્રકારની ફૂગ જોવા મળી હતી. સરકારે તેને રોકવા માટે બે જિલ્લામાં ઘઉંની ખેતી પર પ્રતિબંધ લાદી દીધો. આ રીતે જ પાકિસ્તાનના સરહદે આવેલા પંજાબના કેટલાંક ગામોમાં પણ કપાસની ખેતીમાં ‘કર્લ કોખરન વાયરસ’ જોવા મળ્યા હતા. આ વાઇરસ ભારતમાં જે રીતે પ્રસર્યો અને તેનાથી કરોડો રૂપિયાના કપાસને નુકસાન થયું ત્યારે તેમાં પાકિસ્તાનની પણ સંડોવણી જોવામાં આવી હતી. જોકે આ અહેવાલમાં પાકિસ્તાનની સંડોવણીના કોઈ ઠોસ પુરાવા જણાવ્યા નથી. વિશ્વમાં એક તરફ સગવડો વધી રહી છે, લોકોની જાગ્રતિ વધી રહી છે, સજાગતા વધી રહી છે, પરંતુ બીજી તરફ વિશ્વમાં એક ખતરનાક ખેલ ચાલી રહ્યો છે, જેમાં કોઈ કરૂણા કે દયા રાખવાનો રિવાજ નથી. અમેરિકા, રશિયા અને ચીન જેવાં દેશો પોતાનું વર્ચસ્વ ટકાવવા માટે કોઈ પણ હદ સુધી જાય છે અને એગ્રો ટેરરિઝમ તેનું પરિણામ છે. અહીંયા એક વાત એ પણ મૂકવી રહી કે દેશ-દુનિયામાં એગ્રો ટેરરિઝમ સિવાય પણ ખેતીમાં પાક નાશ થાય તેવા કુદરતી અને માનવસર્જિત અનેક કારણો છે. હાલમાં જેટલી ચર્ચા એગ્રો ટેરરિઝમને લઈને થાય છે તેટલી ચર્ચા આવાં પાક બચાવવાને લઈને મીડિયામાં થતી નથી. તેમ થાય તો ખરેખર દેશના ખેડૂતોને લાભ થાય અને દેશનું અર્થતંત્ર વધુ મજબૂત બને.

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular