નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પશુઓમાં લમ્પી નામનો વાયરસ ફેલાઈ રહ્યો છે. આ વાયરસના કારણે મોટી સંખ્યામાં પશુઓ સંક્રમિત થઈ રહ્યા છે અને તેના કારણે પશુઓના મૃત્યુ પણ થઈ રહ્યા છે. આ વાયરસનું સંક્રમણ વધી જતાં વિપક્ષ દ્વારા આ મુદ્દે પણ ભાજપ ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે, આજે અમદાવાદમા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે AAP નેતા ઈશુદાન ગઢવી અને સાગર રબારીએ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે લમ્પી વાયરસને લઈને ગુજરાત સરકાર ઉપર પ્રહારો કર્યા હતા.
ઈશુદન ગઢવીએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે, “ગુજરાતમાં માતા તરીકે પૂજાતી ગાયના લમ્પી વાયરસના કારણે મૃત્યુ થઇ રહ્યા છે. આંકડાઓ અનુસાર દિવસમાં 150 જેટલી ગાય માતા મૃત્યુ પામે છે. લમ્પી વાયરસ આવવાનો હતો, આવી પણ ગયો છતાંય તેના માટે વેક્સીનેશન ન થયું, અને તેના પર કોઈ પગલાં લેવાયા નથી. ભાજપ સરકારે જે જરૂરી ધ્યાન આપવાનું હતું તે આપ્યું નથી. ભાજપ સરકાર બસ દારૂ વેચવાના હપ્તા લેવા પાછળ પડી રહી, ભાજપની આવી બેદરકારીના કારણે આજે ગુજરાતમાં હજારો ગાયોના મોત થયા છે.”
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “ફક્ત લમ્પી વાયરસના કારણે ગાયોના મૃત્યુ થયા છે તેવું નથી, પરંતુ જે વેક્સીનેશન કરવાનું હતું તેમાં એક ડૉક્ટરની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઇ હતી અને સૌ જાણે છે કે ડોક્ટરે કહ્યું હતું કે વેક્સિનેશનની જગ્યાએ મીઠાના પાણીનું ઈન્જેકશન ગાયોને આપી દો. અત્યાર સુધી ગાયોની મૃત્યુના ઓફિશીયલ આંકડા 5000 જેટલા છે, પરંતુ જે રખડતી ગાયો છે, રખડતી ભેંસ છે કે પછી બીજા રખડતા ઢોર છે તેના કેટલા મૃત્યુ થયા હશે. કચ્છ, સૌરાષ્ટ્ર, જામનગર, દ્વારકા એમ ગુજરાતમાં જ્યાં પણ જાવ ત્યાં લમ્પી વાયરસના કારણે ગાયોના મૃત્યુ થયા છે. લમ્પી વાયરસના કારણે 5000 ગાયો સહિત 25000 જેટલા બીજા પશુઓના મૃત્યુ થયા છે. આ હજારો ગાયોના મૃત્યુ પાછળ સંપૂર્ણ પણે ભાજપ સરકારની બેદરકારી, સરકારની નિષ્કાળજી અને સરકારની ચલક ચલાણું નીતિ જવાબદાર છે.”
ભાજપ ઉપર પ્રહાર કરતાં ઈશુદન ગઢવીએ જણાવ્યુ હતું ક, “હું ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે, જો લમ્પી વાયરસના કારણે હજારો ગાયોના મૃત્યુ પર તમે જો એક શબ્દ પણ ઉચ્ચારી નથી શકતા તો ત્યારે બીજી વખત ગાય માતાનું નામ તમારા મોઢા પર ન આવવું જોઈએ. હાલ જેમ ગાયોનું મૃત્યુ થઇ રહ્યું છે અને ભાજપ વાળા તેના પર ધ્યાન નથી આપી રહ્યા અને એમ જો આગળ જઈને કોઈ પણ કારણસર ભાજપના નેતાઓએ ગાય માતાનું નામ તેમના મોઢે લીધું તો ગુજરાતની જનતા તેમને દોડાવી દોડાવી ને મારશે. હાલ ગાય પ્રેમીઓમાં રોષ ફેલાયો છે, ગાય પ્રેમીઓ દુઃખી છે, ગાય પ્રેમીઓ રડી રહ્યા છે કે ભાજપની બેદરકારીના કારણે ગૌશાળામાં જ અમારી ગાયો મૃત્યુ પામી છે. ભાજપ સરકારે ગાયો પર બઉ રાજનીતિ કરી લીધી. શરમ આવે છે મને આ ભ્રષ્ટ ભાજપની સરકાર અને તેના નમાલા નેતાઓ ઉપર. ગાયો પર રાજનીતિ કરનારી ભાજપ, આજે હજારો ગાયોના મૃત્યુ પર મૌન છે.”
આગળ તેમણે જણાવ્યુ હતું ક, “આમ આદમી પાર્ટી તેમના નેતા અને કાર્યકર્તાઓ પાસેથી ફંડ ઉઘરાવીને વેક્સિનેશનની વ્યવસ્થા કરી લેશે, એટલે અમારી ભાજપ સરકારથી અપીલ છે કે, આમ આદમી પાર્ટીને ગાયો માટે મફતમાં વેક્સિનેશનની વ્યવસ્થા કરવાની છૂટ આપે જેના કારણે અમે લમ્પી વાયરસથી થતાં હજારો ગાયોના મૃત્યુ અટકાવી શકીયે.”








