નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાત સહિત દેશના 11 રાજ્યોને બમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યા ઈમેઈલ કરીને ઈમરજન્સી સેવાઓ ઉપરાંત લોકોના શ્વાસ અધ્ધર કરી લેનારી એક યુવતીની પોલીસે આખરે ધરપકડ કરી છે પરંતુ અહીં ચોંકાવનારી વાત એ છે કે આ યુવતી પોલીસ કસ્ટડીમાં હોવા છતા આજે તેના જ ઈમેઈલ પરથી ગુજરાત હાઈકોર્ટને ધમકી મળી હોવાની આશંકા છે. આપને જણાવી દઈએ કે આ એ જ યુવતી છે જેણે અમદાવાદમાં પ્લેન ક્રેશ કર્યાની જવાબદારી સ્વીકારી હતી. જોકે પોલીસનું માનવું છે કે આ યુવતીના નામે કોઈએ મેઈલ કર્યો હોઈ શકે છે.
ચેન્નાઈની રહેવાસી અને રોબોટિક્સનો અભ્યાસ કરી ચુકેલી રેની જોસિલ્દા નામની યુવતીએ માત્ર અમદાવાદને જ 21 ધમકી ભર્યા મેઈલ કર્યા હતા. સતત ધમકી ભર્યા મેઈલના માહોલ વચ્ચે ગત રોજ વડોદરાની નવરચના સ્કૂલ અને આજે વડોદરામાં આવેલી ગુજરાત રિફાઈનરીને બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. ઉપરાંત અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટને પણ બોમ્બથી ફૂંકી મારવાનો ઈમેઈલ મળ્યો છે.
પણ અહીં સવાલ એ છે કે 9 જૂને ગુજરાત હાઈકોર્ટને મળેલો મેઈલ કે રાજકોટના મેઈલ અંગે કોઈ સ્પષ્ટતા મળી રહી નથી. પોલીસની તપાસ ચાલી રહી છે. પણ અહીં ઉલ્લેખનીય છે કે 24 જૂન એટલે કે આજે સવારે 7.55 વાગ્યે ગુજરાત હાઈકોર્ટેને ઉડાવી દેવાનો જે મેઈલ મળ્યો હતો તે રેની જોશિલ્દાના renee_joshilda@hotmail.com ના મેઈલ એડ્રેસ પરથી આવ્યો હતો. તે cpc_guj@aij.gov.in અને rg_hi_guj@nic.in મેઈલ કરવામાં આવ્યો હતો. જેમાં હાઈકોર્ટમાં ત્રણ આરડીએક્સ, આઈઈડી આધારિત બોમ્બ હોવાનું અને વીઆઈપી લોકોને નિશાન બનાવ્યા હોવાનું કહેવામાં આવ્યું હતું એટલું જ નહીં ગુજરાતની તમામ કોર્ટમાં આઈઈડી મુકવામાં આવ્યાની વાત પણ કરી હતી.
ગુજરાત હાઈકોર્ટને મળેલી આ ધમકીને પગલે પોલીસને તુરંત એલર્ટ કરાઈ પરંતુ ચીફ જસ્ટિસ દ્વારા આ વખતે કોર્ટને ખાલી કરવાનો ઈનકાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે અગાઉના ધમકી ભર્યા મેઈલ વખતે કોર્ટનું કામકાજ બંધ કરીને કોર્ટ ખાલી કરવાની ફરજ પડી હતી. જ્યારે આ વખતે ચીફ જસ્ટિસ દ્વારા કોર્ટ ખાલી કરવાનો ઈનકાર કરી દેવાયો છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ 23મી તારીખે ગુજરાત સહિતના દેશના 11 રાજ્યોમાં વિવિધ સ્થાનો પર બ્લાસ્ટ કરવાની ધમકી આપનારા આરોપીની અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચેન્નાઈથી ધરપકડ કરી લેવામાં આવી છે. આ એ જ યુવતી છે રેની જેસિલ્ડાઃ આ રેનીના જ ઈમેઈલ આઈડીથી આ નવો ઈમેઈલ આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે પોલીસ તેની પુષ્ટી કરી રહી નથી. એવી આશંકા હતી કે યુવતીએ ઈમેઈલને શેડ્યૂલ કરેલો હોઈ શકે છે. પણ અહીં તપાસ એજન્સીનું માનવું છે કે યુવતીએ કોઈ મેઈલ શિડ્યુલ કરેલો નથી પણ તે યુવતીના નામે કોઈ અન્યએ મેઈલ કર્યો હોવાની સંભાવનાઓ વધારે છે.








