Saturday, May 30, 2026
HomeGujaratઅમદાવાદ: શૌર્યચક્ર વિજેતા શહીદ જવાનના ઘરે કુરિયર આવ્યું અને એના પિતાને આઘાત...

અમદાવાદ: શૌર્યચક્ર વિજેતા શહીદ જવાનના ઘરે કુરિયર આવ્યું અને એના પિતાને આઘાત લાગ્યો (જુઓ Video)

- Advertisement -

મિલન ઠક્કર (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): દેશની આર્મીમાં કામ કરવું, પાંચ-પાંચ મેડલ મેળવવા, દુશ્મન સામે લડતાં લડતાં શહીદ થવું. કેવી ગર્વની બાબત છે! એમાં પણ મરણોપરાંત શૌર્યચક્ર પામવું એ તો એના કરતાં પણ વધારે ગૌરવ અપાવે એવી વાત છે. કારણ કે જ્યારે કોઈ દીકરો આર્મીમાં હોય ત્યારે પરિવારને તેનું ગૌરવ તો હોય જ છે, પરંતુ જ્યારે દીકરો શહીદ થાય પછી તેની વીરતા અને બલિદાન બદલ તેને શૌર્યચક્ર એનાયત કરવામાં આવે ત્યારે તેના માતા-પિતાની છાતી ગર્વથી ગજ ગજ ફૂલે છે, પણ શહીદ ગોપાલસિંહ ભદોરિયાના કેસમાં આનાથી વિપરીત પરિસ્થિતી સર્જાઈ છે.

શહીદ ગોપાલસિંહ ભદોરિયા મૂળ આગ્રાના હતા, પણ છેલ્લી બે પેઢીથી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા હતા. ગોપાલસિંહ વર્ષ 2003માં આર્મીમાં જોડાયા. જોકે આર્મીમાં જવાનું તેમને પારિવારિક વારસામાં જ મળ્યું હતું. તેમના દાદા, કાકા, પિતરાઈ ભાઈ પણ આર્મીમાં જ હતા. એક પિતરાઈ ભાઈ આજે પણ આર્મીમાં પોતાની સેવા આપી રહ્યા છે.

- Advertisement -

જે સમયે મુંબઈ શહેરમાં 2008માં 26/11ના જે આતંકવાદી હુમલા થયા એ સમયે ગોપાલસિંહ NSG (National Security Guard)માં હતા અને તાજ હોટલમાં ઘૂસી ગયેલા આતંકવાદી સાથે ગોળીબારમાં તેમના જખમી થયેલા સાથી સૂબેદાર અને મેજરને હોટલની બહાર લાવ્યા હતા. તેમની બહાદુરી બદલ તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આવી રીતે વર્ષ 2003થી 2017 સુધીમાં તેમને અલગ-અલગ ઘટનાઓમાં બહાદુરી માટે પાંચ વખત સન્માનિત કરવામાં આવ્યા છે.

વર્ષ 2017માં ગોપાલસિંહનું પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીરમાં હતું. એ સમયે એમનો હોદ્દો ‘લાન્સ નાયક’નો હતો. તે પોતાની ફરજ પર હતા એ દરમિયાન કુલગામ જિલ્લામાં ઘૂસણખોર આતંકવાદી સાથેના ગોળીબારમાં તેઓ શહીદ થયા હતા. ત્યારબાદ તેમની વીરતા અને બલિદાન બદલ સરકાર દ્વારા તેમણે શૌર્યચક્ર એનાયત કરવાનું જાહેર કરાયું હતું. તેમના પરિવાર, સ્નેહીજનો અને સ્થાનિકો દ્વારા અમદાવાદ અને તેમના વતન આગ્રામાં તેમના નામનાં શહીદસ્મારક પણ બનાવવામાં આવ્યા છે.

ગોપાલસિંહના માતા-પિતા અમદાવાદમાં રહે છે. દીકરાને શહીદ થયે પાંચ વર્ષ ઉપર થઈ ગયા છે. એને શૌર્યચક્ર એનાયત કરવાની જાહેરાત થયે પણ લાંબો સમય થઈ ગયો છે. ગત સોમવારે 05/09/2022ના રોજ તેમને એક કુરિયર મળે છે. જેમાં શૌર્યચક્ર હોવાનું તેમને જાણવા મળે છે. તેમને થોડી વાર તો આઘાત લાગે છે. આવી રીતે શૌર્યચક્ર અપાતું હોય! શહીદના પિતા મુનિમસિંહ તે સ્વીકારવાની ના કહે છે અને પાછું મોકલે છે.

- Advertisement -

મુનિમસિંહ નવજીવન ન્યૂઝ સાથે વાત કરતાં જણાવે છે કે, જ્યારે તેની શહીદીના સમાચાર આવ્યા ત્યારે એક પિતા તરીકે મને દુઃખ થયું હતું પણ મારો દીકરો દેશ માટે શહીદ થયો એનું મને ગૌરવ પણ હતું, છે અને રહેશે. આ કુરિયરમાં આવેલું શૌર્યચક્ર જોઈને મને એટલું વધારે દુઃખ થયું છે જેટલું એની શહીદીના સમાચાર સાંભળીને નહોતું થયું. આવી રીતે કોઈ શહીદના ઘરે કુરિયર દ્વારા શૌર્યચક્ર મોકલવું એ તો હળહળતું અપમાન છે. જોકે મારું એવું માનવું છે કે, આ સિસ્ટમ દ્વારા થયેલી કોઈ ચૂક હશે, નહીંતો આવી રીતે આર્મી જેવા વિભાગથી ભૂલ થાય જ નહીં. પણ જ્યાં સુધી પ્રોટોકોલ પ્રમાણે રાષ્ટ્રપતિના હસ્તે મેડલ એનાયત કરવામાં નહીં આવે ત્યાં સુધી હું મેડલ નહીં સ્વીકારું. મુનિમસિંહનાં જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિના હસ્તે જ આવા મેડલ એનાયત કરવામાં આવે છે અને એ સમયે વડાપ્રધાન, ગૃહમંત્રી, રક્ષામંત્રી અને ત્રાણેય દળના વડા હાજર રહે છે. (મુનિમસિંહનો વિડીયો અંતમાં આપેલો છે.)

અત્રે ઉલ્લેખનીય છે કે, મોટાભાગે 15 ઓગસ્ટ અથવા 26 જાન્યુઆરીએ આ પ્રકારના વીરચક્ર રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરવામાં આવતા હોય છે. સંજોગોવશાત કોઈ હાજર ન રહી શકે તો જ વીરચક્ર જે તે સેનાદળના વડાને સોંપવામાં આવે છે. આવો જ એક કિસ્સો 2021માં હિમાચલ પ્રદેશમાં બન્યો હતો. જેમાં મેડલ મેળવનારે હિમાચલ પ્રદેશ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. જેના ચુકાદામાં હિમાચલ પ્રદેશ હાઇકોર્ટે હુકમ કર્યો હતો કે, મેડલ મેળવનારને પૂરા સન્માન સાથે અને પ્રોટોકોલ મુજબ મેડલ એનાયત કરવામાં આવે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular