નવજીવન ન્યૂઝ. મહેસાણા: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ આવિરત વરસી રહ્યો છે, ત્યારે સરકારના ઘણા વિકાસના કામોની પોલ આ વરસાદે ખોલી નાખી છે. ગુજરાતનાં મોટા મોટા શહેરોમાં કોર્પોરેશનની પ્રિ મોનસૂન કાર્યવાહીમાં ઠેર ઠેર ખાડા પડ્યા છે, ત્યારે હવે સોશિયલ મીડિયામાં એક વીડિયો અત્યંત ઝડપી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તાજેતરમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલા સરદાર પટેલ અંડરપાસમાં પાણી ભરાયું છે. લોકો આ વીડિયો પોસ્ટ કરીને લખી રહ્યા છે કે સરકારે કરોડો રૂપિયાના ખર્ચે મહેસાણામાં વોટરપાર્ક બનાવ્યું છે.
ગત 21 જુલાઈના રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મહેસાણામાં આ સરદાર પટેલ અંડરપાસનું ઉદ્ઘાટન કરીને સામાન્ય જનતા માટે લોકાર્પણ કર્યું હતું. આ અંડરપાસ બનાવાવ માટે સરકારે અંદાજિત 147 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. લોકાર્પણ થયાના માત્ર 4 જ દિવસમાં આ અંડરપાસ વોટરપાર્કમાં પરિવર્તિત થઈ ગયો છે. લોકોની સવલત માટે જે અંડરપાસ બનાવવામાં આવ્યો હતો તેમાંથી હવે એક પણ વાહન પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી.
147 કરોડના ખર્ચે જે અંડરપાસ બનાવવામાં આવ્યો છે તેમાં પાણી ભરાઈ જતાં પાણીનો નિકાલ થઈ શકે તેવી પણ સગવડ જો ન કરવામાં આવી હોય તો આ અંડરપાસ બનાવનારા ઇજનેરની નિષ્ફળતા કહેવાય. સંબંધિત સરકારી વિભાગો દ્વારા વિકાસના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેવો પણ લોકો આક્ષેપ લગાવી રહ્યા છે. સ્થાનિક લોકોને પડી રહેલી અગવડતાને કારણે સ્થાનિકો મોટા પાયે રોષ વ્યક્ત કરી રહ્યા છે. વીડિયોની કોમેન્ટમાં લોકો લોકો કહી રહ્યા છે કે અંડરપાસ બનાવતા સમયે પાઇપ લાગવાનુ ભૂલી ગયા છે.
જો કે ભાજપના નેતાઓ દ્વારા તેવા પણ ફોટોસ મૂકવામાં આવ્યા છે કે આ રોડ ઉપર થોડા સમય માટે પાણી ભરાયું હતું જે પાણીનો હાલ નિકાલ થઈ ગયો છે અને રોડ ફરીથી શરૂ થઈ ગયો છે. રોડ ભલે ફરી શરૂ થઈ ગયો હોય પણ 4 દિવસ અગાઉ બનેલા આ અંડરપાસમાં પાણી ભરાય અને લોકોને અગવડ પડે તે આપણે સ્વીકારી લેવું જોઈએ? નવા બનેલા બાંધકામમાં એટલી તો સુવિધા હોવી જોઈએ કે લોકોની જે સવલત માટે આ અંડરપાસનું નિર્માણ થયું છે તે અટકે નહીં.








