નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News : ગુજરાતમાં એક લાખથી વધારે કિડનીની બીમારીથી પીડીત દર્દીઓને આગામી ત્રણ દિવસ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કારણ કે ગુજરાતમાં PMJAY યોજના હેઠળ ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવતી ડાયાલિસિસ (dialysis) સર્વિસને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. PMJAY યોજના હેઠળ ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસની રકમમાં 17 ટકાનો ઘટાડો કરતાં નેફ્રોલોજી એસોસિએશન (Gujarat Nephrology Association) દ્વારા રાજ્યમાં સારવાર ત્રણ દિવસ બંધ રાખવાની જાહેરાત કરી છે. ખાનગી હોસ્પિટલમાં PMJAY યોજના હેઠળ ડાયાલિસિસની સારવાર ત્રણ દિવસ બંધ કરવામાં આવતા કિડનીની બીમારીથી પીડીત દર્દીઓને આગામી ત્રણ દિવસ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ગુજરાતમાં PMJAY યોજના અંતર્ગત ડાયાલિસિસ માટેની રકમ 2 હજારથી ઘટાડીને રૂપિયા 1650 રૂપિયા કરી દેવામાં આવી છે. જેના કારણે ડોક્ટર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાવ ઘટાડાને લઈને ગુજરાત નેફ્રોલોજી એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપીને વિરોધ નોંધાવ્યો છે. સાથે જ 14થી 16 ઓગસ્ટ સુઘીમાં PMJAY અંતર્ગત ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસ નહીં કરવા ફરમાન કરવામાં આવ્યું છે. રાજ્યમાં PMJAY અંતર્ગત વર્ષે 1.03 કરોડ લોકો ડાયાલિસિસ કરાવે છે. જેમાંથી 78 ટકા લોકો ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવે છે. ડાયાલિસિસ દરમાં છેલ્લા 8 વર્ષથી વધારો કરવામાં આવ્યો નથી, પરંતું અચાનક 17 ટકાનો ઘટાડો કરવામાં આવતા ડોક્ટર્સમાં નારાજગી જોવા મળી રહી છે.
PMJAY અંતર્ગત ડાયાલિસિસ કરતા ટ્રસ્ટ અને ખાનગી હોસ્પિટલમાં ત્રણ દિવસની હડતાળ પડતાં દર્દીની હાલત ગુજરાત સરકાર ચિંતામાં મુકાઈ છે. જેના કારણે અમદાવાદમાં આવેલી કિડની હોસ્પિટલના નિયામક દ્વારા રાજ્યના તમામ ડાયાલિસિસ ટેક્નિશિયનને પત્ર લખીને સતર્ક કરવામાં આવ્યા છે. જેમાં જણાવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા PMJAY અંતર્ગત પ્રતિ ડાયાલિસિસ આપવામાં આવતી રકમમાં ઘટાડો કર્યો છે, જેના વિરોધમાં ગુજરાતભરના પ્રાઈવેટ અને ટ્રસ્ટ સંચાલિત સેન્ટરો પર ત્રણ દિવસની હડતાળ રાખવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન દર્દીને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી આ સમયગાળા દરમિયાન જે કોઈ પણ દર્દી ડાયાલિસિસ માટે આપણા સેન્ટર પર આવે તો તેમનું ડાયાલિસિસ કરી આપવું. આ દરમિયાન જરૂર પડે તો મોડે સુધી સેન્ટર કાર્યરત રાખીને પણ ડાયાલિસિસ જરૂરૂયાતમંદ કોઈ પણ દર્દી તકલીફમા ન મુકાય એની કાળજી રાખીએ, જો હડતાળ આગળ લંબાઈ તો પણ જે તે સમયગાળા સુધી દર્દીઓની સેવા માટે કટીબધ્ધાતા દાખવી.
ગુજરાતમાં ડાયાલિસીસની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે મીડિયાને સંબોધતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, PMJAY અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ માટે ગુજરાત સરકારે રૂપિયા 1650 પ્રતિ ડાયાલિસીસ તેમજ રૂપિયા 300 આવવા-જવાનું ભાડું આમ કુલ રૂપિયા 1950 નક્કી કર્યા છે. નેશનલ હેલ્થ ઓથોરિટી પ્રમાણે દેશના અન્ય રાજ્યોમાં PMJAY અંતર્ગત એમ્પેન્લડ હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે અપાતી રકમ સરેરાશ રૂપિયા 1500 છે. ડાયાલિસીસ કરાવતા રાજ્યના એક પણ દર્દીને હાલાકી ભોગવવી પડે નહીં તેવુ સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે કર્યું છે. એ-વન ડાયાલિલીસ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારે તાલુકા સ્તર સુધી કુલ 272 જેટલા નિ:શુલ્ક ડાયાલિસીસ કેન્દ્રો કાર્યરત કર્યા છે. રાજ્યની સિવિલ હોસ્પિટલ્સમાં પણ નિ:શુલ્ક ડાયલિસીસની સેવા આપવામાં આવી રહી છે. રાજ્યમાં સરેરાશ પ્રતિમાસ 1 લાખ જેટલા ડાયાલિસીસ આ કેન્દ્રો પર કરવામાં આવે છે. PMJAY એમ્પેન્લ્ડ હોસ્પિટલમા ડાયાલિસીસના પ્રવર્તમાન દર દેશના અન્ય રાજ્યોમાં આપવામાં આવતા સરેરાશ દર કરતા પણ વધારે છે. વધુમાં રાજ્યમાં કોઇપણ દર્દીને આયુષ્માન યોજના અતંર્ગત ડાયાલિસીસ કરાવવામાં અગવડ પડે તો તેની ફરિયાદ અને જરુરી માહિતી માટે રાજ્ય સરકારે 1800 233 1022 /9059191905 હેલ્પલાઇન સેવા શરૂ કરી છે.








