નવજીવન ન્યૂઝ. બેંગલુરુઃ કર્ણાટક હાઈકોર્ટે હિજાબ વિવાદ પર મહત્વનો નિર્ણય આપતા કહ્યું છે કે હિજાબ પહેરવું ફરજિયાત ધાર્મિક પ્રથા નથી. આ સાથે કોર્ટે હિજાબ પરના પ્રતિબંધને યથાવત રાખ્યો છે. હાઈકોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું કે, “વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરવાની ના પાડી શકે નહીં.” આ સાથે હાઈકોર્ટે મુસ્લિમ યુવતીઓની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે, “હિજાબ પહેરવું એ ફરજિયાત ધાર્મિક પ્રથા નથી.”
હાઈકોર્ટની ફુલ બેન્ચે ગયા મહિને આ મામલે સુનાવણી પૂરી કરી હતી. ફુલ બેંચમાં ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ જેએમ ખાજી અને જસ્ટિસ કૃષ્ણા એમ દીક્ષિતનો સમાવેશ થાય છે. આ પહેલા કેસની સુનાવણી દરમિયાન કર્ણાટક સરકાર વતી કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે હિજાબ એ જરૂરી ધાર્મિક પરંપરા નથી અને ધાર્મિક નિર્દેશો શૈક્ષણિક સંસ્થાઓની બહાર રાખવા જોઈએ. હિજાબ કેસની સુનાવણી કરી રહેલી કર્ણાટક હાઈકોર્ટની ફુલ બેંચમાંથી રાજ્યના એડવોકેટ જનરલ પ્રભુલિંગા નવદગીએ કહ્યું હતું કે, “અમારું વલણ એ છે કે હિજાબ જરૂરી ધાર્મિક પરંપરા નથી. ડૉ. ભીમરાવ આંબેડકરે બંધારણ સભામાં કહ્યું હતું કે ‘આપણે ધાર્મિક નિર્દેશોને શૈક્ષણિક સંસ્થાઓની બહાર મૂકવી જોઈએ’.
કર્ણાટક હાઈકોર્ટે આ મામલે 25 ફેબ્રુઆરીએ સુનાવણી પૂરી કરી હતી. નિર્ણયને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે દક્ષિણ કન્નડના જિલ્લા કલેક્ટરે આજે તમામ શાળાઓ અને કોલેજોમાં રજાનો આદેશ આપ્યો છે. આ સાથે કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે.
![]() |
![]() |
![]() |











