Tuesday, April 7, 2026
HomeBusinessહોર્મ્ઝ અંતરાયોને પગલે તમામ સ્તરના કોમોડિટી બજારો પણ અસ્તવ્યસ્ત

હોર્મ્ઝ અંતરાયોને પગલે તમામ સ્તરના કોમોડિટી બજારો પણ અસ્તવ્યસ્ત

- Advertisement -
  • ખોરાક અને પશુઆહારના ભાવ પહોચ બહાર: ટૂંકાગાળાના ઓપ્શન અને કબાલાનાં વિક્રમ સોદા
  • ફુગાવો આસમાને જવાની ચિંતા રોકાણકારોને સોના ચાંદી વેચવા તરફ દોરી ગઈ

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): હોર્મ્ઝ સમુદ્ર્ધુનીમાં સર્જાયેલા અંતરાયોને પગલે વૈશ્વિક ઉર્જા પરિવહન મુશ્કેલ બની જતા આખા જગતના અર્થતંત્રો અને હવામાન પર વ્યાપક અસર જોવા મળી છે. આ દરિયાઈ માર્ગે દુનીયાભરના દૈનિક ૨૦૦ લાખ બેરલ ક્રૂડ ઓઈલ તેમજ પેટ્રોલિયમ ઉત્પાદનો અને ૨૦ ટકા નેચરલ ગેસનું આવાગમન થાય છે. આ સમસ્યાને લીધે આખા જગતના તમામ સ્તરના કોમોડિટી બજારો પણ અસ્તવ્યસ્ત થઇ ગયા હતા. રોજીંદા ધોરણે તમામ કોમોડિટીની સલામત પ્રાપ્તિ (હેજિંગ)ની દુવીધાએ, ભાવમાં ભારે ઉથલપાથલ મચાવી હતી. પરિણામે ટ્રેડરો વધતા દરે ટૂંકાગાળાના ટ્રેડીંગ ઇન્સ્ત્રુમેન્ટ સાથે સાથે પરંપરાગત રીતે દર મહીને પાકતા વાયદામાં પણ સોદામાં વધારો કરી રહ્યા છે.

આ સતત પાંચમું વર્ષ છે, જેમાં ટૂંકાગાળાના કોમોડિટી ઓપ્શન અને કબાલાનાં વિક્રમ સોદા થવા લાગ્યા હોય. ૨૦૨૫માં સરેરાશ સાપ્તાહિક ઓપ્શન સોદાનું વોલ્યુમ, ૨૦૨૪ની તુલનાએ ૧૭ ટકા વધીને ૭૯,૨૨૧ કોન્ટ્રેક્ટની ઊંચાઈ પહોચ્યું હતું. ઈરાન યુધ્ધે બાયોફ્યુઅલ, ખાતર અને પરિવહનના ખર્ચા આસમાને પહોચાડી દેતા માનવીય ખોરાક અને પશુઆહારના ભાવ પહોચ બહાર જતા રહ્યા હતા. મહત્તમ અનાજ અને પશુઆહાર વેપાર, ડીઝલ આધારિત પરિવહન કે દરિયાઈ માર્ગે થતો હોય છે. એમોનીયા અને નાઈટ્રોજન આધારી ખાતર બનાવવાનો કાચોમાલ નેચરલ ગેસ પ્રાથમિક રીતે ખાડીના દેશમાંથી આવતો હતો, તે અટકી પડ્યો હતો.

