Thursday, March 28, 2024
HomeGeneralમારી દિકરીને મેં પુછયુ તારે ભણવા માટે વિદેશ જવુ છે, તેણે કહ્યુ...

મારી દિકરીને મેં પુછયુ તારે ભણવા માટે વિદેશ જવુ છે, તેણે કહ્યુ તમને તાવ પણ આવે અને કલાકમાં આવી પહોંચુ એટલા જ દુર જવુ છે

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન. અમદાવાદ): મારા એક પત્રકાર મિત્ર, પત્રકારત્વમાં તેમનું બહુ મોટુ નામ , સચિવાયલમાં મુખ્યમંત્રીથી લઈ મંત્રી સુધી કોઈની પણ ચેમ્બરમાં તેઓ રજા વગર પ્રવેશ કરી શકતા હતા. તેમનો દિકરો ભણવામાં ખુબ હોશીયાર ડૉકટર થયો, વધુ અભ્યાસ માટે વિદેશ ગયો, પુત્રને વિદેશ મોકલવા માટે પિતા તરીકે પોતાની પાસે હતુ તે બધુ જ તેમણે આપ્યુ, દિકરો વિદેશ ગયો ખુબ ભણ્યો અને મોટો ડૉકટર થયો. અમદાવાદમાં રહેતા માતા પિતાને પહેલા રોજ ફોન કરતો પછી અઠવાડીયે એક વખત અને પછી મહિને એક વખત ફોન કરતો હતો. માતા પિતાની ખુબ કાળજી દરમહિને તેમને પૈસા પણ મોકલી આપતો, વર્ષમાં એકાદ વખત ભારત પ્રવાસ પણ કરે, પણ દિકરાની વિદેશમાં પ્રેકટીસ એટલી સારી ચાલે કે જે પહેલા વર્ષે આવતો તેનો ગાળો લાંબો થવા લાગ્યો. માતા પિતા અનેક વખત કહેતા કે ભાઈ હવે દેશ પાછો ફર આપણે અહિયા હોસ્પિટલ શરૂ કરીશુ પણ તે કહેતો ભારતમાં અહિયા જેવી સગવડ અને વ્યવસ્થા નથી.




દિકરાએ વિદેશમાં જ લગ્ન કર્યા, દિકરાના લગ્નમાં માતા પિતા જઈ શકયા નહીં પણ તુ જયાં રહે ત્યાં ખુશ રહેજે જેવા આશીવાર્દ અતકરણપુર્વક આપ્યા. પિતાની ઉમંર આગળ વધી રહી હતી એક દિવસ દિકરો ભારત પાછો ફરશે તેવી આશામાં સુઈ ગયેલા પિતા સવારે ઉઠયા જ નહીં, એકનો એક દિકરો એટલે અમે તેના દિકરાને જાણ કરી કે તારા પિતા હવે રહ્યા નથી, તુ કયારે ભારત આવવા નિકળીશ, ત્યાં સુધી તેમનો દેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખીશુ, તેણે એક ક્ષણ વિચાર કર્યો અને કહ્યુ હમણાં પોસીબલ થશે નહીં કારણે લીવનો મોટો પ્રોબ્લેમ છે. તમે અગ્ની સંસ્કાર કરી નાખો જે ખર્ચ થાય તે હું તમને મોકલી આપીશ, અને અમે દિકરાની ઈચ્છા પુરી. આવી એક ઘટના નથી, ભારતના દરેક શહેરોમાં આવા હજારો પરિવાર રહે છે, જેમના ઘરમાં વૃધ્ધ માતા પિતા છે, અને સંતાનો વિદેશમાં છે.આવી એકસો ઘટનાઓ હું ઓફિસની બહાર નિકળ્યા વગર લખી શકુ છુ, અહિયા સવાલ એવો છે કે આપણે આપણો દેશ કેમ છોડી રહ્યા છીએ.

- Advertisement -

સારૂ શિક્ષણ મળે અને ખુબ પૈસા મળે તે બાબત સારી છે, કદાચ વિદેશ જતા અથવા જવા માગતા લોકો પાસે આ જ દલીલ છે, આ દલીલ ખોટી પણ નથી, વિદેશમાં ભણવા જવુ અને ત્યાં કામ કરવુ પણ સારી બાબત છે,પણ જેને આપણે વૈભવી દુનિયા સમજીએ છીએ તે વૈભવ મેળવવા માટે આપણે કેટલુ બધુ છોડી રહ્યા છીએ તેનો આપણે વિચાર કરતા નથી. ગુજરાતના કલોલ પાસેના એક નાનકડા ગામમાં રહેતા પટેલ પરિવારના ચાર સભ્યો કેનેડા ગયા અને ત્યાંથી સરહદ પાર કરી અમેરીકા જતી વખતે ભારે હિમવર્ષમાં માર્યા ગયા આ કેટલી દુખદ ઘટના છે,. આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાતના પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ કહે છે કે દેશમાં તકનો અભાવ છે એટલે લોકો અમેરીકા જાય છે. આ બાબત ઉપર હું કોઈ રાજકિય ચર્ચા કરવા માગતો નથી, પરંતુ ભારતમાં તક નથી તે બાબત સાથે પણ હું સંમત્ત નથી, અહિયા આપણે જયારે તકનો અભાવ કહીએ છીએ, ત્યારે હું એવા અનેકોને ઓળખુ છે કે ભારતમાં જે કામ કરતા તેમને શરમ આવે તેવા કામ તેઓ ત્યાં ઉત્સાહભેર કરે છે.



મારે બે સંતાનો છે, મારી પત્નીને પણ સતત એવુ થતુ કે સંતાનો વિદેશ જાય ત્યાં ભણે અને ત્યાં નોકરી કરે, જો કે આ મત સાથે હું જરા પણ સંમત્ત ન્હોતો. મારા દિકરાએ જયારે તેનું ગ્રેજયુએશન પુરૂ કર્યુ ત્યારે મેં તેને પુછયુ કે તારે વિદેશ જવુ છે તેણે મને જવાબ આપ્યો કે જો હું ભારતમાં મહિને લાખ રૂપિયા કમાવી લઉ તો અમેરીકા જેવી જ જીંદગી છે અને તમારી અને મિત્રો સાથે રહી શકુ તે મારૂ બોનસ છે, આજે મારો દિકરો એક સરકારી બેન્કમાં અધિકારી છે, હવે દિકરી મોટી થઈ, ફરી તે પ્રશ્ન આવ્યો ફોરેન જવુ છે, તેણે મને બહુ સરસ ઉત્તર આપ્યો તેણે કહ્યુ તમને અને મમ્મીને તાવ પણ આવે અને હું તમારી પાસે એક કલાકમાં પહોંચી જઉ બસ એટલા જ દુર જવુ છે, મેં મારી દિકરીને કહ્યુ માત્ર ભણવા જવાની વાત કરૂ છુ, તેણે કહ્યુ એક વખત ત્યાં જઈશ તો મને ગમી જશે કદાચ હું પાછી ફરીશ નહીં અને ત્યાં બધુ મળ્યા પછી જો તમે મારી સાથે ના હોવ તો મને તે ખુંચ્યા કરશે તેના કરતા ત્યાં જવુ જ નથી મારા બંન્ને સંતાનની આ સમજ માટે હું તેમનો અને ઈશ્વરનો રૂણી છુ.

- Advertisement -

જે લોકો વિદેશમાં સ્થાઈ થયા છે, તેમની પાસે અઢળક સંપત્તી, મોટા રસ્તાઓ, મોટી કાર મોટા મોલ છે, તેઓ પોતાને ખુશ દેખાડવાનો પ્રયત્ન કરે છે, તેમને આનંદમાં રહેવા કારણ શોધવુ પડે છે,.પણ મનમાં એક ખાલીપો છે, મારા મિત્ર છે પહેલા સરકારી અધિકારી હતા, નિવૃત્ત થઈ ગયા, તેમના સંતાનો વિદેશમાં સ્થાઈ થયા હોવાને કારણે વર્ષમાં દસ મહિના ત્યાં રહે છે, બે મહિના ભારત આવે છે, થોડા દિવસ પહેલા મને એકદમ ચ્હાની કીટલી ઉપર ભેગા થઈ ગયા, ઘણા લાંબા સમય પછી મળ્યા, મેં તેમને પુછયુ અમેરીકામાં મઝા આવે છે, તેમના ચહેરા ઉપર સુચક સ્મીત આવ્યુ તેમણે કહ્યુ મઝા શોધવી પડે છે. પછી ચ્હાની કીટલી તરફ ઈશારો કરતા કહ્યુ કીટલી બહુ મીસ કરુ છુ ત્યાં કોઈ મિત્રને ફોન કરી કહી શકતો નથી ચાલ દસ મિનીટમાં મળીએ, જયારે ભારત આવુ છુ ત્યારે લાગે છે મારા સ્વર્ગમાં પાછો ફર્યો છે, આવી સ્થિતિ મોટા ભાગના લોકોની છે, પણ તેમની સમસ્યા એવી છે કે વિદેશમાં તેમણે પોતાનો પથારો પાથરી દીધો છે,હવે તેને સમેટી ભારત પાછા ફરવાની હિમંત થતી નથી



જેઓ પોતાની યુવાનીમાં ત્યાં ગયા છે, સારી નોકરી અને સારો ધંધો કર્યો તેમની પાસે એટલા પૈસા થઈ ગયા છે કે ભારત આવી આરામની જીંદગી જીવી શકાય તેમ છે, પણ તેમની સમસ્યા એવી છે તેમના વિદેશમાં જન્મેલા સંતાનો હવે ભારત આવવા તૈયાર નથી જેના કારણે તેઓ સંતાનને મુકી ભારત આવી શકતા નથી, અહિયા ભારતના ગામ અને શહેરમાં કોઈ માંદુ સાજુ હોયો તો વિડીયો કોલ કરવા અને પૈસા મોકલી પોતાની જવાબદારી પુરી કર્યાનો સંતોષ મેળવવો પડે છે. વિદેશ જવુ અને ત્યાં સ્થાઈ થવુ પણ ખરાબ નથી પણ તેના માટે આપણે કઈ કિમંત ચુકવીએ છીએ તેનો અંદાજ માંડતા નથી આપણે તો ગુજરાતીઓ વેપારી છીએ, પૈસા કમાવવામાં સંબંધની ખોટ કરીએ છીએ તેનો આંકડો માંડતા નથી. મારો એક મિત્ર ગેરકાયદે અમેરીકા ગયો, ચૌદ વર્ષે ભારત પાછો આવ્યો ત્યાં સુધી તેની પત્ની બાળકો સાથે એકલી રહી, આજે મારા મિત્રને લાગે છે તેણે કમાવેલા પૈસા તેની જીંદગીના ચૌદ વર્ષ તેને પાછા આપી શકશે નહીં. આવી અનેક કથાઓ છે જેમા મોટા ભાગની કથાના અંતમા વિષાદ સિવાય કઈ નથી.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular