Wednesday, May 20, 2026
HomeGujarat‘એપ્રિલ ફૂલ’ની અવનવી યોજનાઓનો પર્દાફાશ! ગુજરાતનું એવું સત્ય, જે તમને હસાવશે પણ...

‘એપ્રિલ ફૂલ’ની અવનવી યોજનાઓનો પર્દાફાશ! ગુજરાતનું એવું સત્ય, જે તમને હસાવશે પણ અને રડાવશે પણ!

- Advertisement -

મિલન ઠક્કર (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): આજે પહેલી એપ્રિલ છે. દુનિયાભરમાં લોકો આ દિવસે એકબીજાને મૂર્ખ બનાવીને હસે છે, પણ આપણે ગુજરાતમાં તો એવું લાગે કે કેલેન્ડર બનાવનાર જ આપણી સાથે પ્રૅન્ક કરી ગયો છે. આપણું તો આખું વર્ષ જ પહેલી એપ્રિલ પર અટકી ગયું છે! સવારે છાપું ખોલો એટલે પેપર લીકના સમાચાર વાંચીને એવું લાગે કે આ પરીક્ષાની જાહેરાત હતી કે, કોઈ સસ્પેન્સ થ્રિલર મુવીનું ટ્રેલર?

નેતાઓ જ્યારે સ્ટેજ પરથી કહે છે કે, મેં પ્રજાના હિતમાં પક્ષ બદલ્યો છે! ત્યારે એવું લાગે કે જાણે ડાયાબિટીસના દર્દીને ખાંડ ખવડાવતી વખતે ડોક્ટર કહેતા હોય કે, આમાં વિટામિન છે! ૨૦૨૬માં ઊભેલા આપણે લોકશાહીના નામે જે જોઈ રહ્યા છીએ, એની સામે કપિલ શર્માનો શો પણ ફિક્કો લાગે!

- Advertisement -

’એપ્રિલ ફૂલ અને એપ્રિલ ફળ’
ગુજરાતના રાજકારણમાં અત્યારે ‘વિચારધારા’ નામનું પક્ષી લુપ્ત નથી થયું, પણ એણે ‘પ્લાસ્ટિક સર્જરી’ કરાવી લીધી છે. પહેલાના જમાનામાં લોકો પક્ષ બદલતા તો સત્તર વાર વિચારતા, હવે તો નેતાઓ પક્ષ એમ બદલે છે જાણે મોબાઈલનું કવર!

સવારે જે નેતા ખાંગ્રેસના ધરણામાં ‘મહેંઘાઈ ડાયણ’ના ગીતો ગાતા હોય અને ગળાની નસ ફુલાવી ફુલાવીને વિરોધ કરતા હોય, એ જ નેતા બપોરે લાજપના ‘ગમાણ‘ (ચિહ્ન) પર બેસીને કહે છે, સાહેબ! વિકાસનો આ વેગ જોઈને મારી આંખોમાં તો મોતીયો આવી ગયો હતો, એટલે મને અત્યાર સુધી કંઈ દેખાતું નહોતું! જનતા બિચારી મૂંઝવણમાં છે કે ગઈકાલે જે નેતાના પૂતળાં બાળતી વખતે ‘હાય હાય’ કર્યું હતું, આજે આપણે એપ્રિલ ફૂલ બન્યાની ઉજવણી એને હારતોરા કરીને કેવી રીતે કરવી?

અત્યારે લાજપમાં કાર્યકરો ત્રણ પ્રકારે એપ્રિલ ફૂલ બનેલા છે:
મૂળ લાજપી: જે વર્ષોથી પક્ષ માટે દરીઓ પાથરે છે, સભાઓમાં ચવાણું પીરસે છે અને નેતાઓની જય બોલાવે છે.
ભળેલા લાજપી: જે ગઈકાલે લાજપીને ગાળો આપતા હતા અને આજે મંત્રીની સફેદ ગાડીમાં એસી ચાલુ કરીને ફરે છે.
ગૂંચવાયેલા લાજપી: આ બિચારો કાર્યકર સવારે જે પક્ષનો ઝંડો પકડીને નીકળ્યો હોય, સાંજે નેતા પક્ષ બદલે એટલે ઝંડો પણ બદલી નાખે છે! એને ખબર જ નથી હોતી કે એ કોના માટે ગળું ફાડી રહ્યો છે!
આ અસલી ‘એપ્રિલ ફૂલ–ફળ’ યોજના છે; જ્યાં સાચો કાર્યકર ‘ફૂલ’ બને છે અને છેલ્લી ઘડીએ પક્ષ બદલનાર પેલા નેતા ‘ફળ’ ખાઈ જાય છે!

- Advertisement -

કાયદેસરનું એપ્રિલ ફૂલ
આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર વાયરલ થાય એવો મસ્ત ડાયલોગ આપ્યો છે: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! આ સાંભળીને આપણને એવું લાગે કે જાણે આપણે ‘સિંઘમ’ કે ‘સિમ્બા’ ફિલ્મના શૂટિંગમાં જુનિયર આર્ટિસ્ટ તરીકે મફતમાં ઊભા છીએ. પણ સવાલ એ છે કે આ ‘ફાયદો’ થાય છે કોને?
• જો તમે ભૂલથી ટુ-વ્હીલર પર હેલ્મેટ પહેરવાનું ભૂલી ગયા, તો પોલીસ અને સરકારની તિજોરી માટે ‘ફાયદો’.
• જો તમે ઉતાવળમાં ટ્રાફિક સિગ્નલ તોડ્યું, તો ડિજિટલ મેમો ફાટવામાં સરકારનો ‘ફાયદો’.
• પણ જો તમે કોઈ મોટો આર્થિક ભ્રષ્ટાચાર કર્યો હોય કે કરોડો રૂપિયાનું પેપર ફોડ્યું હોય, તો…. તો ફાયદો કોનો?

પોલીસ એક્શનની તો વાત જ ન પૂછો! અત્યારે પોલીસ ગુનેગારોને પકડવા કરતા એની ‘રિલ્સ’ બનાવવામાં, સ્લો-મોશન વૉક સેટ કરવામાં અને બેકગ્રાઉન્ડમાં પાવરફુલ મ્યુઝિક મૂકવામાં વધુ વ્યસ્ત છે. ગુંડો જેલમાં જતો હોય ત્યારે એવી રીતે ચાલે જાણે કોઈ ફેશન વીકમાં રેમ્પ વોક કરી રહ્યો હોય! જનતા તાળીઓ પાડે છે કે ‘વાહ, શું ન્યાય છે!’, પણ વાસ્તવમાં આ ન્યાય નથી, માત્ર મનોરંજન છે. આને જ કહેવાય પોલીસિંગના નામે પ્રજાને પિરસાતું ‘કાયદેસરનું એપ્રિલ ફૂલ’. ‘એ…ય… લંગડો ચાલને….’

તપાસ–તપાસ એપ્રિલ ફૂલ
ગુજરાતમાં નવરાત્રી, દિવાળી અને ઉત્તરાયણ પછીનો જો કોઈ ચોથો સૌથી મોટો અને નિયમિત તહેવાર હોય, તો એ છે ‘પેપર લીક’. આજના યુવાનો જ્યારે કોઈ સરકારી ભરતીની તૈયારી કરે છે, ત્યારે એ પુસ્તકો વાંચવા કરતાં પેલા ‘ગાંધીનગરના સેટિંગ’ કરનારાઓના કોન્ટેક્ટ લિસ્ટ શોધવા પર વધુ ધ્યાન આપે છે!
પેપર હજુ તો પ્રિન્ટિંગ પ્રેસમાંથી બહાર આવે એ પહેલાં વોટ્સએપ અને ટેલિગ્રામ પર પીડીએફ બનીને સ્ટેટસમાં મુકાઈ જાય છે! સરકાર દર વખતે કડક અવાજે કહે છે, અમે નવો કાયદો લાવ્યા છીએ, આજીવન જેલ થશે! કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પણ પેપર ફોડનારાઓ પાછળથી હસીને કહે છે, એપ્રિલ ફૂલ! પકડી શકો તો પકડી લો!
બિચારો ગરીબ મા-બાપનો દીકરો પોતાનું ખેતર વેચીને કે વ્યાજે પૈસા લાવીને કોચિંગના ક્લાસ ભરે છે, રાત-દિવસ જાગીને વાંચે છે. અને પરીક્ષાના દિવસે સેન્ટર પર પહોંચે ત્યારે ખબર પડે છે કે પેપર તો ગઈકાલે રાત્રે જ કોઈના આઈપેડમાં વેચાઈ ગયું હતું! આનાથી મોટો અને ‘ક્રૂર’ એપ્રિલ ફૂલ કોઈ હોઈ શકે ખરો?
સરકાર દર વખતે તપાસ–તપાસ રમવાના નામે કમિટી બેસાડે છે, પણ એ કમિટીના સભ્યો પોતે જ આ એપ્રિલ ફૂલનો મોટો હિસ્સો બનીને બેઠા હોય છે!

- Advertisement -

પુલ પુલ… એપ્રિલ ફૂલ
ગુજરાતના બ્રિજ હવે એન્જિનિયરિંગનો નમૂનો નથી રહ્યા, પણ ‘સરપ્રાઇઝ ગિફ્ટ’ બની ગયા છે. કોઈ બ્રિજનું ઉદ્ઘાટન થાય, નેતાઓ રિબન કાપે, ફોટા પાડે અને ઘરે પહોંચે ત્યાં સુધીમાં તો બ્રિજ પોતે જ રજા પર ઉતરી જાય છે!
કોન્ટ્રાક્ટર ખાનગીમાં કહે, સાહેબ! રેતીમાં સિમેન્ટ ઓછો હતો કારણ કે અમારે ‘ઉપર’ સુધી (સ્વર્ગ સુધી નહીં, સત્તા સુધી) હિસ્સો પહોંચાડવાનો હતો. અધિકારીઓ બચાવ કરતા કહે છે, આ તો બ્રિજનું સેલ્ફ-લોડિંગ ટેસ્ટ ચાલતું હતું, એમાં બ્રિજ થોડો શરમાઈને નમી ગયો! જનતા વિચારે છે કે અમે તો નદી ઓળંગવા નીકળ્યા હતા, પણ આ પુલ તો અમને વૈકુંઠધામના રસ્તે લઈ જાય છે!

અમદાવાદના હાટકેશ્વરથી લઈને વડોદરાના ગંભીરા અને સુરતના ફ્લાયઓવર સુધી, દરેક પુલમાં ભ્રષ્ટાચાર-બેદરકારીની એવી અદ્ભુત ‘સીમેન્ટ’ વપરાઈ કે એ ગમે ત્યારે સામાન્ય જનતાને એપ્રિલ ફૂલ બનાવી શકે છે. રસ્તા પર પડેલા ખાડા તો હવે સ્માર્ટ સિટીની આંતરરાષ્ટ્રીય ઓળખ બની ગયા છે. ખાડો ક્યારેક એટલો ઊંડો હોય છે કે એમાં તમે આખું મંત્રીમંડળ આરામથી છુપાવી શકો!

માસ્ટરસ્ટ્રોક ઓફ એપ્રિલ ફૂલ
માર્ચ ૨૦૨૬માં ગુજરાતમાં UCC (યુનિફોર્મ સિવિલ કોડ) લાવવાની ધમાકેદાર જાહેરાત થઈ. સોશિયલ મીડિયા પર તો જાણે અંદરોઅંદર યુદ્ધ છેડાઈ ગયું! ભક્તો વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરવા માંડ્યા, હવે જોજો, પાકિસ્તાન ધ્રૂજી જશે! અરે ભાઈ! પાકિસ્તાનને અને ગુજરાતના સિવિલ કોડને શું લેવાદેવા? પણ લોજિક અને તર્ક તો આપણા રાજકારણમાં ક્યારેય ચાલતા નથી ને!

તો હવે અચાનક UCCની જાહેરાત પાછળનું અસલી કારણ શું? બહુ સિમ્પલ છે… જ્યારે બજારમાં મોંઘવારી આસમાને પહોંચી હોય, ગેસનો બાટલો ઘરમાં લક્ઝરી આઈટમ બની ગયો હોય અને પેટ્રોલના ભાવ સદી ફટકારીને આગળ દોડતા હોય, ત્યારે પ્રજાનું ધ્યાન ભટકાવવા માટે ‘ધર્મ’ અને ‘કાયદા’ના મિશ્રણવાળો તીખો મસાલો નાખવો પડે. નેતાઓ બહુ સારી રીતે જાણે છે કે, પ્રજાને જો રામ-રહીમના મુદ્દાઓમાં ગૂંચવી રાખશો, તો એ ક્યારેય પૂછશે નહીં કે મારા ભણેલા છોકરાને હજુ સુધી નોકરી કેમ નથી મળી? આ છે ડબલ એન્જિન સરકારનો માસ્ટરસ્ટ્રોકવાળો ‘એપ્રિલ ફૂલ’.

વાયબ્રન્ટ એપ્રિલ ફૂલ
વાયબ્રન્ટ ગુજરાતના નામે દર વર્ષે લાખો-કરોડોના MOU થાય છે. આટલી બધી શૂન્યવાળી રકમ જોઈને સામાન્ય માણસને તો એકડો પણ ભૂલાઈ જાય! જો આ બધા જ રોકાણો જમીન પર ઉતર્યા હોત, તો અત્યારે ગુજરાતમાં મંગળ ગ્રહના લોકો પણ મજૂરી કરવા આવતા હોત!

પણ હકીકત શું છે? કાગળ પર ઉદ્યોગો આવે છે, પણ જમીન પર તો માત્ર ગાયો અને ખાડાઓ જ દેખાય છે. બેરોજગારીનો આંકડો એટલો મોટો છે કે યુવાનો હવે ‘ડંકી’ મારીને વિદેશ જવા મજબૂર છે. નેતાઓ સ્ટેજ પરથી કહે છે, અમે ગુજરાતને ગ્લોબલ હબ બનાવ્યું છે! અને બરાબર એ જ વખતે ગરમીમાં લાઈવ ટીવી પર લાઇટ જતી રહે છે! આ છે ‘વાયબ્રન્ટ એપ્રિલ ફૂલ’.

ગુમશુદા એપ્રિલ ફૂલ
ગુજરાતમાં વિપક્ષની સ્થિતિ એવી છે કે જાણે કોઈ એવી ટીમ જે વર્લ્ડ કપ રમવા મેદાનમાં તો ઉતરે છે પણ બેટ અને બોલ ઘરે જ ભૂલી આવી હોય! ખાંગ્રેસ અત્યારે ‘ખોજો તો જાનો’ (ગુમ થયેલા લોકો) જેવી સ્થિતિમાં છે. એમના અડધા નેતાઓ તો લાજપમાં જોડાવા માટે ‘વેઇટિંગ લિસ્ટ’માં ટોકન લઈને બેઠા છે. જનતાને ક્યારેક પ્રશ્ન થાય છે કે વિપક્ષને મત આપવો એટલે ‘પરોક્ષ’ રીતે તો લાજપને જ સપોર્ટ કરવા જેવું છે. કારણ કે ચૂંટણી જીત્યા પછી અંતે તો એ નેતા કેસરીયો જ ધારણ કરવાના છે!

બીજી બાજુ આમ આદમી પાર્ટી મફતની ‘રેવડી’ આપવાની વાતો કરે છે, પણ જનતા વિચારે છે કે ભાઈ રેવડી તો ઠીક, પેલા સોસાયટીના રોડ-રસ્તા તો સરખા કરાવો! વિપક્ષનું કામ છે સત્તા પક્ષને ભીંસમાં લેવાનું, પણ અહીં તો વિપક્ષ પોતે જ અંદરોઅંદર બાખડવામાં વ્યસ્ત છે.

ધૂળિયું એપ્રિલ ફૂલ
ડબલ એન્જિન સરકાર — આ શબ્દ આપણા કાનમાં એટલી વાર ઠોકી-ઠોકીને બોલવામાં આવ્યો છે કે હવે રેલવેના અસલી એન્જિન પણ આ સાંભળીને ધ્રૂજી જાય કે, હવે આપણો કોઈ ભાવ નહીં પુછે તો! જનતાને સપના બતાવાયા કે જો બંને જગ્યાએ (દિલ્હી અને ગાંધીનગર) એક જ પક્ષની સરકાર હશે, તો વિકાસ રોકેટની ગતિએ થશે. પણ વાસ્તવમાં સ્થિતિ એવી છે કે એક એન્જિન દિલ્હી તરફ ખેંચે છે અને બીજું એન્જિન ગાંધીનગર તરફ ખેંચે છે, અને વચ્ચે જનતાનો સામાન્ય ડબ્બો કચડાઈ રહ્યો છે!

બુલેટ ટ્રેનના મોટા-મોટા થાંભલા તો ખેતરોમાં ઊભા થઈ ગયા, પણ સામાન્ય માણસ જે લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે એ હજી પણ રોજ ત્રણ-ત્રણ કલાક મોડી ચાલે છે! સ્માર્ટ સિટીના નામે શહેરોના રસ્તાઓને એવી રીતે આડેધડ ખોદી નાખ્યા છે કે જાણે આપણે કોઈ પુરાતત્વ ખાતાના ખોદકામમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો શોધી રહ્યા હોઈએ. તમે ભૂલથી કોઈ ગલીમાં વળો એટલે ખબર પડે કે રોડ જેવું કંઈ છે જ નહીં, ત્યાં તો માત્ર ‘વિકાસની ધૂળ’ ઉડે છે જે સીધી તમારી આંખોમાં જાય છે!

એપ્રિલ ફૂલ સેવા
ગુજરાતમાં હવે શિક્ષણ સેવા રહ્યું છે ખરું? ના, એ તો હવે સૌથી મોટો પ્રોફિટેબલ બિઝનેસ બની ગયું છે! દર વર્ષે ફી વધારાના નામે મોટી-મોટી એસી શાળાઓ વાલીઓના ખિસ્સા હળવા કરે છે. સરકાર બચાવમાં કહે છે, અમે એફઆરસી (FRC) કાયદો લાવ્યા છીએ! પણ વાસ્તવમાં એ તો શાળાઓના ફી વધારાને સરકારી મહોર મારીને કાયદેસર કરતો હોય એવો નિયમ લાગે છે. ઘણીવાર તો એવું લાગે કે શાળાઓના ટ્રસ્ટીઓ જ પડદા પાછળથી સરકાર ચલાવી રહ્યા છે.

આરોગ્યની વાત કરીએ તો, જો તમે સરકારી હોસ્પિટલમાં જાવ તો લાઈન એટલી લાંબી હોય કે તમારી બીમારી પોતે જ કંટાળીને જતી રહે! અથવા તમે જતા રહો તેવી સ્થિતિ આવે અને જો પ્રાઇવેટ હોસ્પિટલના પંજામાં ફસાયા, તો એમના બિલ જોઈને સારા ભલા માણસને હાર્ટ એટેક આવી જાય, અને પછી એ જ હોસ્પિટલ પાછી એ જ એટેકનો ઈલાજ કરે અને લાખો રૂપિયા ખંખેરે. આ આખું ચક્ર જનતાની સેવાને નામે ‘એપ્રિલ ફૂલ સેવા’ કરવાનું ઓટોમેટિક મશીન જ છે.