- Advertisement -

ક્રૂડ ઓઈલ અને અન્ય ઉર્જાના ભાવ વધવા સાથે ફુગાવો આસમાને જવાની ચિંતામાંથી જન્મેલો લાંબા સમય માટે વ્યાજદર વૃદ્ધિનો ભય રોકાણકારોને સોના ચાંદી વેચવા તરફ દોરી ગયો પરિણામે માર્ચમાં નીચા ભાવના લેવલ બન્યા. ઈરાન યુધ્ધને લીધે બજારમાં તમામ ચીજોના ભાવ વધારાનો ડર આસમાને ગયો. સામાન્ય રીતે આવા ભૂ-રાજકીય વાતાવરણમાં પરમ્પરાગત સલામત રોકાણ અસ્કયામતોમાં આકર્ષણ વધતું હોય છે, પણ ઊંચા ઉર્જાભાવનો ફુગાવો રોકાણકારને સોના ચાંદી વેચવાની ફરજ પાડી ગયો. આ તરફ ડોલર મજબુત થયો અને બોન્ડ યીલ્ડ ઊંચા ગયા તેની અસર પણ બુલીયનમાં જોવા મળી. ઉર્જા અને વાહનવ્યવહાર ખર્ચને પગલે તાંબુ અને અન્ય ઔદ્યોગિક ધાતુની માંગ ઘટતા, ભાવ પણ દબાણમાં આવ્યા.

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઈઈએ) જે રીતે ક્રૂડ ઓઇલના સ્ટોક આંકડા સાચવે છે તેમ ખાતરના જાગતિક સ્ટોકના આંકડા રાખવાની કોઈ વ્યવસ્થા નથી. જ્યારે પણ ક્રૂડ ઓઇલના ભાવ વધે ત્યારે અનાજ અને પશુઆહારની ચીજોનો સસ્તો ઉપયોગ ઇથેનોલ બનાવવામાં થાય છે. આથી ક્રૂડ ઓઇલના ભાવ સામેં અનાજ અને પશુઆહારનાં ભાવ, ઉર્જા ઉત્પાદન સાથે સ્પર્ધામાં ઉતરે છે. ક્રૂડ ઓઇલના ભાવ ૧૦૦ ડોલર પ્રતિ બેરલની ઉંચાઈએ પહોચે કે તરતજ, બાયોફ્યુઅલ વધુ સ્પર્ધાત્મક બની જતા હોય છે. પછી તો જુદાજુદા ક્ષેત્રોમાં સોફ્ટ કોમોડિટીના ભાવ આપોઆપ વધવા લાગે છે. ક્રૂડ ઓઇલના ભાવ આસમાને જતા, વિસ્તારની દ્રષ્ટીએ મોટા એવા દેશોમાં વીજળી ઉપાર્જનના નવા અને સસ્તા સ્ત્રોત અને ઉર્જા સલામતી માટે સોલાર અને વિન્ડ પાવર વીજળીનો ઉપયોગ વધ્યો છે.

ચીને ઈરાન યુદ્ધ પહેલા જ પોતાની અનાજ સલામતી દ્રધ્ધ કરવા આર્જેન્ટીના અને બ્રાઝીલથી વ્યુહાત્મક રીતે અનાજ આયાત વધારવાનાં ઉપાય કર્યા હતા. ચીનના કસ્ટમ્સ ડેટા કહે છે કે ફેબ્રુઆરીમાં મકાઇ આયાત, વર્ષાનું વર્ષ ૧૨૧.૪ ટકા વધીને ૧.૭૦ લાખ ટન થઇ હતી, પ્રથમ બે મહિનાની સંયુકત આયાત ૨૦૭.૯ ટકા વધીને ૫.૫ લાખ ટન થઇ હતી. આ જ પ્રમાણે ઘઉંની આયાત ૩૪૪ ટકા વધીને ૩.૨ લાખ ટન, અને બે મહિનાની સંગઠિત આયાત ૧૦૬૮.૭ ટકા વધીને ૧૩ લાખ ટન થઇ હતી. વર્ષાનું વર્ષ ફેબ્રુઆરીમાં ખાંડ આયાત ૧૪૧૦.૮ ટકા વધારીને ૨.૪ લાખ ટન કરી હતી. જાન્યુઆરી અને ફેબ્રુઆરીની સંયુક્ત આયાત ૫૬૩ ટકા વધારીને ૫.૨ લાખ ટન કરી હતી.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commodity DNA અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular