નવજીવન ન્યૂઝ, જામનગર : Gujarat ACB એ સેન્ટ્રલ પબ્લિક વર્ક ડીપાર્ટમેન્ટ જામનગરના મદદનીશ ઇજનેરને રૂપિયા 4.52 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે દવાના રિર્સચ સેન્ટરમાં તેમજ દેવભૂમિ દ્વારકા તાલુકાના મોજપ ગામે BSF મરીન તાલીમ કેન્દ્ર ખાતે ઇલેક્ટ્રીક ફિટિંગના કૉન્ટ્રાક્ટના બિલ મજૂંર કરવા પેટે લાંચ લેતા વિજય બાબુલાલ મીણાની ધરપકડ થઈ છે.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર (Gujarat Ayurveda University Jamnagar) અને WHO ના સંયુક્ત ઉપક્રમે બની રહેલા દવાના રિર્સચ સેન્ટરમાં તથા દેવભૂમિ દ્વારકા તાલુકાના મોજપ ગામે આવેલા BSF Marine Training Centre ખાતે ઇલેક્ટ્રીક ફિટિંગની કામગીર એક કૉન્ટ્રાક્ટરને મળી હતી. ઇલેક્ટ્રીક ફિટિંગની કામગીરીના બિલ મંજૂર કરવા પેટે કૉન્ટ્રાક્ટર તેમજ તેના મિત્રની હાજરીમાં વિજય મીણાએ લાંચની માગણી કરી હતી. આ મામલો એસીબી પોલીસ સ્ટેશનમાં પહોંચતા પીઆઈ આર. એન. વિરાણી (PI R N Virani) એ ટ્રેપ ગોઠવી હતી. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસ જામનગર ખાતે વિજય મીણાની આવેલી ઑફિસમાં ટ્રેપ સફળ થતાં લાંચિયા બાબુ રંગે હાથ ઝડપાઈ ગયા છે. ACB Trap બાદ અન્ય ટીમે આરોપીની ઑફિસ તેમજ નિવાસસ્થાને સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે.








