નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતના માર્ગ પર સતત વધી રહેલા રખડતાં ઢોરના ત્રાસ (Stray Cattle)ના કારણે અકસ્માતના બનાવમાં વધારો થતા મામલો ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)માં પહોંચ્યો હતો. અવારનવાર રખડતા ઢોરના કારણે નીર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજ્યના માર્ગો પર રખડતાં ઢોર સામે કાર્યવાહી કરવા તંત્રને આકારા પાણીએ આદેશ આપવામાં આવ્યો હતો. જોકે તંત્ર દ્વારા 24 કલાક ઢોર પકડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન કેટલીક જગ્યાએ ઢોર પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો હતો તો ક્યાંક ધાકધમકી પણ પશુના માલિક દ્વારા આપવામાં આવતી હતી.
ગુજરાતમાં રખડતાં ઢોરને પકડવાનું કામ કરતી ઢોર પાર્ટીને અવારનવાર પશુ માલિકોનો સામનો કરવો પડતો હતો. જોકે રાજ્યમાં પહેલીવાર પશુ માલિક દ્વારા ધમકી આપવા બાબતે કડક સજા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં ઢોર પાર્ટીને આપવામાં આવેલી ધમકી બાબતે સેસન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે પશુના માલિકને 2 વર્ષની સજા આપી છે. આ મામલે છેલ્લા 4 વર્ષથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.
અમદાવાદમાં વર્ષ 2019માં ઢોર પકતી વખતે ઢોર પાર્ટીના સેનેટરી ઈન્સ્પેક્ટરને પશુના માલિક દ્વારા ધમકી આપવામાં આવી હતી. આ મામલે છેલ્લા 4 વર્ષથી અમદાવાદ સેસન્સ કોર્ટમાં કેસ ચાલતો હતો. ત્યારે આજે કોર્ટમાં સેનેટરી ઈન્સ્પેક્ટરને મારી નાખવાની ધમકી આપ્યા હોવાનું પુરવાર થતાં કોર્ટે પશુના માલિકને ધમકી આપવા બદલ સજા ફટકારી છે.