દેવલ જાદવ (નવજીવન ન્યૂઝ. ગાંધીનગર): ગાંધીનગર ખાતે આજે લાંબા સમયથી ચર્ચામાં રહેલા જયરાજસિંહ પરમારે વિધિવત ભાજપનો ખેસ પહેરી ભાજપમાં પ્રવેશ કર્યો છે. તેમની સાથે 100થી વધુ કાર્યકરો અને તેમનો પુત્ર હર્ષઆદિત્ય પરમાર પણ ભાજપમાં જોડાયો છે. પિતા પુત્ર સહિતના નેતાઓ કાર્યકરો જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે સ્વાભાવિક રીતે દરેકને પ્રશ્ન હતો કે ભાજપમાં આવ્યા પછી તેમને શું મળશે. ત્યારે જયરાસિંહે કહ્યું કે, હું કામ કરવા આવ્યો છું કોઈ અપેક્ષા નથી અને પછી સીઆર પાટીલે કહ્યું કે અમે તમને જવાબદારીઓ આપીશું તમારી ક્ષમતાને અમે ધ્યાને લઈ વિશ્વાસથી જવાબદારી આપીશું.

જયરાજસિંહે ભાજપના મંચ પરથી કહ્યું કે, સામાન્ય રીતે રાજનીતિ સેવાનો વિષય છે. આઝાદીની લડાઈ વખતે પણ લાગણી સાથે તમામ ધર્મ જાતિના લોકો હતા પરંતુ તેમનો હેતુ આઝાદી હતો. જે કાર્યકર્તાનો પ્રજા સાથેનો નાતો તૂટી જાય છે, હું નેતા પણ કોનો નેતા, પ્રતિનિધિ પણ કોનો એ તો કહો. પહેલા રાજાનો દિકરો જ રાજા થતો, અસંખ્ય લડાઈ લડે, લોકો પોતાના સ્વજનો લડાઈમાં ગુમાવતા ત્યારે રાજસત્તાઓ બદલાતી, એક સત્તામાંથી બીજી સત્તામાં જતાં લોહીની નદીઓ વહેતી પરંતુ હવે લોહીનું ટીપું વહ્યા વગર સત્તા બદલાય તે લોકશાહી છે. એક કાર્યકરે જેણે સચ્ચિવાલયનું પગથિયું ચઢ્યું નથી, સ્વર્ણીમ સંકુલ ક્યાં આવ્યું તે જોયું નથી. તેવા કાર્યકરોને સાથે લઈને આવ્યો છું.
તેમણે ઉમેર્યું કે, પાટીલ સાહેબને હું મળ્યો નરેન્દ્રભાઈ જે વિકાસની નેમ લઈને આગળ વધ્યા છે. આપણે જ્યારે આગળ વધીએ ત્યારે જનતા સાથેનો નાતો જરૂરી છે. ઘણું બધું અગાઉ થયું તે હું આ મંચ પરથી નહીં કહું પણ સમજણ સાથે વાત કરું છું કે જેણે 37 વર્ષ જીવનના ખર્ચી નાખ્યા ટીવીની ડીબેટમાં હું ઢળી પડ્યો. ખુબ લોહી પરસેવો રેડ્યો છે. અમે લોકો સાથે કનેક્ટ પણ અમારા નેતાઓથી ડિસકનેક્ટ થઈ ગયા હતા. તમે શું લેવાના છો તેવું મને પુછ્યું હતું પરંતુ અહીં હું સ્પષ્ટ કહું છું, કમનસીબે સત્તાની ભાગબટાઈ, વારા પછી વારો તારા પછી મારો એવી સ્થિતિ હતી, એક એક કાર્યકર કોઈ અપેક્ષા સાથે આવ્યો નથી. માથું મુકીને કામ કરવાનું છે. સાહેબ જો જો અને વિશ્વાસ મુકજો અને અમે પરિણામ આપીશું તે જોજો અને વિશ્વાસ મુકજો.

સીઆર પાટીલે કહ્યું, આજે જેમણે ભાજપમાં વિશ્વાસ મુકીને પોતાની 37 વર્ષની કારકિર્દીને છોડી ભાજપમાં જોડાયા છે તેવા જયરાજસિંહ પરમાર સહિતના સભ્યો, કોઈ પાર્ટીના પ્રવક્તાની જવાબદારી સંભાળતા હોય અને પાર્ટીને મુશ્કેલીમાં પણ તારવાનો પ્રયત્નો કરતા હોય ઈમેજ બદલવા સતત લડતો હોય તેવા વ્યક્તિને લાગે કે હવે રેતીમાં લાંબો સમયથી જહાજ ખેંચતો હોય. તે જહાજને બચાવવા નિરાશા જન્મે અને ભય વગર જાહેરમાં આગેવાનો સામે નિવેદન પ્રગટ કરે અને દેશના ભવિષ્યમાં જેને રસ હોય તે કારકિર્દીને જોખમમાં મુકી શકે. અમે કોંગ્રેસમાંથી કોઈને લાવવા નહીં તે નક્કી કર્યું હતું પરંતુ જયરાજસિંહ મળ્યા અને તેઓ અંગેની ચર્ચા થઈ અને જયરાજસિંહ તમારી કોઈ અપેક્ષા હોય તો પહેલાથી કહી દો અને તેમણે કહ્યું કે મારી કોઈ અપેક્ષા નથી. તમે અને તમારા સાથે જોડાયેલાઓને હું કહી દઉં છું કે તમને જવાબદારી વગર રાખી નહીં શકાય. ચૂંટણીમાં રસ નથી તેવું કહે છે પરંતુ પાર્ટીમાં ઘણા પદો છે જે જવાબદારીઓ આપીશું. પાર્ટી નિર્ણય કરશે અને તમને જવાબદારી સોંપીશું.

તેમણે કહ્યું, ભાજપનો કાર્યકર પોતાના અંગત જીવનના પ્રસંગોને પણ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડીને કામ કરતો હોય છે. આ સમયસર લીધેલા નિર્ણયને હું વધાવું છું. જયરાજભાઈ તમે અને કાર્યકરો જ્યારે જોડાયા છો ત્યારે તમારી શક્તિનો ઉપયોગ કરીને ભાજપા લોકોની સેવામાં લગાવશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












