Wednesday, February 18, 2026
HomeGujaratમોંઘવારી, GST અને CNG ગેસના ભાવ વધારા મુદ્દે ઈશુદાન ગઢવીની આંદોલન કરવાની...

મોંઘવારી, GST અને CNG ગેસના ભાવ વધારા મુદ્દે ઈશુદાન ગઢવીની આંદોલન કરવાની ચીમકી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: દેશમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. એક તરફ સરકારના મંત્રીઓ અને નેતાઓ મોંઘવારી અને બેરોજગારી મુદ્દે વાત કરવાનું ટાળી રહ્યા છે, ત્યારે બીજી તરફ વિપક્ષ દ્વારા સતત આ મુદ્દોને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે કોંગ્રેસ દ્વારા ‘ચાલો રાષ્ટ્રપતિ ભવન’ નામની એક યાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પીએમ હાઉસનો ઘેરવ પણ કરવાનો હતો. જોકે દિલ્હી પોલીસની સુરક્ષા નીતિના કારણે કોંગ્રેસનું આ આયોજન સફળ રહ્યું ન હતું. ત્યારે બીજી તરફ આજે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા મોંઘવારી, GST, CNGમાં ભાવ વધારો જેવી બાબતોને લઈને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે નેશનલ જોઇન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈશુદાન ગઢવીએ કેન્દ્રની અને ગુજરાતની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ઈશુદાન ગઢવીએ જણાવ્યુ હતું કે, “મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે, પરંતુ ભાજપને દૂધ-છાસથી લઈને ગરબાના પાસ પર GST લગાવવામાંથી ફુરસત નથી. પેટ્રોલ-ડીઝલ તો મોંઘુ હતું જ પણ હવે CNG અને LPGથી લઈને વીજળીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.”

- Advertisement -

ગરબાના પાસ ઉપર GST લગાવવા મુદ્દે તેમણે જણાવ્યુ હતું કે, “આટલી મોંઘવારી વચ્ચે પણ ભાજપે ગરબાના પાસ ઉપર 18% GST લગાવવાનો નિર્ણય કર્યો છે. આજે સમગ્ર ગુજરાત આ ખબર જાણીને દુઃખમાં છે. દેશ અને દુનિયામાં ગુજરાતની ઓળખ સમાન ગરબા છે અને તેના પર ગરબા પ્રેમીઓની લાગણી દુભાવતો નિર્ણય ભાજપે લીધો છે. ગરબાના પાસ પર GST લગાવવાના નિર્ણય પર ખેલૈયાઓથી લઈને દરેક ગુજરાતી અને માની આરાધના કરનાર દરેક દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. ભાજપ સરકારનું કહેવું છે કે ગરબાનું આયોજન કરવા વાળા રૂપિયા કમાય છે એટલે અમે તેના પર GST લગાવીએ છીએ, પણ રૂપિયા તો IPL વાળા પણ કમાય છે તો એમના પર GST કેમ નહિ? પણ ગુજરાતના લોકોનું અપમાન કરવા માટે જ ભાજપે ગરબા પર GST લગાવવાનો નિર્ણય લીધો છે.”

આગળ તેમણે તાજેતરમાં CNGમાં થયેલા ભાવ વધારા ઉપર કહ્યું હતું કે, “CNG ગેસની કિંમતોમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ફેબ્રુઆરી 2021માં CNGનો ભાવ 49.40 રૂપિયા હતો, પરંતુ અત્યારે CNGના પ્રતિકિલો ભાવમાં પહેલા રૂ.1.99નો વધારો અને ત્યારબાદ બે જ દિવસમાં બીજી વાર રૂ.1.49નો વધારો થવા સાથે એમ કુલ રૂ.3.48નો ભાવ વધારો થવાથી CNG નો ભાવ 83.90 રૂપિયાથી વધીને 89.37 રૂપિયા થયો છે. સતત આ પ્રકારના ભાવવધારાના કારણે ગાડીમાં CNG કીટ ફીટ કરાવનારા લોકોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે.”

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “કાર અને રિક્ષાચાલકોએ સસ્તાં CNG  ભાવના લીધે CNG કીટ ફીટ કરાવી હતી. CNG કીટ પાછળ રૂપિયા 25 હજારથી લઇ પાંચ લાખ સુધીનો ખર્ચ કર્યો હતો. હવે CNGના ભાવ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતની આસપાસ પહોંચી ગયા છે. CNG અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં હવે માત્ર 10 રૂપિયાનો તફાવત છે.”

- Advertisement -

તેમણે આંદોલનની ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, “આમ આદમી પાર્ટીની ભાજપ સરકારને અપીલ છે કે, જો CNGના ભાવમાં ઘટાડો નહિ કરવામાં આવ્યો અને મોંઘવારી પર લગામના લગાવવામાં આવી તો જનતાની સુવિધાઓ માટે આમ આદમી પાર્ટી શાંત નહિ બેસે, અમે લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન કરશું.”

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular