આગામી મોસમમાં પણ ભારત ૮૦ લાખ ટન સુગર નિકાસ કરવામાં સફળ થઈ જશે
ભારત, બ્રાઝિલ થાઇલેન્ડ તરફથી આગામી મોસમમાં વધુ ખાંડ વૈશ્વિક બજારમાં ઠલવાશે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): નાયમેક્સ ઓકટોબર ડિલિવરી રો-સુગર વાયદો આગામી શુક્રવારે કટમાં જવા અગાઉ મંદિવાળાઓએ શોર્ટ કવરિંગ (વેચેલો વાયદો પાછો લેવો) કરીને નફો ગાંઠે બાંધતા, મંગળવારે ભાવ એક તબક્કે ૧૭.૯૩ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ), ૯ સપ્તાહની ઊંચાઈએ જઇ ઘટીને ૧૭.૭૦ સેંટ થયો હતો. સોમવારે ક્રૂડ ઓઇલ વાયદો સાડા આઠ મહિનાની બોટમે જતાં રો સુગર ઘટીને ૧૭.૫૪ સેંટ થઈ ગઈ હતી. આને લીધે બ્રાઝિલની સુગર મિલોએ ઇથેનોલ ઉત્પાદનને બદલે વધુ શેરડીને, સુગર ઉત્પાદન વાળવાનો નિર્ણય લીધો હતો, જે બજારમાં સપ્લાય વધારશે.
સ્ટોનેકસના એનાલિસ્ટે કહ્યું હતું કે સેન્ટ્રલ સાઉથ બ્રાઝિલનું ૨૦૨૩-૨૪નું વર્ષાનું વર્ષ ખાંડ ઉત્પાદન ૫.૭ ટકા વધીને ૩૫૨ લાખ ટન આવશે, સાથે જ ભારત, બ્રાઝિલ અને થાઈલેન્ડમાં વિપુલ ઉત્પાદન આવતા જાગતિક ઉત્પાદન ૩ ટકા વધીને ૧૯૪૪ લાખ ટન થશે. સ્ટોનેકસે જણાવ્યું હતું કે ૨૦૨૨-૨૩ની જાગતિક વર્ષાન્ત પુરાંત ૩૯ લાખ ટન રહી જશે. ખાંડમાં મંદી માટેનું વધુ એક કારણ ભારતીય નિકાસકારોના સોદા ડિફોલ્ટ થતાં અટકાવવા, પાંચ ઓગસ્ટે સરકારે નિકાસ કવોટા ૧૨ લાખ ટન વધારીને આપ્યો તે હતું. ભારતનો વર્તમાન વર્ષનો નિકાસ કવોટા ૧૦૦ લાખ ટન હતો તે ૩૦ સપ્ટેમ્બરે પૂરા થતાં વર્ષ માટે ૧૧૨ લાખ ટન થઈ ગયો હતો.
ભારતીય મિલો અને નિકાસકારોને વિશ્વાસ છે કે આગામી મોસમમાં પણ તેઓ ૮૦ લાખ ટન સુગર નિકાસ કરવામાં સફળ થઈ જશે. ભારતના વાણિજ્યમંત્રી પિયુષ ગોયલ, નિકાસ સંદર્ભે આખરી ટૂંકમાં નિર્ણય લેશે, પણ ખાંડ ઉધ્યોગ સોમવારે એકમત થયો હતો કે ૧ ઓકટોબરથી શરૂ થતી આગામી મોસમમાં ૩૦ એપ્રિલ સુધીમાં ૭૦થી ૮૦ લાખ ટન ખાંડ નિકાસ લક્ષ્યાંકને પહોંચી વળશે. ભારતમાં સૌથી મોટું ખાંડ ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્ર, સતત બીજા વર્ષે વિક્રમ ૧૩૮ લાખ ટન ઉત્પાદન કરશે, જે ગતવર્ષે ૧૩૭ લાખ ટન હતું.
આ બધા વચ્ચે ભારત, બ્રાઝિલ અને થાઇલેન્ડ જેવા નિકાસકારોની કરન્સી અમેરિકન ડોલર સામે સતત નબળી પડી રહી છે, તે પણ મંદીનું એક કારણ છે. જોકે આ બધામાં રાહતના સમાચાર એ છે કે બ્રાઝિલની સરકારી એજન્સી યુનિકા કહે છે કે ઓગસ્ટ સુધીમાં ૨૦૨૨-૨૩ની મોસમમાં ખાંડ ઉત્પાદન વર્ષાનું વર્ષ ઉત્પાદન ૧૦.૫ ટકા ઘટાડો દાખવી ૨૧૭.૭ લાખ ટન થયું હતું. અલબત્ત, ખાંડ ઉધ્યોગની એજન્સી કોનાબએ ૧૯ ઓગસ્ટે કહ્યું હતું કે બ્રાઝિલમાં એક તરફ વાવેતર ઘટ્યું છે, બીજી તરફ ઉત્પાદકતા પણ ઘટી હોઇ ૨૦૨૨-૨૩નો પાક ઓગસ્ટમાં ૪૦૩ લાખ ટન મૂકવામાં આવ્યો હતો તે, ઘટીને હવે ૩૩૯ લાખ ટન આવવાની સંભાવના છે.
ભારતમાં ઇંડિયન સુગર મિલ્સ એસોસિયેશન (ઇસ્મા)ના પ્રમુખ આદિત્ય ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે વધુ શેરડીને ખાંડ ઉત્પાદન તરફ વાળવામાં આવતા ૨૦૨૨-૨૩નું ઉત્પાદન ગતવર્ષ કરતાં ૧૨ ટકા વધીને ૩૫૫ લાખ ટન વિક્રમ આવવાની સંભાવના છે, આની સામે સ્થાનિક માંગ ૨૭૫ લાખ ટન રહેશે. બ્રાઝિલ પછી ભારત વિશ્વનો બીજા નંબરનો મોટો ઉત્પાદક દેશ છે. થાઇલેન્ડના સુગર બોર્ડે કહ્યું હતું કે ૨૦૨૧-૨૨ની મોસમમાં તે ૭૦ લાખ ટન ખાંડ નિકાસ સાથે બીજા નંબરનો સૌથી મોટો નિકાસકાર દેશ છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








