Monday, September 9, 2024
HomeGujaratભારતીયો લગ્ન, મિત્રો અને પાડોશીઓમાં ધર્મ આધારીત ભેદ કેટલો જુએ છે...

ભારતીયો લગ્ન, મિત્રો અને પાડોશીઓમાં ધર્મ આધારીત ભેદ કેટલો જુએ છે…

- Advertisement -

ધર્મ, સંપ્રદાયને લઈને ભારતનું ચિત્ર હંમેશા વિરોધભાસી રીતે સામે આવતું રહે છે. એક તરફ આપણી વિવિધાતાભરી એકતાની પ્રશંસા થાય છે; તો બીજી તરફ ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિઓ વચ્ચે ખદબદી રહેલાં ભેદભાવો અવારનવાર બને છે. ખરેખર, આમ ભારતીય પોતાના જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય અંગે અને અન્યધર્મીઓ વિશે શું વિચારે છે તેનો કોઈ ઠોસ જવાબ મળતો નથી. આ માટે પ્રામાણિક રીતે અભ્યાસ કરવો રહ્યો અને હાલમાં તે અભ્યાસ ‘પ્યૂ રિસર્ચ સેન્ટર’[Pew Research Centre] દ્વારા થયો છે. આ રિસર્ચ વ્યાપકપણે થયું છે અને તેમાં ત્રીસ હજાર લોકોની મુલાકાત લઈને માહિતી એકઠી કરવામાં આવી છે. રિસર્ચ થાય ત્યારે સ્વાભાવિક છે કે તેનાં તારણો ગમે – ન ગમે એવાં આવે, પણ ‘પ્યૂ રિસર્ચ સેન્ટર’ દ્વારા થયેલાં આ સંશોધનનું ચિત્ર ઘણુંખરું સ્વીકાર્ય લાગે તેવું છે. તેનો પૂરો રિપોર્ટ તો લાંબોલચક છે, તેની બધી વિગતમાં તો પ્રવેશવું અશક્ય છે, પણ તેનાં કેટલાંક અગત્યના ફાઇન્ડિંગ જોઈને એક સામાન્ય ભારતીયોનો મત આ બાબતે શું છે તે જાણીએ. ….

આ રિપોર્ટના સીધા ફાઇન્ડિંગ પર જઈએ તો તે મુજબ, આઝાદી પછી અહીં રચાયેલો મહદંશે ભારતીય સમાજ વિવિધ ધર્મ પાળે છે અને પોતાના ધર્મને સ્વતંત્રતાથી અનુસરી શકે છે. વિવિધતાનો આપણા દેશમાં પાર નથી અને વિશ્વના મોટા ભાગના હિન્દુ, જૈન અને શીખો અહીં જ વસે છે. સાથે વિશ્વનાં મોટા પ્રમાણનાં મુસ્લિમો પણ ભારતમાં વસે છે. આ ઉપરાંત, ખ્રિસ્તી અને બુદ્ધ ધર્મીઓની સંખ્યા સારી એવી છે. લોકો સ્વીકારે છે કે અહીં તેમને ધર્મ પાળવાની મુક્તતા છે. અને એક દેશ તરીકે ભારતીયોનો કેન્દ્રિય મુદ્દો ધાર્મિક સ્વતંત્રતા છે. વિવિધ ધર્મ પાળતાં મોટા ભાગના ભારતીયો એવું સ્વીકારે છે કે અન્ય ધર્મ પ્રત્યે માન તેઓને ‘સાચા ભારતીય’ બનાવે છે. પોતાના ધર્મીની જેમ અન્ય ધર્મીનું માન કરવું એ બાબતે ભારતીયો એક છે.

- Advertisement -

આ સંશોધનમાં ધર્મનો દાયરો સિમિત રાખવામાં આવ્યો નથી. ભારતમાં આ સરવે થતો હોવાથી તેમાં કેટલાંક ભારતમાં લાગુ પડે તેવા પ્રશ્નો ઉમેર્યાં છે. જેમ કે, તમે કર્મમાં શ્રદ્ધા ધરાવો છો? આ પ્રશ્નના જવાબમાં 77 ટકા હિંદુઓએ ‘હા’મા જવાબ આપ્યો છે. કર્મમાં આસ્થા ધરાવનારાં મુસ્લિમોની સંખ્યા પણ સપ્રમાણમાં છે. એ પ્રમાણે ગંગા નદીનું પાણી પવિત્ર કરવાની શક્તિ ધરાવે છે તેમાં 81 ટકા હિંદુ નહીં, પરંતુ દેશના ત્રીજા ભાગના ખ્રિસ્તીઓ પણ માને છે! એ રીતે પરમાત્મા સુધી પહોંચવા સુધીનો ઇસ્લામના સુફી માર્ગમાં માત્ર 37 ટકા મુસ્લિમોને જ નહીં, બલકે હિંદુ અને શીખ પણ આસ્થા ધરાવે છે!

