નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: રાજ્યમાં કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયા પર વર્દી સાથેના મનોરંજક વીડિયો બનાવી મુકવાનું ચલણ વધી રહ્યું છે. ત્યારે આ પ્રકારના વીડિયોને લઈ પોલીસ વિભાગના કેટલાક કર્મચારીઓ વિવાદમાં પણ ઘેરાઈ ચૂક્યા છે. જેના પગલે અગાઉ પણ પોલીસ વડા દ્વારા પોલીસ કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા (Social Media)ને લઈ આચારસંહિતા જાહેર કરવામાં આવી હતી. પરંતુ છતાં પણ કેટલાક કિસ્સાઓમાં આચારસંહિતાનું પાલન ન થતું હોય તેવું સામે આવી રહ્યું હતું. ત્યારે આજરોજ ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે (DGP Vikas Sahay) તમામ જિલ્લાના પોલીસ વડા અને આઈ.જી. સહિતના પોલીસ વડાઓને પત્ર જાહેર કરી પોલીસકર્મીઓને સોશિયલ મીડિયાના દુર ઉપયોગ અને વર્દીમાં મનોરંજક સામગ્રી પર રોક લગાવવા કાર્યવાહી કરવા જણાવ્યું છે.
આજરોજ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આઈ.જી. જિલ્લાના પોલીસ વડાઓ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પત્ર લખી સોશિયલ મીડિયા અંગેની આચાર સંહિતાનું પાલન કરવા સૂચન કર્યું છે. આ પત્રમાં પોલીસ વડાએ જણાવ્યું છે કે, પોલીસ વડાની કચેરી દ્વારા જૂન મહિનામાં પોલીસ વિભાગ માટે આચારસંહિતા 2023નો એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતે આચાર સંહિતા જાહેર કરી તેનું ચુસ્ત પણે પાલન કરવા જણાવ્યું હતું. પરંતુ આ પરિપત્રનું ચુસ્ત પણે પાલન નહીં થતું હોવાનું સામે આવ્યું છે. તેમજ કેટલાક પોલીસ અધિકારી અને કર્મચારીઓ ફરજ પર તેમજ ફરજ સિવાયના સમયે સોશિયલ મીડિયા પર વર્દી પહેરીને રિલ્સ અને વીડિયો બનાવી મુકી રહ્યા છે. આમ કરવાથી પોલીસની છબી કલંકિત થતી હોવાનું જણાવી પોલીસ વડાએ આ પત્ર લખી અગાઉ જાહેર કરેલી આચારસંહિતાનું ચૂસ્ત પણે પાલન કરવા માટે જિલ્લાના પોલીસ વડા અને રેન્જ આઈ.જી. સહિતનાઓને સૂચન કર્યું છે.
મહત્વની વાત છે કે, પોલીસ વડા વિકાસ સહાયના આ પત્રમાં જણાવાયું છે કે, જો કોઈ પણ પોલીસ અધિકારી કે કર્મચારી સોશિયલ મીડિયા અંગેની આચાર સંહિતાનો ભંગ કરે છે તો ત્વરીત તેમના વિરૂધ્ધ પગલા લેવા. તદ્ઉપરાંત આ કાર્યવાહીની જાણ ડી.જી.પી. (પોલીસ વડા)ની કચેરી ખાતે પણ કરવા આ પત્રમાં જણાવાયું છે. આમ હવે પોલીસ વિભાગના કોઈ અધિકારી કે કર્મચારી સોશિયલ મીડિયા પર વર્દી પહેરીને રિલ્સ કે વીડિયો બનાવી મનોરંજન કરવા જશે તો તેમના વિરૂધ્ધ કાર્યવાહી થઈ શકે છે.








