નવજીવન ન્યૂઝ.વડોદરાઃ મહામારીના 2 વર્ષ બાદ જ્યારે ગરબાના જાહેર આયોજનની છૂટ મળી ત્યારે દરેક યુવા હ્રદયમાં નવરાત્રીનો થનગણાટ હતો. ગરબા રમવાની ઉત્સુકતા આપણે મીડિયાના ઘણા માધ્યમો દ્વારા પણ જોઈ, પણ જરા વિચારો કે ગરબાપ્રેમીઓની નવરાત્રીના રંગમાં ભંગ પડે તો કેવું થાય? અને આ ભંગ પણ વડોદરાનાં પ્રખ્યાત એવા આયોજકો દ્વારા પડે કે જેના ગરબાની બોલબાલા વિદેશમાં પણ છે, તો શું પરિસ્થિતિ ઊભી થાય? વાંચો આ અહેવાલમાં…
વડોદરાનું યુનાઇટેડ વે ગ્રુપનું નામ કે જે ગુજરાતમાં સૌથી પ્રખ્યાત ગરબા અને ઉત્તમ આયોજન માટે લોકોના જીભે ચઢેલું છે. પરંતુ આ વર્ષે તેમાં નવરાત્રીના આયોજનમાં ખામી સર્જાતા ગરબા પ્રેમીઓએ આયોજન પર બળાપો કાઢ્યો હતો. વાત એમ છે કે, આ વર્ષે યુનાઇટેડ વેના ગરબાનું મેદાન બદલાયુ છે. પહેલાં ગોરવાના ભાઇલાલ અમીન હોસ્પિટલની બાજુના મેદાનમાં આયોજન થતુ હતુ પરંતુ હવે સ્થાન બદલીને શહેરના છેવાડે અટલાદરાના એમ.એમ.પટેલ ફાર્મમાં લઇ જવાયું છે. જ્યાં પુરતા આયોજનનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો છે. જેનાથી ખેલૈયાઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગરબા આયોજનના આ ગ્રુપ દ્વારા પાસ દીઠ ઊંચી કિંમત વસુલવામાં આવે છે.
કેવી ખામીના કારણે ખૈલૈયાઓને તકલીફ વેઠવી પડી ?
નવરાત્રીના પ્રથમ દિવસે જ અટલાદરા બ્રિજથી એમ.એમ. પટેલ ફાર્મ સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. જેથી ઘણા વાહનચાલકોને રોડ વચ્ચે જ્યાં ત્યાં વાહન પાર્ક કરવું પડ્યું. ગરબાના મેદાનમાં કોઇપણ ખેલૈયાને જૂતાં-ચપ્પલ પહેરી એન્ટ્રી ન હોવાથી લોકો પોતાના વાહનમાં જ પગરખાં મુકી આવે છે. જેથી એમ.એમ.પટેલ ફાર્મ પહોંચેલા ખેલૈયાઓને ટ્રાફિકના કારણે એક કિલોમીટર દૂર ખુલ્લા ખેતરોમાં ઉઘાડા પગે ચાલવાનો વારો આવ્યો હતો. ગરબા મેદાન ખેતરમાં રાખ્યું હોવાથી માર્ગ પણ ધુળિયો અને ઉબડખાબડ હતો તો 2-2 ફુટ જેટલા ખાડા પણ ખોદેલા હતા. ખેલૈયાઓને ખુલ્લા પગે ગરબા રમવાનું હોવાથી કાંકરા અને પથ્થર વાગતા પથ્થર પથ્થરના નારા ગુંજી ઉઠ્યા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ફૂડ સ્ટોલમાં પાણીની બોટલની ખરીદી માટે ધક્કામુક્કી અને પડાપડી થઈ હતી. પુરુષ ખેલૈયાઓ પાસેથી 5 હજાર રૂપિયા અને મહિલાઓ પાસેથી 1300 રૂપિયાની ફી લેવાઈ છતાં કાર પાર્કિંગની કોઇ વ્યવસ્થા ન હતી. ખાનગી પાર્કિંગ સર્વિસમાં કાર પાર્કિંગ માટે અલગથી 50 રૂપિયાની ફી આપવી પડી. જે પાર્કિંગ પણ ખુલ્લા અને ઉબડખાબડ ખેતરમાં કરાયું છે. હિસાબ કરીએ તો નવ દિવસ કાર પાર્કિંગના 450 રૂપિયા એક કાર દીઠ થાય. આ સાથે સાથે પાણી, ખાણીપીણીના રૂપિયીની તો વાત જ અલગ રહી.
આટલું ઓછું હતું ત્યાં ગરબાના પાસ માટેના કાઉન્ટર પર પણ ધબળકો જોવા મળ્યો. કારણ કે, ત્યાં ઓનલાઈન પેમેન્ટની કોઈ જ સુવિધા ઉપલબ્ધ ન્હોતી માત્ર કેશ પેમેન્ટથી જ પાસ મળતા હતા. કોઈ ખલૈયાઓ આટલા પૈસા સાથે ન લાવ્યા હોવાથી મૂંઝાયા હતા અને અન્ય પાસેથી રોકડા લેવા માટે હાથ લંબાવવા પડ્યા હતા. જેમાં પણ નિરાશા સિવાય ખેલૈયાઓને કંઈ હાથ ન લાગ્યું અને શરમાવાનો વારો આવ્યો. આમ તમામ સુવિધાના અભાવના કારણે ખેલૈયાઓની પહેલી નવરાત્રી પર પાણી ફરી વળ્યું જેથી ખેલૈયાઓએ આયોજકો પર ભડાસ કાઢી હતી.