ડિજિટલ એપ્રિલ ફૂલ
રાજકારણ હવે જમીન પર ઓછું અને ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સ્ક્રીન પર વધારે રમાય છે. આઈટી સેલના પેલા ભાડે રાખેલા ટ્રોલર્સ દિવસ-રાત કી-બોર્ડ તોડીને જૂઠાણાં અને વાહવાહી ફેલાવવામાં વ્યસ્ત છે. તમે જેવો કોઈ મોંઘવારી કે બેરોજગારીનો સાચો પ્રશ્ન પૂછો, એટલે એ તમને ગમે તે રીતે પકડીને ‘દેશવિરોધી’ કે ‘નેગેટિવ’ માણસ જાહેર કરી દેશે!

આ આઈટી સેલનું અસલી કામ જ જનતાને દિવસના ૨૪ કલાક ડિજિટલી એપ્રિલ ફૂલ બનાવીને રાખવાનું છે. ખોટા ગ્રાફિક્સ, ફેક વીડિયો અને એડિટ કરેલા ફોટા દ્વારા એવું સાબિત કરવામાં આવે છે કે ગુજરાતમાં તો હવે દૂધ અને મધની નદીઓ વહે છે. (ભલે પછી એ દૂધમાં કેમિકલની ભેળસેળ હોય!)

ઓર્ગેનિક એપ્રિલ ફૂલ
આપણા જગતના તાત એટલે કે ખેડૂતો માટે તો દરરોજ પહેલી એપ્રિલ છે. તેઓ કાયમ કુદરતી અને રાજકીય રીતે ‘ઓર્ગેનિક’ એપ્રિલ ફૂલ બનતા રહે છે. ક્યારેક કમોસમી વરસાદ કે વાવાઝોડું એપ્રિલ ફૂલ બનાવે છે તો ક્યારેક સરકારની નીતિઓ!

પાક વીમો એ દુનિયાનો સૌથી મોટો પ્રેન્ક છે. ખેડૂત બિચારો દર વર્ષે નિયમિત પ્રીમિયમ ભરે છે, જ્યારે પાક નિષ્ફળ જાય છે અને વળતર માંગવા જાય છે, ત્યારે વીમા કંપનીના સાહેબો એસી ચેમ્બરમાં બેસીને સેટેલાઇટ ફોટા બતાવીને કહે છે, તમારા ખેતરમાં તો પૂરતું પાણી હતું, પાક સુકાયો જ નથી! કૃષિ મંત્રીઓ સોફા પર બેસીને ખેતીના હાઈટેક પાઠ ભણાવે છે. રવિવારે આદર્શ ખેતીની મોટી-મોટી વાતો થાય છે, પણ સોમવારે જ્યારે એ જ ખેડૂત ગંજ બજારમાં પોતાનો માલ વેચવા જાય છે, ત્યારે એને જે તદ્દન નજીવો ભાવ મળે છે એ જોઈને એને રડવું કે હસવું એ સમજાતું નથી. ‘ખેડૂત પુત્ર’ હોવાના દાવા કરનારા નેતાઓ ચૂંટણી પૂરી થતાં જ એ જ પુત્રોને અંધારામાં છોડી દે છે.

સ્માર્ટ એપ્રિલ ફૂલ
શહેરોમાં જ્યારે પણ કોઈ મોટો વિદેશી મહેમાન કે મોટા ગજાના પ્રધાન આવવાના હોય, ત્યારે ઝૂંપડપટ્ટીવાળા રસ્તાઓની આજુબાજુ રાતોરાત ઊંચી દીવાલો ચણી દેવામાં આવે છે. કેમ? જેથી પેલા વીવીઆઈપી મહેમાનોને ગરીબોની કંગાળ હાલત ન દેખાય! આને કહેવાય ગુજરાતનું ‘સ્માર્ટ ડેકોરેશન’. ગરીબી દૂર કરવા માટે મહેનત કરવાને બદલે ગરીબીને પ્લાયવુડની પાછળ છુપાવી દેવી એ જ મોટો અર્બન વિકાસ છે. જનતાને લાગે છે કે દેશનો મોભો વધી રહ્યો છે, પણ હકીકતમાં તો માત્ર દીવાલો પર નવો ‘પેઇન્ટ’ થઈ રહ્યો છે, એટલે સ્માર્ટ એપ્રિલ ફૂલ.

જાદુઈ એપ્રિલ ફૂલ
આ તો સૌથી રસપ્રદ ફૂલ છે. રાજકારણ એ માત્ર જાદુનો ખેલ છે. જાદુગર જ્યારે સ્ટેજ પર એક હાથમાં મોટો રૂમાલ હલાવે છે (જેમ કે UCC કે કોઈ મોટો પ્રોજેક્ટ), ત્યારે તમારું બધું ધ્યાન એના એ જ હાથ પર હોય છે, પણ એની બીજી બાજુ એના બીજા હાથે તમારા ખિસ્સામાંથી શું સરકી રહ્યું છે એ તમે ક્યારેય જોઈ શકતા નથી. ગુજરાતની પ્રજા ભોળી છે, ધાર્મિક છે, લાગણીશીલ છે અને નેતાઓના પ્રેમમાં થોડી ઘેલી પણ છે. એટલે જ નેતાઓ એને વારંવાર એપ્રિલ ફૂલ બનાવવાની હિંમત કરે છે.

પણ નેતાઓએ યાદ રાખવું જોઈએ કે જે પ્રજા એપ્રિલ ફૂલ બની શકે છે, એ જ પ્રજા ઈવીએમનું બટન દબાવવાની પણ સત્તા ધરાવે છે. ફરી વાર જ્યારે કોઈ નેતા હાથ જોડીને તમારા ઘરે વોટ માગવા આવે, ત્યારે એમના વચનો સાંભળીને મલકાઈ લેજો અને મનમાં પૂછજો, સાહેબ! આ ચૂંટણીમાં કયો નવો પ્રૅન્ક લાવ્યા છો? ચાલો, આજના પવિત્ર ‘એપ્રિલ ફૂલ’ના દિવસે આપણે સૌ જાગૃત નાગરિકો તરીકે ત્રણ પ્રતિજ્ઞા લઈએ…

  1. નેતાઓના ટીવી પરના વચનોને વોટ્સએપના ફેક ફોરવર્ડ મેસેજની જેમ જ ગણવા (બહુ સિરિયસલી ન લેવા).
  2. ચોમાસામાં રોડ પર પડતા ખાડાઓને સોસાયટીના સ્વિમિંગ પૂલ સમજીને એન્જોય ન કરવા, પણ પાલિકાને જગાડવી.
  3. રાજકારણીઓના કરોડોના ‘ફાયદા’માં ક્યાંક આપણો પાયાનો ‘ગેરફાયદો’ ન થઈ જાય એનું પૂરતું ધ્યાન રાખવું.
    હેપી એપ્રિલ ફૂલ ડે, ગુજરાત! આપણે હસતાં-હસતાં બહુ સારા ‘ફૂલ’ બની ગયા છીએ, એટલે જ નેતાઓનો આ સત્તાનો બગીચો હજી સુધી લીલોછમ મહેકે છે!

આ એપ્રિલ ફૂલ નથી…
(નોંધ: આ લેખ શુદ્ધ વ્યંગ, કટાક્ષ અને રમૂજ ખાતર લખાયેલો છે. આનો હેતુ કોઈ વ્યક્તિ વિશેષ, પક્ષ કે સંસ્થાની ગરિમાને ઠેસ પહોંચાડવાનો નથી, પણ આપણી સિસ્ટમમાં રહેલી હાસ્યાસ્પદ ખામીઓને અરીસો બતાવવાનો છે. હસતા રહો અને વિચારતા રહો! અને ખાસ… વધુમાં વધુ લોકો સાથે શેર કરો. )

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular