પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. વલસાડ): વલસાડના ચકચારી વૈશાલી બલસરા મર્ડર કેસમાં સોપારી આપનાર બબીતા શર્મા પછી હત્યાની ઘટનાને અંજામ આપનાર પંજાબના સુખવિંદર ભાટીને ઝડપવામાં વલસાડના SP રાજદીપસિંહ ઝાલાને સફળતા મળી છે. 11 વર્ષથી ફેસબુક ફ્રેન્ડ રહેલા બબીતાના મિત્ર સુખવિંદર ભાટીએ રૂપિયા 8 લાખમાં વૈશાલીનું કામ તમામ કરવાની સોપારી લીધી હતી, પરંતુ 11 વર્ષ દરમિયાન બબીતા અને સુખવિંદર ક્યારેય મળ્યા નથી.
સિંગર વૈશાલી બાલસર પાસેથી રૂપિયા 25 લાખ ઉધાર લીધા પછી પૈસા આપવાની અસમર્થતાને કારણે બબીતા શર્માએ વૈશાલીનો ખેલ પૂરો કરવાની યોજના બનાવી દીધી. જોકે વૈશાલીનું કામ કોણ તમામ કરશે તેની ખબર ન હતી. 11 વર્ષથી ફેસબુક ફ્રેન્ડ રહેલા પંજાબના સુખવિંદર ભાટીના બંદૂક સાથેના ફોટા જોઈ બબીતાએ હત્યાની સોપારી લઇશ કે, તેવો પ્રશ્ન પૂછાતા સુખવિંદરે પૈસા મળશે તો કામ કરીશ તેવું જણાવ્યું હતું.
વલસાડ પોલીસે બબીતા અને સુખવિંદર વચ્ચે થયેલી ફેસબુક ચેટ ટ્રેક કરવાની શરૂઆત કરતાં પોલીસ સામે કેટકલક મહત્વના ખુલાષા થયા હતા. સુખવિંદરે હત્યાનું કામ લીધા પછી તેની પાસે ગુજરાત આવવાના પૈસા ન હતા, બબીતાએ ગૂગલ પે(UPI એપ્લીકેશન) દ્વારા 14 હજાર રૂપિયા મોકલ્યા હતા. સુરત આવેલા સુખવિંદરે હોટલમાં રહેવા માટેની વ્યવસ્થા કરવાનું કહેતા બબીતાએ 5000 રૂપિયા બીજા ટ્રાન્સફર કર્યા હતા. પોલીસને આ તમામના ડિજિટલ પુરાવા મળ્યા છે.
પારડી ખાતેથી વૈશાલીની લાશ મળી તેની ઉપરથી પોલીસને એક મફલર મળી આવ્યું હતું. તે સંદર્ભે સુખવિંદરની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે, વલસાડની ડાયમંડ ફેક્ટરીમાં બબીતા જ્યારે વૈશાલીને લઈને આવી ત્યારે પાછળની સિટમાં તે પોતે ગોઠવાઈ ગયો હતો અને પોતાના સાથીના ગાળામાં રહેલા મફલર વડે તેણે વૈશાલીને ગળેટોપો આપ્યો હતો. આમ વૈશાલી વલસાડમાં જ ડ્રાઈવિંગ સીટ ઉપર મરી ગઈ હતી. વૈશાલીની હત્યા થઈ ત્યારે બબીતા ત્યાં હજાર હતી. DSP રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, “ત્રીજો આરોપી પકડવાનો બાકી છે, જેને પકડવા માટે અલગ અલગ ટીમ રવાના થઈ ચૂકી છે. સુખવિંદર રિમાન્ડ દરમિયાન અનેક રહસ્યો ખોલશે તેવી પણ સંભવાના છે.”