એકબીજાના ધર્મ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિ રાખીને એક દેશ અને ક્ષેત્રમાં રહેવા છતાં ભારતની મોટા ભાગનો ધાર્મિક સમૂહ એકબીજામાં સરખાપણું જોતાં નથી. 66 ટકા હિંદુ એવું માને છે કે તેઓ મુસ્લિમ કરતાં ખાસ્સા વેગળા છે, જ્યારે સમપ્રમાણ મુસ્લિમો પણ પોતાને હિંદુઓ કરતાં પોતાને અલગ માને છે. જૈન અને શીખો તરફથી આ બાબતે મળેલાં ઉત્તરોમાં તેઓ પોતાને હિંદુઓની વધુ નજીક ગણે છે. મહદંશે ભારતીયો અન્ય ધર્મીથી પોતાના ધર્મને અલગ માને છે.

- Advertisement -

ધર્મો વિશે અલગ-અલગ દૃષ્ટિકોણ બંધાય છે પરંપરાથી અને જીવનશૈલીથી. અને આ કારણે જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે વિવિધ ધર્મીઓ વચ્ચેનો ભેદ ઊડીને સામે વળગે છે. ભારતમાં આજે પણ અન્ય ધર્મી લગ્નનો સ્વીકાર સહજતાથી થતો નથી. પ્યૂ સર્વેના આંકડામાં તે વાત પ્રસ્થાપિત થાય છે. જેમ કે, ત્રીજા ભાગના હિંદુ આંતરધર્મીય લગ્નના વિરોધી છે. મુસ્લિમોમાં પણ આંતરધર્મીય માન્યતા હિંદુઓ જેવી છે. અહીં એ ખાસ નોંધવું કે મહિલાઓ અન્ય ધર્મીઓ સાથે લગ્ન કરે તેમાં જ હિંદુ-મુસ્લિમોને વાંધો હોય તેમ નથી, બલકે પુરુષો પણ જો અન્ય ધર્મમાં લગ્ન કરે તો તેમનો વિરોધ સરીખો જ છે. રિસર્ચમાં તદ્ઉપરાંત મિત્રતાને સાંકળીને પણ અભ્યાસ કરવામાં આવ્યો છે. અહીંયા પણ તારણ એવું છે કે હિંદુ ધર્મીના મિત્રો મહદંશે હિંદુ છે. હિંદુઓના કિસ્સામાં તો આ શક્યતા એ માટે છે કારણ કે દેશમાં એંસી ટકા વસતી હિંદુઓની છે. પરંતુ શીખ અને જૈન જેવી ઓછી વસતી ધરાવનારા ધર્મોમાં પણ પોતાના જ ધર્મી સાથે મિત્રતાનું ચલણ જોવા મળે છે.

સામાન્ય રીતે આસપાસની સ્થિતિ જોઈને આપણી ધારણા બાંધી લઈએ છીએ, પરંતુ તે વાસ્તવિકતા હોતી નથી. આ પ્રકારનો અભ્યાસ થાય છે ત્યારે તેમાં સાચું ચિત્ર પકડાય છે અને ધારણા તૂટે છે. જેમ કે, આ સંશોધનમાં આવેલાં તારણો મુજબ હિંદુઓમાંથી 45 ટકા લોકોએ એમ સ્વીકાર્યું છે કે તેઓને અન્યધર્મી પાડોશીઓ સાથે રહેવામાં કોઈ જ વાંધો નથી – તે પછી મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય, શીખ હોય કે પછી બૌદ્ધ કે જૈન. પરંતુ બાકીના 45 ટકા હિંદુઓએ અન્યધર્મી પાડોશીને લઈને વાંધો દર્શાવ્યો છે અને તેમાં પણ 35 ટકા હિંદુઓએ મુસ્લિમ પાડોશી ન હોવા જોઈએ તેવો મત દર્શાવ્યો છે. મોટા ભાગના જૈનોએ પણ હિંદુ સિવાય અન્ય ધર્મીઓને પાડોશી તરીકે સ્વીકાર ન કરે તેમ કહ્યું છે.

પ્યૂ રિસર્ચ સેન્ટર દ્વારા આ સર્વે થયો છે તેમાં કેટલીક રાજકીય બાબતોને પણ મૂકવામાં આવી છે. જેમ કે ‘હિંદુ રાષ્ટ્રવાદ’. અહીં રિસર્ચ કહે છે કે 2019માં લોકસભાની ચૂંટણીમાં મતદાન કરનારાં દસમાંથી ત્રણ હિંદુ એમ માનતા હતા કે ‘ખરા ભારતીય’ હોવા અર્થે તમારે હિંદુ હોવું જરૂરી ગણાવ્યું છે. એ રીતે રાષ્ટ્રીયતાને લઈને હિંદી ભાષા અને ભાજપને મત આપવા જેવી બાબતોને પણ આવશ્યક દર્શાવી છે. આ ધારણા ઉત્તર અને મધ્ય ભારતના મતદારોમાં વધુ જોવા મળી છે. જોકે પ્યૂના આ ફાઇન્ડિગ ફરી ચકાસવા પડે તેવા છે.

- Advertisement -

આ રિસર્ચ વિસ્તૃત રીતે થયું છે અને તેમાં દેશની વિવિધતા ખરેખર દેશ માટે લાભકારી છે કે નુકસાનકારી તે અંગેનો મત પણ લોકો પાસેથી લેવાયો છે. સર્વેના આ પ્રશ્નમાં અડધોઅડધ લોકોએ દેશની વિવિધતાને દેશ માટે લાભમાં ગણાવી છે, જ્યારે ચોવીસ ટકાએ દેશને તેનાથી નુકસાન થઈ રહ્યું છે તેમ કહ્યું છે. અન્યએ તેના પર કોઈ મત દર્શાવ્યો નથી. આપણા દેશમાં આવો એક વિવાદીત મુદ્દો જ્ઞાતિભેદનો છે. અને સર્વે મુજબ આ બદી માત્ર હિંદુઓમાં જ નથી. ઉપરાંત જ્ઞાતિભેદનો સ્વીકાર પણ સહજતાથી નથી થતો એવું આ સર્વે કહે છે. જેમ કે પાંચ ટકા લોકો એમ સ્વીકારે છે કે જ્ઞાતિ આધારીત ભેદભાવ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે દેશનો દક્ષિણ ભાગ જ્યાં શિક્ષણનું પ્રમાણ વધુ છે ત્યાં પણ જ્ઞાતિ આધારીત ભેદભાવ ઉત્તરના હિસ્સા જેટલો થાય છે. જોકે જ્ઞાતિભેદ પાડોશ અને મિત્રોમાં એટલો નડતો નથી, જેટલો લગ્નમાં બાધારૂપ બને છે. આંતરજ્ઞાતિઓ લગ્નને લઈને હજુ પણ ભારતીય સમાજ જડવાદી રહ્યો છે. આંતરજ્ઞાતિ લગ્ન ન કરવા વિશેનો મત સૌ વર્ગોમાં સમાન રીતે જોવા મળે છે. અને તેવું માત્ર હિંદુઓમાં નહીં; મુસ્લિમ, શીખ અને જૈનોમાં પણ છે. શિક્ષિત વર્ગમાં પણ આંતરજ્ઞાતિઓના લગ્ન અંગે જડવાદી માનસિકતા પ્રબળ છે.

ધર્માંતરનો મુદ્દો આપણે ત્યાં જ્વલનશીલ રહ્યો છે. રાજકીય રીતે અવારનવાર ધર્માંતરનો મુદ્દો મૂકવામાં આવે છે. જોકે ધર્માંતરને લઈને ભારતમાં ઝાઝો ફરક પડ્યો નથી તેવું આ સર્વેનું તારણ છે. અને દેશમાં ધાર્મિક રીતે વસતીમાં જે ફરક આવ્યો છે તેમાં ધર્માંતરનું પ્રમાણ નહીવત્ છે, તેનું સીધું કારણ જન્મદર સંબંધિત છે. અને જે હિંદુઓ ખ્રિસ્તી બન્યા તેનું સૌથી વધુ પ્રમાણ દક્ષિણમાં છે.

ઉપરાંત પણ પ્યૂના આ રિસર્ચમાં ભારતીય સમાજ વિશે અનેક આવાં સંશોધન થયા છે, જેના ફાઇન્ડિગ આપણી ધારણા તોડે છે અને આપણી સમક્ષ થોડું સ્પષ્ટ ચિત્ર મૂકી આપે છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular