નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ છે. આજે કોંગ્રેસ દ્વારા ગૃહમાંથી વોક આઉટ કરી દેવામાં આવ્યું હતું. વિપક્ષ દ્વારા અધ્યક્ષ પાસે લમ્પી વાયરસના પ્રકોપ મામલે ચર્ચા કરવાનો સમય માગવામાં આવ્યો હતો. જોકે અધ્યક્ષે સમય આપ્યો નહીં, જેને કારણે વિપક્ષ નારાજ થયું હતું અને ગૃહમાંથી વોક આઉટ કરી લીધું હતું.
ગુજરાત વિધાનસભાનું હાલ ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતમાં ઘણા આંદોલનો પણ ચાલી રહ્યા છે. સાથે જ વિપક્ષ પણ ચૂંટણી નજીક છે ત્યારે સરકારનો કાન આમળવાના સતત પ્રયત્નમાં રહ્યું હતું. આજે વિપક્ષે ગૃહમાંથી વોક આઉટ કરી લીધું છે. જેનું કારણ એવું છે કે વિપક્ષ દ્વારા આજે લમ્પી વાયરસના ગુજરાતમાં પ્રકોપ અને તેની અસરો મામલે ચર્ચા કરવાનો સમય માગવામાં આવ્યો હતો. જોકે અધ્યક્ષે તેમની માગણી ગ્રાહ્ય રાખી ન હતી. જેને કારણે ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. આખરે વિપક્ષને ચર્ચા કરવાનો સમય ન મળતા વોક આઉટ કરી લીધું હતું.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા સત્રમાંથી કોંગ્રેસના 12 સભ્યો જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમને સત્ર દરમિયાન ગુજરાત વિધાનસભાની સીડીઓમાં બેસીને અલગથી સત્ર ચલાવ્યું હતું. જેમાં કોઈએ સત્તાધારી પક્ષ તરીકેની ભૂમિકા ભજવી હતી તો કોઈએ વિપક્ષની ભૂમિકા ભજવી હતી. જેનો વીડિયો અહીં દર્શાવ્યો છે.