નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસને પગલે અનેક નિર્દોષ લોકોને જીવ ગુમાવાનો વારો આવે છે. વારંવાર હાઇકોર્ટની ટકોર છતાં રાજ્યમાં હજુ પણ ઠેર-ઠેર રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રખડતા ઢોરના અડફેટે વધુ એક વ્યકિતને જીવ ગુમાવાનો વારો આવ્યો છે. બનાસકાંઠાના લખાણીમાં સાંઢે ખેડૂતને અડફેટે લેતા ખેડૂતનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતુ. તેને લઈ પાલિકાની કામગીરી સામે અનેક સવલો ઉઠ્યા છે. ક્યાં સુધી તંત્રની બેદરકારી અને ઈચ્છાશક્તિના અભાવે સામાન્ય લોકોને જીવ ગુમાવવો પડશે. રખડતા ઢોરનો ત્રાસ માત્ર શહેરો નહીં પણ ગામમાં પણ જોવા મળી રહ્યો છે. જેમાં રખડતા ઢોર હવે શહેર કે ગામના રસ્તોઓ પર યમરાજ બની ફરી રહ્યા છે, તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠના લખાણીમાં ઘુણસોલ-અગથાળા ગામ ખાતેથી ખેડૂત ઈશ્વર ચૌહાણ સાંજના અરસામાં વાડીએથી બાઈક પર ઘરે પરત જઈ રહ્યા હતા, તે દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા સાંઢે બાઈક સવાર ખેડૂતોને છાતીના ભાગે જોરદાર ભેટી મારી હતી. જ્યાં ખેડૂતોને છાતીના ભાગે ઈજાઓ પહોંચતા જમીન પટકાયા હતા અને ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાને પગલે ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી. જ્યાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમ્રગ ઘટનાને અંગે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. તેમજ પાલિકા પણ સફાળી જાગી છે અને હત્યા કરનારા સાંઢને ઝડપી પાડવા શોધખોળ હાથધરી છે. ખેડૂતના મૃત્યુ બાદ સમ્રગ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેર હોય કે ગામ રખડતા ઢોરનો આતંક હજુ પણ છાપરે ચડીને પોકારી રહ્યો છે. રખડતા ઢોરના આંતકને પગલે હાઈકોર્ટે રાજ્ય સરકારને કડક હાથે કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા, છતાં પણ મહાનગર પાલિકા તેમજ નગરપાલિકોની ઢોર પકડવા અંગેની કાર્યવાહીમાં હજુ પણ નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. જેને લઈ નિર્દોષ લોકોને રખડતા ઢોરોનો ભોગ બનવું પડી રહ્યું છે.








