નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતનાં બોટાદમાં કથિત રીતે જે લઠ્ઠાકાંડ થયો તેને લઈને વિપક્ષ છેલ્લા બે દિવસથી ભાજપ ઉપર પ્રહાર કરી રહ્યું છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જેવી રીતે લઠ્ઠાકાંડ થયા છે તે જોતાં પોલીસ અને ગૃહ ખાતાની કામગીરી ઉપર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI અને યુવા વિંગ યુથ કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં લઠ્ઠાકાંડના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં NSUI દ્વારા દારૂની પોટલી લઈને વિરોધ કરવામાં આવ્યો જ્યારે યુથ કોંગ્રેસ દ્વારા ગૃહ રાજ્યમંત્રીનું પુતળું બાળીને વિરોધ કરવામાં આવ્યો હતો.
આજે અમદાવાદમા બે અલગ અલગ સ્થળોએ કોંગ્રેસની બે યુવા પાંખો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં NSUIના નેતાઓ અને કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને તેમણે જાહેરમાં જેમ દારૂનું વેચાણ થતું હોય તેમ દારૂની પોટલી લઈને વિરોધ કર્યો હતો. NSUIના નેતા સંજય નેતાએ જણાવ્યુ હતું કે, અમે જાહેરમાં દારૂ વેચાય છે તેમ વિરોધ કર્યો છે અને અમે ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે તેવી માગ કરીએ છે.
જ્યારે બીજી તરફ અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં કોંગ્રેસની યુવા પાંખ યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન એકંદરે ઉગ્ર હતું જેમાં યુથ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા જાહેરમાં ગૃહ રાજ્યમંત્રીનું પુતળું બાળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુથ કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનમાં યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા પણ હજાર રહ્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે, “બોટાદના લઠ્ઠાકાંડની ઘટના માટે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સીધી રીતે જવાબદાર છે. આજે દેશમાં ગુજરાત નશાનો અડ્ડો બની રહ્યું છે. વારંવાર હજારો કરોડના ડ્રગ્સ પકડાય છે અને ઠેર ઠેર દારુના અડ્ડા ધમધમી રહ્યા છે. ત્યારે ચોક્કસ પણે લાગી રહ્યું છે કે સરકાર યુવાનોને રોજગાર આપવાની જગ્યાએ નશાના રવાડે ચડાવી દેવા માંગે છે. યુથ કોંગ્રેસ આ મુદ્દે આક્રમકતાથી લડશે અને ગુજરાતના યુવાનોને જાગૃત કરશે.”
સામાન્ય રીતે જેમ કોઈ પણ સરકાર વિરોધી પ્રદર્શનમાં પોલીસ બળનો ઉપયોગ કરવામાં આવે છે તેવી જ રીતે આ બંને વિરોધ પ્રદર્શનમાં પણ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને બંને પ્રદર્શનમાં મોટા ભાગના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી હતી.








