નવજીવન ન્યૂઝ. વલસાડ: Karnataka Election Results 2023: કર્ણાટકમાં ભાજપની હારના પડઘા હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) દ્ઘારા જાહેર સભા અને રોડ શો સહિત ધૂમ પ્રચાર-પ્રસાર બાદ પણ ભાજપની હાર થતા, 2024 લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) ભાજપ માટે કપરા ચઢાણ સમાન બની છે. જેને લઈ ગુજરાતના નેતાઓ પણ આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં ન સર્જાય તે માટે સક્રિય બન્યા છે. જનતાને ચૂંટણી સમયે આપેલા વચનનો પૂર્ણ કરવા અધિકારીઓને ટકોર કરી છે. રાજ્યના પૂર્વ પ્રધાન અને વલસાડના ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે (MLA Raman Patkar) કર્ણાટકમાં થયેલી હારને લઈ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “જો જનતાના કામ સમયસર નહીં થાય, તો ગુજરાતમાં પણ કર્ણાટક જેવું થઈ શકે છે.”
વલસાડના ઉમરગામમાં એક કાર્યક્રમમાં હાજરી આપતા ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે જાહેર મંચ પરથી નિવેદન આપતા કહ્યું હતું કે, જો ચૂંટણી સમયે નેતાઓ જનતાને આપેલા વાયદાઓ અને પ્રજાના કામ સમયસર પૂર્ણ ન થયા તો ગુજરાતમાં પણ કર્ણાટક જેવું થવાનો ડર વ્યકત કર્યો હતો. તેમજ નેતાઓ અધિકારીઓનું પ્રજાથી અંતર વધશે. પ્રજા નારાજ ન થાય તેને લઈ અધિકારીઓને પણ પ્રજાના કામ સમયસર કરવા ટકોર કરી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, નગરપાલિકાના જે સભ્ય છે તેમને મારી વિનંતી છે કે લોકોના કામમાં એક પણ ફરિયાદ આવે તો તે જ દિવસ તેની મુલાકાત લેવી અને તેની સમસ્યાનું નિરાકરણ લાવવુ જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. તેમજ આજે મળેલી જીત બાદ કોંગ્રેસને પણ નજર અંદાજ ન કરાય તેવી સ્થિતિ આજના કર્ણાટકના પરિણામ બાદ ભાજપને સમજાઈ ગઈ છે. જેને જોતા હવે ભાજપને પણ આ હાર બાદ બોધપાઠ લેવાની જરૂરિયાત દેખાઈ રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








