નવજીવન ન્યૂઝ. મહેસાણાઃ અમરેકા જવાની ઘેલછામાં અવનવી તરકીબ અપનાવી ઘુસણકખોરી કરવામાં આવતી હોય છે અને અમેરિકન પોલીસ દ્વારા આવા વ્યક્તિઓ પકડી પાડવામાં આવતા હોય છે. ત્યારે આ વખતે અમેરિકા જવા માટે અંગ્રેજી આવડતું ન હોય તેવા યુવાનોએ IELTS પરીક્ષામાં 8 બેન્ડ મેળવીને અમેરિકાની બોર્ડર વચ્ચે આવેલી સેન્ટ રેઝીસ નામની નદીમાં બોટ મારફતે અમેરિકામાં ઘૂસવા જતાં પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામને કોર્ટમાં રજૂ કરતાં પકડાયેલી 4 લોકો અંગ્રેજીમાં કંઈ જવાબ આપી ન શકતા સમગ્ર ભાંડો ફુટ્યો હતો.
મહેસાણામાં IELTS પરીક્ષાનું કૌભાંડ સામે આવ્યું છે. જે યુવાનોને અગ્રેજી ન્હોતું આવડતું તેવા યુવાનોએ સેટીંગ કરી IELTSમાં 8 બેન્ડ મેળવીને પહેલાં કેનેડા પહોંચ્યા હતા. ત્યારબાદ કેનેડાથી ગેરકાયદે અમેરિકા જતી વખતે બોટમાં પકડાઈ ગયા હતા. સમગ્ર મામલે અમેરિકન એમ્બેસીએ મુંબઈ એમ્બેસીને જાણકારી આપી હતી અને પછી મહેસાણા પોલીસને જાણ કરવામાં આવી હતી. IELTS પરીક્ષા કૌભાંડને લઈને મહેસાણા એસપીએ એસઓજી પોલીસને તપાસ સોંપતા પરીક્ષા લેનાર સંસ્થા અને એજન્ટની સામે તપાસ શરૂ કરી છે.
IELTS પરીક્ષા કૌભાંડની તપાસ શરૂ થતાં કૌભાંડના તાર નવસારી સુધી પહોંચ્યા છે. અમેરીકામાં પકડાયેલા યુવાનો મહેસાણાના ધામણવા, માંકણજ, રામનગર અને સંગણપુરના વતની છે. જેઓ ગત 28 એપ્રિલ 2022ના રોજ કેનેડા અને અમેરિકાની બોર્ડર નજીકથી પકડાયા હતા. આ તમામે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી પ્લાનેટ એ.ડી.યુ નામની સંસ્થામાં એડમિશન લીધુ હતું. ત્યારબાદ સંસ્થા તરફથી ચારેય યુવકોની પરીક્ષા માટેનું સેન્ટર નવસારી પસંદ કરવામાં આવ્યું હતું. પોલીસે હાલ બે એજન્ટોની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.








