ફાઓનાં માર્ચ ફૂડ પ્રાઈસ ઇન્ડેક્સમાં સરેરાશ ૧૨૮.૫ પોઈન્ટનો વધારો: ખાદ્યતેલના ભાવ ૫.૧ ટકા વધ્યા
ચોખાની સમયસર વાવણી થઇ ગયા પછી નબળી આયાત માંગને લીધે ભાવમાં ૩ ટકાનો ઘટાડો નોંધાયો
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): ઓછી આવક ધરાવતા અને આયાત પર નિર્ભર એવા, ભારત સહિતના અસંખ્ય દેશના નબળા અને ગરીબ લોકોના ખોરાકના ભાવ પર, મિસાઈલ હુમલા જેવી વૃદ્ધિ ઝળુંબી રહી છે. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬થી શરુ થયેલા ઈરાન યુદ્ધ પછી અમેરિકા અને ઈરાને બે સપ્તાહ સુધી યુદ્ધવિરામની ઘોષણા કરી, ત્યાર પછીના બીજા જ દિવસે ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ, વર્લ્ડ બેંક અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ જેવી ત્રણ સંસ્થાઓએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે આખી દુનિયાના ખેડૂતો, ખાતરની નજીવી પ્રાપ્તિ અને કાચામાલના વધી રહેલા ખર્ચા, તેમને વાવેતરથી દુર કરી દેશે અથવા ઓછા ખર્ચવાળા બરછટ અનાજના વાવેતર તરફ લઇ જશે. જો આ યુદ્ધ હવે આગળ ખેંચાશે તો કૃષિ સ્તરના તમામ નિર્ણયોને વ્યાપક અસર થવાની છે.
જો ખેડૂતોને આવા સમાધાન કરવાના આવશે તો, આ ત્રણે સંસ્થાઓએ સાવધાનીના સૂરમાં કહ્યું હતું કે આગામી વાવેતર (ભારતમાં રવિ પાક) મોસમમા ઉપજ ઉતારા (યીલ્ડ) ખુબ નબળા આવશે. શક્યતા એવી નિર્માણ થશે કે વર્તમાન અને આગામી વર્ષે અનાજ પુરવઠા અછત સમસ્યાને પગલે ભાવ સતત વધતા રહેશે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (ફાઓ)એ કરેલા આકલનમાં જણાઈ આવ્યું છે કે ભૂ-રાજકીય અસ્થીરતાઓ ઉર્જાના ભાવની સંવેદનાઓ ઉજાગતિક અનાજ બજારમાં પ્રતીબીમ્બીત થશે, એટલુંજ નહિ વિશ્વભરના દેશો પાસેના બફર અનાજ સ્ટોકનો ઉપયોગ, ભાવને સ્થિર રાખવા આથવા વધતા અટકાવવામાં થશે. મધ્યપુર્વના દેશો જ્યાં યુદ્ધ તખતો રચાયો છે, ત્યાના અને અન્યત્ર દેશના લોકોનું જીવન અસ્તવ્યસ્ત અને કઠીન થઇ જશે.
વર્તમાન ઇતિહાસમાં આપણે જોઈ રહ્યા છીએ કે વિશ્વભરનું ઉર્જા સંકટ, તમારા ઘરના રસોડા સુધી આવી પહોચ્યું છે. વૈશ્વિક સ્તરે મહત્વના ખાદ્ય કોમોડીટીનાં ભાવોનો સમાવેશ કરતા ફાઓનાં માર્ચ ફૂડ પ્રાઈસ ઇન્ડેક્સમાં સરેરાશ ૧૨૮.૫ પોઈન્ટનો વધારો થયો છે, ફેબ્રુઆરીમાં બાંધેલા અનુમાન કરતા આ વૃદ્ધિ ૨.૪ ટકા વધુ જેટલી છે. ક્રુડ ઓઇલના ભાવમાં ઉછાળો અને તેને પગલે ખોરાકના ભાવમાં ઝડપી તેજીએ લોકોની ખરીદશક્તિ પર બોજ વધાર્યો છે, પરિણામે અસંખ્ય સરકારો પોતાના નાગરિકોની ખરીદશક્તિને રક્ષણ આપવાની ક્ષમતા ગુમાવી બેઠી છે. ફાઓ કહે છે કે જો આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો, આખા જગતના ઉત્પાદન અને પુરવઠા પર લાંબા સમય માટે ભારે અસર છોડી જશે.
અમેરિકામાં ઘઉં પાકના સંયોગો નબળા પડી જવા સાથે ખાતરના ભાવ વધી આવતા ઓસ્ટ્રેલીયામાં ખેડુતો ઘઉં વાવેતર માટે ઉત્સાહિત રહ્યા નથી, પરિણામે જાગતિક બજારમાં ઘઉંના ભાવ ઉપર ગયા છે. જગતભરમાં મકાઈનો સ્ટોક પુરતો હોવાથી ખાતરના ભાવની ચિંતાઓ કૈક અંશે ઓછી થઇ છે, પણ એનર્જીના ભાવ વધુ પડતા ઉપર જવાથી, મકાઈને ઇથેનોલ તરફ વાળવામાં આવતા, ભાવને વધાતા લાંબો સમય રોકી શકાય તેમ નથી. ચોખાની સમયસર વાવણી થઇ ગયા પછી નબળી આયાત માંગને લીધે ભાવમાં ૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. ખાદ્યતેલના ભાવ ૫.૧ ટકા વધ્યા હતા, આ સતત ત્રીજા મહીને ભાવ વધ્યા હતા. વૈશ્વીક ક્રુડ ઓઇલના ભાવ વધારા સાથે બાયોફ્યુઅલ માટેની ખાધ્યતેલની માંગ વધતા, આયાતકારોને પામ ઓઈલ, સોયાતેલ, સુર્યમુખી અને રાયડા તેલના ઊંચા ભાવ ચૂકવવાના આવ્યા છે.
ફાઓ તેના આંકડા ટાંકીને કહે છે કે માર્ચ મહિનામાં યુદ્ધની સ્થિતિ વકરતા, ઉર્જા સાથે જોડાયેલા તમામ જાગતિક ખોરાકના ભાવ વધ્યા છે, અને હવે કૃષિબજાર પર તેની વ્યાપક અસર જોવાઈ રહી છે. ક્રુડ ઓઈલના ભાવ વધારાએ કાચામાલના તેમજ પરિવહન ખર્ચ વધતા, અનાજની સપ્લાય ચેઈનમાં મોટા વ્યવધાન ઉદભવ્યા છે. અલબત્ત, વૈશ્વિક કડ્ધાન્ય (બરછટ અનાજ) સ્થિતિ હજી વાજબી સ્તરે હોવાથી અનાજના ભાવ પરનું દબાણ થોડું સરભર થઇ શક્યું છે. ફાઓના ઈકોનોમિસ્ટ ચેતવણીના સૂરમાં કહે છે કે અત્યાર સુધી તો પરીસ્થિત કૈંક અંશે કાબુમાં છે, પણ જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો સ્થિતિ કાબુબહાર જવાના સંયોગો ઉજળા છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








