નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં એસીબી દ્વારા લાંચીયા અધિકારીઓનો પર્દાફાશ કરીને કડક કાર્યવાહી કરવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઈ કાલે અને આજે બે લાંચનું છટકું ગોઠવીને એસીબીએ બે લાંચીયાઓને ઝડપી પાડ્યા છે. ગઈકાલે કચ્છમાં તલાટી કમ મંત્રી અને આજે વડોદરાની કોલેજના આચાર્ય લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ ગયા છે. એસીબીએ બંનેને ડીટેઈન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના મુંદરા તાલુકાના પત્રી ગામપંચાયતમાં ફરિયાદીની પત્નીના નામે રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમ નવી દિલ્હી અને રાજ્ય સરકાર દ્વારા અમલીત સીધા ધિરાણ ’’Small Business’’ યોજના હેઠળ ગોપાલક વિકાસ નિગમ ગાંધીનગર ખાતેથી ૨,૦૦,૦૦૦ની લોન મંજુર થયેલી હતી. જે લોનના જામીનદારના મકાનના આકારણી પત્રકમાં સહી સિક્કા સાથે પ્રમાણપત્ર મેળવવા માટે તલાટી કમ મંત્રી મિતલબેન ભગવતીપ્રસાદ રાવલએ ૧૫૦૦ની લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોય ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા પત્રી ગ્રામપંચાયતમાં લાંચનું છટકુ ગોઠવ્યું હતું. આ દરમિયાન મિતલબેનએ ફરિયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા સ્વીકારતા જડપાઈ ગયા હતા.
બીજીબાજુ વડોદરાના પાદરામાં ફરિયાદીના સાતમા પગાર પંચનુ બીજુ એરીયર્સનુ સ્ટીકર આપવા બાબતે જે.વી.આર્ટ્સ એન્ડ એમ.સી. પટેલ કોમર્સ કોલેજ મુવાલના આચાર્ય ભીખાલાલ વાલજીભાઈએ ફરિયાદી પાસેથી ૨,૫૦૦ની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આરોપીને આપવા માગતા ન હોયથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા આજે આચાર્યની ઓફિસમાં લાંચના છટકાનું આયોજન કરતા આરોપી ભીખાલાલએ ફરીયાદી પાસેથી ૨,૫૦૦ રૂપિયા સ્વીકારતા રંગેહાથ પકડાઇ ગયા હતા.