Wednesday, October 28, 2026
HomeGeneralગુજરાતના એક પણ જિલ્લામાં પટેલ SP ન્હોતા હવે 5 થયાઃ IPSની બદલીઓમાં...

ગુજરાતના એક પણ જિલ્લામાં પટેલ SP ન્હોતા હવે 5 થયાઃ IPSની બદલીઓમાં નરેન્દ્ર મોદી-અમિત શાહનો ટચ દેખાયો

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન.અમદાવાદ): ગુજરાતના ગૃહ વિભાગે શનિવારના રોજ કરેલી બદલી વર્તમાન સરકાર ઉપર કોઈ પણ પ્રકારનો આરોપ થાય નહીં તેવી બદલી અને બઢતીની યાદી તૈયાર કરવામાં આવી છે, એવું ખુદ ગુજરાત પોલીસના સિનિયર અધિકારીઓ પણ માને છે, ઘણા વર્ષો પછી રાજ્ય સરકારે જ્ઞાતિના સમીકરણો સહિત કોઈ પણ આર્થિક હિતના આરોપ વગર યાદી તૈયાર કરી છે. ગત સરકાર ઉપર આરોપ હતો કે ગૃહમંત્રીની જ્ઞાતિના જ અધિકારીઓને ખાસ સ્થાન ઉપર મુકવામાં આવે છે તેનું કારણ એવું હતું કે ગુજરાતના એક પણ જિલ્લાના વડા તરીકે પટેલ અધિકારી ન્હોતા, પરંતુ આ બદલીના આદેશમાં પાંચ જિલ્લાના વડા તરીકે પટેલ અધિકારીઓ મુકવામાં આવ્યા છે. જોકે પટેલ અધિકારીઓ મેદાનમાં આવ્યા તેમ છતાં ગત સરકાર દ્વારા મુકવામાં આવેલા અધિકારીઓ સાથે પણ વર્તમાન સરકારે કિન્નાખોરી રાખી નથી તે અધિકારીઓને યોગ્ય સ્થાન મળ્યું છે. આ યાદી તૈયાર થયા પછી દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે ગઈ હતી અને તેમની નજર નીચેથી પસાર થઈ હોવાનું કહેવાય છે જો કે લાંબા સમયથી અમિત શાહ ગૃજરાતના ગૃહવિભાગ ઉપર નજર રાખતા ન્હોતા પણ તે પ્રકારે વ્યવસ્થા ઉભી થઈ ત્યાર બાદ મોટી બાબતો તેમના ધ્યાન ઉપર મુકાય પછી નિર્ણય લેવામાં આવે છે તેવુ સુત્રોનું કહેવું છે.



બદલીઓ પર જ્ઞાતિનું સમીકરણ હાવી થતું નથી

ગુજરાતના એક પણ જિલ્લામાં પટેલ ડીએસપી નથી, તેવી ફરિયાદને પણ દુર કરવામાં આવી અને પાંચ જિલ્લાના વડા તરીકે પટેલ અધિકારી મુકવામાં આવ્યા જેમાં અમદાવાદમાં ફરજ બજાવતા ડીસીપી ડૉ રવિન્દ્ર પટેલને ભાવનગરના એસપી, ડીસીપી વિજય પટેલને પાટણ એસપી તરીકે મુકવામાં આવ્યા છે. કરાઈમાંથી હરેશ દુધાતને સુરેન્દ્રનગર એસપી સુરત ક્રાઈમમાંથી રાહુલ પટેલને તાપી એસપી, ડીસીપી રાજેશ ગઢીયાને ખેડા એસપી તરીકે મુકવામાં આવ્યા છે. જો કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાટીદાર હોવા છતાં તમામ સારા સ્થાને માત્ર પટેલ અધિકારીઓ જ મુકાઈ જાય તેવો પક્ષપાત પણ દેખાતો નથી આમ બદલીના ધોરણોમાં જ્ઞાતિનું સમીકરણ હાવી થતુ જોવા મળતું નથી.

- Advertisement -

મહિલા અધિકારીઓને મળી મહત્વની ભૂમિકા

આ ઉપરાંત ગૃહ વિભાગની યાદીનો (સઅભ્યાસ કરીએ તો મહિલા અધિકારીઓને મહત્વની ભૂમિકા સોંપવામાં આવી છે સામાન્ય રીતે પુરૂષ અધિકારીઓને દબદબો રહ્યો તેવી મહત્વની જગ્યા ઉપર પણ મહિલા અધિકારી મુકવામાં આવ્યા છે, ડીવાયએસપી રૂપલ સોંલંકીને સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી તરીકે મુકવામાં આવ્યા છે, સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ડીસીપી તરીકે મહિલા અધિકારી મુકાયા હોય તેવો આ પહેલો બનાવ છે, સુરતમાં નવા બની રહેલા બે ઝોન પૈકી એક ઝોનમાં ઉષા રાડાને ડીસીપી તરીકે મુકવામાં આવ્યા છે. તેવી જ રીતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ડીવાએસપી ભારતી પંડયાને ડીસીપી તરીકે બઢતી આપી ક્રાઈમ બ્રાન્ચ ઈકોનોમીક વીંગના ડીસીપી તરીકે મુકવામાં આવ્યા છે. ગૃહ વિભાગે ડીસીપી ક્રાઈમ ઈકોનોમીક વિંગની નવી જગ્યા ઊભી કરી તેના ભારતી પંડયા પહેલા ડીસીપી બન્યા છે. અમદાવાદ શહેરમાં પણ મહિલા ડીસીપી તરીકે લવીના સિન્હા, ભકતી ઠાકર અને ડૉ કાનન દેસાઈને અને વડોદરા ઝોન 4ના ડીસીપી તરીકે પન્ના મોમાયાને મુકવામાં આવ્યા છે.



ચૂંટણી સમયે આંખ-કાનનું કામ કરતાં ગુપ્તચર વિભાગનું ખાસ ધ્યાન રખાયું

2022નું વર્ષ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ છે, ચૂંટણી નિયત સમયમાં થશે કે વહેલી થશે તેની અટકળો પણ ચાલી રહી છે, તેવી સ્થિતિ સરકારની આંખ કાન તરીકે કામ કરવાનું કામ ગુપ્તચર વિભાગના ફાળે આવે છે, ત્યારે ગુપ્તચર વિભાગમાં કાબેલ અધિકારીની સાથે વિશ્વાસુ અધિકારી હોવાનું પણ જરૂરી છે. આ બદલીમાં તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે, હાલમાં ગુપ્તચર વિભાગના વડા તરીકે કાબેલ અધિકારી અનુપમસિંહ ગહેલોત છે, પરંતુ હવે તેમના સહાયક તરીકે ગાંધીનગરના એસપી મયુર ચાવડાને મુકવામાં આવ્યા છે, મયુર ચાવડાએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જેવી મહત્વની એજન્સીમાં કામ કર્યું હોવા છતાં તેઓ સારા ટ્રબલશુટર પણ છે તેમના સંપર્કો પણ ઉત્તમ છે, આમ મયુર ચાવડા સહિત અન્ય યુવાન અધિકારીઓને આઈબીમાં મુકવામાં આવ્યા છે.

- Advertisement -

ATSને મજબુત બનાવવોનો પ્રયાસ પણ થયો

ગુજરાત એટીએસમાં હિમાંશુ શુકલ આવ્યા પછી મૃતપ્રાય ગણાતી એજન્સીમાં તેમણે પ્રાણ પૂર્યો હતો, પરંતુ હિમાંશુ શુકલની રૉમાં બદલી થયા પછી એટીએસ ફરી મૃતપ્રાય બની જાય નહીં તેની સરકારે તકેદારી લીધી છે. અગાઉ ગૃહ વિભાગે જામનગરના એસપી દિપેન ભદ્રનને ડીઆઈજી તરીકે બઢતી આપી એટીએસમાં મુક્યા હતા, પરંતુ એસપીની જગ્યા ખાલી હતી. એટીએસના એસપી તરીકે સરકારે એક પ્રમાણિક અને કાબેલ અધિકારી સુનીલ જોષીને મુક્યા છે. સુનીલ જોષી દેવભૂમિ દ્વારકાના એસપી હતા. સુનીલ જોષીએ સરહદી જિલ્લામાં કામ કર્યું હોવાને કારણે તેઓ એટીએસની કામગીરીને સારી રીતે સમજી શકશે, તેમના પત્ની શ્વેતા શ્રીમાણીને પણ અમદાવાદ રેલવેમાં મુકવામાં આવ્યા છે આમ આઈપીએસ દંપત્તી એક શહેરમાં રહી શકે તેવી દરકાર પણ સરકારે કરી છે.



નિર્લીપ્ત રાયની બદલી આવા લોકોની ઉંઘ હરામ કરી નાખનારી

અમરેલીના એસપી નિર્લીપ્ત રાય અમરેલી મુકાયા તે પહેલા દર છ મહિને તેમની બદલી થવાનો તેમને ટ્રેક રેકોર્ડ હતો, હિન્દી ફિલ્મના કોઈ પોલીસ અધિકારીની જેમ કયાંય પણ ભીડાઈ જવાનો તેમનો શોખ રહ્યો છે, પછી કાયદાથી વિપરીત વાત કરનાર રાજનેતા હોય કે અધિકારી તેમને ના પાડવાની તાકાત કોઈમાં છે? અમરેલીમાં બીટકોઇન પ્રકરણ બનતા સરકારે તેમને ખાડે ગયેલી અમરેલીની વ્યવસ્થા સુધારવા તેમની અમરેલીમાં મુકયા હતા. જો કે તેમની કામ કરવાની પધ્ધતીને કારણે ગુંડાઓ તો ઠીક પણ ખુદ પોલીસ પણ ફફડી ગઈ હતી. હવે નવી યાદી પ્રમાણે તેમને સ્ટેટ મોનીટરીંગ સેલના વડા તરીકે મુકવામાં આવ્યા છે. આમ તેમનું કાર્યક્ષેત્ર હવે આખુ ગુજરાત બની ગયું છે.

- Advertisement -

ગુજરાતમાં ચાલી રહેલી દારૂ જુગાર સહિતના તમામ બે નંબરનો ધંધો કરતા અને કરાવનાર બુટલેગર તથા અધિકારીઓની ઉંઘ ખરાબ થઈ ગઈ છે, કારણ નિર્લીપ્ત રાય સામે તમામ પ્રકારના હથિયાર બુઠ્ઠા થઈ જાય છે, પરંતુ સરકારે પણ જે પ્રકારને હિંમત કરી સ્ટેટ મોનીટરીંગ સેલમાં તેમને મુકયા છે તે બતાવે છે તે સરકાર પણ કોઈ ધંધા ચલાવી લેવાના મુડમાં નથી.

રાજકોટ પોલીસ કમિશનર સહિતની બદલી પણ આ પ્રકારની પારદર્શક હોવાની શકયતા

ગૃહ વિભાગે એસપી અને ડીવાયએસપીની બદલીઓ કરી તેમાં કોઈને અન્યાય અને કોઈને ચોક્કસ ફાયદો થયો હોય તેવો આરોપ થઈ શકે તેમ નથી. હજી સિનિયર અધિકારીઓની બદલીઓ બાકી છે જેની યાદી એકાદ બે દિવસમાં આવી જશે, રાજકોટ પોલીસ કમિશનર સહિત અનેક સિનિયર જગ્યાઓ ખાલી છે, પરંતુ સરકાર રાજકોટની ઘટના પછી છાશ પણ ફુંકી ફુંકી પી રહી છે. કોઈ પણ વિવાદાસ્પદ અધિકારી અથવા વિવાદનું કારણ બને તેવા અધિકારી ચોક્કસ સ્થાને આવી નહીં તેની તકેદારી રાખવામાં આવી રહી છે. આ બદલીમં કોઈ અધિકારી ચોક્કસ સ્થાને આવશે જ તેવો દાવો અગાઉ થયો ન્હોતો.



સી આર પાટીલની મહત્વની ભૂમિકા પણ કયાંય તેમના નામની ચર્ચા નથી

સરકારી અધિકારીઓ રણના ઉંટ જેવા હોય છે તેમને તોફાન આવવાનું છે તેની અગોતરી ખબર પડે છે અને પવનની દિશા જોઈ તેઓ પોતાની દિશા બદલે છે. ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલ થયા છે તેમને મળવા આવનાર અને તેમની નજરોમાં રહેનાર પોલીસ અધિકારીની સંખ્યા વધી ગઈ હતી. પાટીલનો સરકારમાં દબદબો છે છતાં તેમણે સીફતપુર્વક પોતે સરકારના કામમાં સામેલ થતાં નથી તેવો માહોલ ઉભો કર્યો છે. એટલે પોલીસ અધિકારીઓની બદલીમાં કોઈ અધિકારી સી આર પાટીલનો માણસ છે તેવી છાપ પણ ઊભી થાય નહીં તેવું તેમણે ધ્યાન રાખ્યું છે. સરકારના અનેક મહત્વના નિર્ણયમાં તેમનો મત મહત્વનો હોવા છતાં તેઓ માત્ર સંગઠન જ સંભાળે છે તેવું સ્પષ્ટ રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
સી આર પાટીલ રાજકારણમાં આવ્યા તે પહેલા ગુજરાત પોલીસનો હિસ્સો હતા. જેના કારણે હાલની સરકારમાં ગૃહ ખાતુ કોઈને સમજાય તેના કરતા વધારે પાટીલ ગૃહ ખાતાને સમજે છે, પણ તેઓ વિવાદથી પોતાને દુર રાખવામાં સફળ રહ્યા છે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular