નવજીવન. નવી દિલ્હીઃ દિલ્હી પોલીસ હેડક્વાર્ટર દ્વારા શ્રદ્ધા હત્યા કેસમાં વિશેષ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ શ્રદ્ધા હત્યા કેસને લઈને મૌખિક રીતે સંબંધિત વિભાગોને જારી કરવામાં આવ્યો છે. જેમાં દિલ્હી પોલીસના 15 જિલ્લાના 178 પોલીસ સ્ટેશનની પોલીસને જણાવવામાં આવ્યું છે કે, ગત મે મહિનાથી જુલાઈ સુધીમાં તેમના પોલીસ સ્ટેશન હેઠળ કેટલા અજાણ્યા મૃતદેહો કે તેના ટુકડા મળી આવ્યા છે અને તે મૃતદેહોની તપાસમાં શું સામે આવ્યું છે? આ કવાયત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે આફતાબે શ્રદ્ધાના મૃતદેહના ટુકડા અન્ય કોઈ જિલ્લામાં મોકલ્યા છે કે નહીં, તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને અન્ય સંગઠનોએ 27 વર્ષીય શ્રદ્ધા વાલકરની હત્યાના સંબંધમાં ગુરુવારે સાંજે દક્ષિણ દિલ્હીમાં કેન્ડલ માર્ચ કાઢી અને ધરપકડ કરાયેલા આરોપી આફતાબ અમીન પૂનાવાલાને ફાંસીની સજાની માગ કરવામાં હતી. દક્ષિણ દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં આઠ અલગ-અલગ સ્થળોએથી કાઢવામાં આવેલી કેન્ડલ માર્ચમાં ભાગ લેનારાઓએ “ગેરકાયદે ધર્માંતરણ અને લવ જેહાદ” સામે કડક કાયદો લાવવાની પણ માગ કરી હતી.
વીએચપીના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે જણાવ્યું હતું કે, “શ્રદ્ધા વાલકરની હત્યાથી ગુસ્સે થયેલા હિંદુ સમાજના લોકોએ શાંતિપૂર્ણ રીતે માર્ચ કાઢી હતી.” તેમણે કહ્યું કે કેન્ડલ માર્ચને વીએચપી અને અન્ય સંગઠનો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. પૂનાવાલાએ કથિત રીતે વાલકરનું ગળું દબાવીને હત્યા કરી હતી અને તેના શરીરના 35 ટુકડા કર્યા પછી, લગભગ ત્રણ અઠવાડિયા સુધી 300 લિટરના ફ્રીજમાં રાખ્યા હતા અને મધ્યરાત્રિ પછી ઘણા દિવસો સુધી શહેરના જુદા જુદા ભાગોમાં ફેંકી દીધા હતા. પોલીસે જણાવ્યું હતું કે બંને વચ્ચે ઘણીવાર નાણાકીય મુદ્દાઓ પર ઝઘડો થતો હતો અને એવી શંકા છે કે આવા જ એક ઝઘડા દરમિયાન પૂનાવાલાએ 18 મેની સાંજે વાલકરની હત્યા કરી હતી.








