નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ વિધાનસભા ઉમેદવારના નામ સાથેની 15મી યાદી આજોરોજ જાહેર કરી હતી. જેમાં મોટી વાત સામે આવી છે કે, માતર બેઠકના ઉમેદવારને બદલવામાં આવ્યા છે. જેના કારણે માતર બેઠક પર આમ આદમી પાર્ટીનું રાજકારણ ટલ્લે ચઢ્યું હોય તેમ જણાય છે.
આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાસભાની ચૂંટણીના ઉમેદવારની 15મી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 3 બેઠકો પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સીધ્ધપુર બેઠક પરથી મહેન્દ્ર રાજપૂત, ઉધના બેઠક પરથી મહેન્દ્ર પાટીલ અને માતર બેઠક પરથી મહિપતસિંહનું નામ બદલી લાલજી પરમારના નામની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લાની માતર બેઠક પરથી મહિપતસિંહ ચૌહાણનું નામ આમ આદમી પાર્ટી અગાઉ પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરી ચૂકી છે. ત્યારે હવે 15મી યાદીમાં માતર બેઠક પરથી ઉમેદવાર તરીકે મહિપતસિંહનું નામ હટાવી લાલજી પરમારને ઉમેદવાર બનાવી દેવાયા છે. મહત્વની વાત છે કે, મહિપતસિંહ ચૌહાણે ફેસબુક પર લાઈવના માધ્યમથી જણાવ્યું હતું કે, તેઓ આમ આદમી પાર્ટી પર દારોમાદાર નથી રાખતા માટે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી સંગ્રામમાં ઝંપલાવશે. સાથે જ તેમણે તેવું પણ કહ્યું કે હવે મહિતપતસિંહ માત્ર માતર જ નહીં પણ ખંભાતથી પણ અપક્ષ ઉમેદવારી નોંધવી ચૂંટણી લડશે. આ પ્રથમ વખત નથી કે મહિપતસિંહ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગજગ્રાહ થયો હોય અગાઉ પણ મહિપતસિંહ આમ આદમી પાર્ટીમાં સામેલ થયાના થોડા જ દિવસોમાં રાજીનામું ધરી પાર્ટીને અલવિદા કહી ચૂક્યા છે.








