નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતી ભાષામાં વિશિષ્ઠ યોગદાન ધરાવતા લેખકોને બિરદાવવા માટે ગુજરાતમાં વર્ષ 1981માં ગુજરાત સાહિત્ય અકાદમીની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાના લેખકો અને સર્જકોને પુરસ્કાર આપીને સન્માનીત કરવામાં આવે છે. ગત વર્ષ 2021 માટે ગુજરાત સાહિત્ય અકાદમી (Gujarat Sahitya Academy)દ્વારા યુવા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતી ભાષાના લેખક કે જેઓ હિન્દી ભાષા માટે પણ કામ કરી ચૂક્યા છે એવા રામ મોરી (Raam Mori)ના નામની જાહેરાત કરવામાં આવી છે.
વર્ષ 2017માં દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા તેમને યુવા પુરસ્કાર દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા. જેના કારણે રામ મોરી અત્યાર સુધીમાં સૌથી નાની ઉંમરે આ પુરસ્કાર મેળવનારા વ્યક્તિ બની ગયા હતા, હવે 2022માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને ફરીથી યુવા પુરસ્કારથી સન્માનીત કરવામાં આવી રહ્યા છે. આ પુરસ્કાર તેમને તેમની રચનાઓ મહોતું, કોફી સ્ટોરીસ અને કન્ફેશન બોક્સ માટે મળી રહ્યું છે.
રામ મોરીનો જન્મ પાલિતાણાના લાખાવાડ ગામમાં થયો હતો. તેમનું પ્રારંભિક જીવન પોતાના ગામમાં જ વીત્યું અને ત્યાર બાદ તેમણે અભ્યાસ માટે ભાવનગર ગયા અને હાલ છેલ્લા 10 વર્ષથી અમદાવાદમાં સ્થાયી થયા છે. તેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં ત્રણ પુસ્તકો લખ્યા છે અને આગામી સમયમાં તેમની 2 નવલકથા અને 1 વાર્તા સંગ્રહ પ્રકાશિત થવા જઈ રહ્યા છે. આ ઉપરાંત તેમણે 5 જેટલી ફિલ્મો લખી છે અને 7 જેટલી હિન્દી અને ગુજરાતી ટેલીવિઝન સિરિયલ પણ લખી ચૂક્યા છે. તેમજ તેઓ ગુજરાતી રંગમંચ માટે પણ અનેક નાટકો લખી ચૂક્યા છે. તાજેતરમાં ગુજરાતનાં જાણીતા લેખક ગુણવંતરાય આચાર્યની નવલકથા આધારિત ‘વીજળી’ નામનું નાટક પણ રામ મોરીએ લખ્યું છે.
નવજીવન ન્યૂઝ સાથે વાત કરતાં રામ મોરી જણાવે છે કે, “મહામારીથી બચવા માટે જ્યારે આપણે વેક્સિનના બે ડોઝ લીધા પછી બુસ્ટર ડોઝ લીધો તેમ આ પ્રકારના એવોર્ડ પણ લેખકોને બુસ્ટર આપવાનું કામ કરે છે, જ્યારે આ પ્રકારનો કોઈ એવોર્ડ મળે છે ત્યારે હું વધુ સારું કામ કરવા માટે પ્રોત્સાહિત થાઉં છું.”
રામ મોરીનું પરિવાર મૂળ ખેતીવાડી સાથે સંકળાયેલું છે, જ્યારે તેમને પુછવામાં આવ્યું કે તમે લેખન તરફ કેવી રીતે વળ્યા ત્યારે તેમણે જણાવ્યુ હતું કે, “મારૂ મોટા ભાગનું બાળપણ ગામમાં રહ્યું છે, મારા બા, દાદા-દાદી બધા પાસેથી મને લોકકથાઓ અને વાર્તાઓ સાંભળવાનું ખૂબ ગમતું હતું, આ સાંભળવાનો શોખ ક્યારે મને વાર્તાકાર બનાવી ગયો મને ખબર જ ન પડી. હું શાળામાં પણ વાર્તાઓ અને લોકકથાઓ સંભાળવતો અને આમ કરતાં કરતાં મારો સાંભળવાનો શોખ મને લેખક બનવા સુધી લઈ આવ્યો.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796