નવજીવન ન્યૂઝ, નવી દિલ્હી: સંભલના SP કૃષ્ણ બિશ્નોઈ અને IPS અધિકારી અંશિકા વર્માના લગ્નને લઈને દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. જોકે, આ લગ્ન કરતાં વધુ ચર્ચા તેમના શૈક્ષણિક અભ્યાસ અને UPSC પરીક્ષામાં પ્રાપ્ત કરેલા રેન્કને લઈને થઈ રહી છે. બંને અધિકારીઓની સિદ્ધિઓ અને અભ્યાસક્રમ તેમને વિશેષ ઓળખ અપાવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, અંશિકા વર્મા 2021 બેચની IPS અધિકારી છે અને હાલ બરેલીમાં SP સાઉથ તરીકે ફરજ બજાવી રહી છે. તેઓ મૂળ પ્રયાગરાજની રહેવાસી છે. તેમણે નોયડાના ગલગોટિયા કોલેજમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશનમાં બી.ટેક પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ તેમણે કોઈ કોચિંગ વિના UPSC પરીક્ષાની તૈયારી કરી અને 2020માં 136મો રેન્ક મેળવી IPS બન્યા હતા.
અંશિકા વર્મા પોતાના કાર્ય માટે પણ જાણીતા રહ્યા છે. ગોરખપુરમાં ફરજ દરમિયાન તેમણે મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. ઉપરાંત, 2025માં મહિલાશક્તિકરણ ક્ષેત્રે ઉત્તમ યોગદાન બદલ તેમને ‘વુમન આઇકન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બીજી તરફ, કૃષ્ણકુમાર બિશ્નોઈ 2018 બેચના IPS અધિકારી છે અને હાલમાં સંભલના પોલીસ અધિક્ષક તરીકે કામગીરી બજાવી રહ્યા છે. તેઓ મૂળ રાજસ્થાનના રહેવાસી છે. તેમણે દિલ્હીના સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું.
આ પછી તેમણે ફ્રાન્સના પેરિસ સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સમાંથી આંતરરાષ્ટ્રીય સુરક્ષા વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. આ દરમિયાન તેમને લગભગ 30 લાખ રૂપિયાના પેકેજ સાથે નોકરી મળી હતી. છતાં તેમણે તે નોકરી છોડી ભારત પરત આવી UPSCની તૈયારી કરી અને 174મો રેન્ક મેળવી IPS બન્યા હતા.

બંને અધિકારીઓની મુલાકાત ગોરખપુરમાં થઈ હતી, જ્યારે કૃષ્ણ બિશ્નોઈ SP સિટી અને અંશિકા વર્મા ASP તરીકે ફરજ બજાવતા હતા. ત્યારથી બંને વચ્ચે પરિચય વધ્યો અને હવે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે.
આ રીતે આ જોડીએ પોતાના વ્યક્તિગત જીવન સાથે સાથે શૈક્ષણિક સિદ્ધિઓને કારણે પણ વિશેષ સ્થાન મેળવ્યું છે અને યુવાનો માટે પ્રેરણા બની રહ્યા છે.








