પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): 90 ટકા સામાન્ય લોકોને પોલીસ સાથે ક્યારેય સીધો પનારો પડતો નથી, છતાં 100 ટકા લોકો એવું મને છે કે પોલીસથી દૂર રહેવું સારુ, પરંતુ રાજકોટના મૂળ રહેવાસી એક એન્જિનિયરના પરિવારમાં એક એવી ઘટના ઘટી કે જેમાં તેમણે પોલીસનો લેખિતમાં આભાર માન્યો. અમદાવાદનાં રિવરફ્રન્ટ ઉપર એન્જિનિયર અશ્વિન બસિયા નદીમાં જંપ લાવે તે પહેલા વાસણા પોલીસે બચાવી તેને પરિવારને સુપ્રત કર્યો હતો.
શુક્રવારના રોજ અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમને રાજકોટના દિનેશ બસિયાએ જાણકારી આપી હતી કે તેના મોટા ભાઈ ઈલેક્ટ્રીકલ એન્જિનિયર અશ્વિન બસિયાએ એક વોટ્સએપ મેસેજ કર્યો છે કે તે પોતાનું સ્કૂટી સાબરમતી રિવરફ્રન્ટ ઉપર મૂકી આત્મહત્યા કરવા જઇ રહ્યા છે. કંટ્રોલરૂમ દ્વારા આ મેસેજની જાણ વાસણાના પોલીસ ઈન્સ્પેકટર એમ.પી.ચૌધરીને કરવામાં આવી હતી. કંટ્રોલરૂમમાં આપવામાં આવેલા મોબાઈલ નંબરનું લોકેશન લેવાયું, ઈન્સ્પેકટર ચૌધરીએ તુરંત ડીસીપી બી.યુ.જાડેજાનો સંપર્ક કરી લોકેશન મેળવ્યું હતું.
આ લોકેશનના આધારે વાસણા પોલીસની ટીમ રિવરફ્રન્ટ પહોંચી હતી. વાસણા પોલીસની ટીમ રિવરફ્રન્ટ પહોંચી ત્યારે અશ્વિન બસિયા રિવરફ્રન્ટની પાળી ઉપર ઊભા રહી નદીમાં જંપ લાવવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ તેમને પકડીને નીચે ઉતારી લીધા હતા. વાસણા પોલીસે જ્યારે રાજકોટ ખાતે બસિયા પરિવારને આ બનાવની જાણ કરી ત્યારે બસિયા પરિવાર અમદાવાદ દોડી આવ્યો હતો. પોલીસના વ્યવહાર અને કાર્યપદ્ધતિ સામે લાખ વાંધા હોય તો પણ આવી એક નાનકડી ઘટના ખાખી ઉપરનો આપણો વિશ્વાસ અકબંધ રાખે છે.








