નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તેવા ટાણે 39 કર્મચારીઓ વિરૂધ્ધ ધકપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પોલિંગ ઓફિસરથી લઇને પ્રિસાઈડિંગ ઓફિસર સુધીના કર્મચારીઓની અલગ-અલગ તાલીમ યોજાઇ રહી છે. આ તાલીમમાં હાજર નહીં રહેનારા કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ચૂંટણીનો માહલ જામ્યો છે. તેવામાં માત્ર રાજકીય પક્ષ અને નેતાઓની સાથે વહીવટી તંત્ર પણ તડામાર તૈયારમાં લાગી ગયું છે. આવા સમયે ચૂંટણીની ટ્રેનિંગ માટે હાજર ન રહેતા કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે કર્મચારી ચૂંટણીની ટ્રેનિંગમાં હાજર નથી રહ્યા તેમની સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેવા માટે 2700 કર્મીઓએ રજૂઆત કરી હતી.
અમદાવાદમાં ચૂંટણીની ટ્રેનિંગમાં હાજર ન રહેલા સરકારી બાબૂ સામે લોકપ્રતિનિધિ ધારાની કલમ 28 લગાવીને ધરપકડના વોરંટ ઈશ્યૂ કરવા અમદાવાદ કલેક્ટરે આદેશ આપ્યો છે. કલેક્ટરે જે-તે સંબંધિત પોલીસને ધરપકડની સૂચના આપી હતી. જેથી 39 સરકારી કર્મી સામે ધરપકડના વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યા છે. ટેલિકોમ, ઈન્સ્યોરન્સ અને ઈન્કમટેક્સ સેક્ટરના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ધરપકડના આદેશ છૂટતા 24 કર્મચારીઓ કામગીરી માટે હાજર થઈ ગયા હતા.
અમદાવાદ કલેક્ટર ધવલ પટેલના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં ચૂંટણી પ્રક્રિયા માટે 25 હજાર કર્મચારીઓની જરૂર પડતી હોય છે. જ્યારે આ વર્ષે ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેવા 2700 કર્મીએ રજૂઆત કરી હતી. જેમાં મુખ્યત્વે માતા-પિતાની તબિયત, લગ્ન પ્રસંગ, માંદગી અને ટ્રાન્સફર જેવા કારણો રજૂ કરવામાં આવ્યા હતા. જોકે આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જે સરકારી કર્મી સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યા છે તેમાંથી કેટલાક કર્મીઓ તો ટ્રાન્સફર થઈ ગયા છે, જ્યારે કેટલાકે અગાઉથી જ પૂર્વ મંજૂરી મેળવી લીધી હતી તેમ છતાં કેટલાક કર્મચારીઓ સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યા છે તેવા અહેવાલ મળી રહ્યા છે.








