નવજીવન ન્યૂઝ. મોરબી: મોરબીમાં દુર્ઘટના બાદ મોરબીની સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે મૃતદેહોના ઢગલાઓ પડ્યા હતા તે જગ્યા પર કલરકામ ચાલુ કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાતે જવાની જાહેરાત બાદ તંત્ર દ્વારા હોસ્પિટલને નવી બનાવવા કલર કામ કરવામાં આવી રહ્યુ છે. બીજી બાજુ હોસ્પિટલમાં એલ્યુમિનિયમ સેક્શનના નાનાં નાનાં રૂમ પણ બનાવવામાં આવી રહ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદી આજે મોરીબી દુર્ઘટના પીડીતોની મુલાકાત લેવા માટે જવાના છે. પુલ તુટવાના બનાવમાં સરકારી આંકડા મુજબ 134ના મોત નિપજ્યા છે. ત્યારે મૃતકોના પરિવારને સાંત્વના પાઠવ પણ પીએમ મોદી જઈ શકે છે. ત્યારે હોસ્પિટલમાં રોતોરાત કલરકામ કરવામાં આવતા વિપક્ષ પાર્ટી દ્વારા આકરી ટીકા કરવામાં આવી રહી છે. મચ્છુ નદી પર કેબલ સસ્પેન્શન બ્રિજ ધરાશાયી થતા જીવલેણ અકસ્માત બાદ વડાપ્રધાન આજે મોરબી આવવાના છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા 134 લોકોમાંથી 47 બાળકો હતા. 100 થી વધુ ઘાયલોની સારવાર ચાલી રહી છે, અને તેમાંથી ઘણાને મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગઈકાલ રાત્રથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે હોસ્પિટલનો ‘લુક’ ચેન્જ કરવામાં આવી રહ્યો છે, નવા વોટર કૂલર સ્થાપિત કરવામાં આવ્યા હતા. બે વોર્ડમાં પલંગની ચાદર પણ બદલવામાં આવી હતી, જ્યાં પુલ અકસ્માતમાં ઘાયલ થયેલા 13 જેટલા લોકો દાખલ છે. મોડી રાત્રે ઘણા લોકો આખા કેમ્પસમાં સફાઈ કરતા જોવા મળ્યા હતા. જૂના કુલર અને ક્ષતિગ્રસ્ત દિવાલો અને છતનું સમારકામ કરવામાં આવ્યું હતું. આજે PM મોદી થોડા કલાકો પછી ત્યાં પહોંચવાના છે. કેટલીક દિવાલો અને છતના ભાગોને ફરીથી રંગવામાં આવ્યા હતા.
આવા ‘રિનોવેશન’ સામાન્ય રીતે ટોચના સરકારી અધિકારીઓની મુલાકાતો પહેલાં હાથ ધરવામાં આવે છે, વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી પર વડાપ્રધાનના ‘ફોટોશૂટ’ને સુનિશ્ચિત કરવા માટે ‘ઇવેન્ટ મેનેજમેન્ટ’માં વ્યસ્ત હોવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે ટ્વીટ કર્યું છે કે, “કાલે પીએમ મોદી મોરબીની સિવિલ હોસ્પિટલમાં જશે… તે પહેલા ત્યાં કલરનું કામ ચાલી રહ્યું છે… ચમકતી ટાઈલ્સ લગાવવામાં આવી રહી છે… પીએમ મોદીની તસવીરમાં કોઈ કમી ન હોવી જોઈએ, તેના માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે… તેમને શરમ નથી…! આટલા લોકોના મોત થયા છે અને તેઓ ઘટનાક્રમમાં વ્યસ્ત છે…” ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં એક મોટી શક્તિ તરીકે ઉભરી આવવા માટે સખત પ્રયાસ કરી રહેલી આમ આદમી પાર્ટીએ ‘રિનોવેશન’ની તસવીરો પણ ટ્વીટ કરી લખ્યું હતું કે, “કાલે પીએમના ફોટોશૂટમાં કોઈ કમી ન રહે, તેથી હોસ્પિટલનું સમારકામ કરવામાં આવી રહ્યું છે… જો ભાજપે 27 વર્ષમાં કામ કર્યું હોત, તો અડધી રાતે હોસ્પિટલને ચમકાવાની જરૂર ન પડી હોત.








