નવજીવન ન્યૂઝ.ગોધરા: ગોધરામાં આવેલા સોનીવાડ વિસ્તારની એક આંગડિયા પેઢીના રોકડ રુપિયા સહીત અન્ય મળીને 47 લાખના મુદ્દામાલની ચોરીનો ભેદ ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ અને એલસીબીની ટીમે સંયુક્ત ઓપરેશન દ્વારા ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી એક આંગડીયા પેઢીના કર્મચારી સહીત 3 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે ઝડપાયેલા તમામ સામે કાર્યવાહી હાથ ધરી તેમને કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરી છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના સોનીવાડમાં મહેન્દ્ર સોમાભાઈ પટેલની આંગડિયા પેઢી આવેલી છે. આ આંગડિયા પેઢીની રોકડ રકમ તેમજ અન્ય મત્તા મળી 47 લાખની વસ્તુઓ ચોરાયાનો ગુનો ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકે નોંધાયો હતો. આ ઘટના સામે આવતા જ પોલીસની ટીમ એકશનમાં આવી હતી. જેમાં પંચમહાલ એલસીબી અને બી-ડીવીઝન પોલીસની ટીમ તાત્કાલીક પગલા લઈને એકશન લીધા હતા.
પોલીસે ટેક્નીકલ સર્વેલન્સ તેમજ સીસીટીવી સહીતની વિગતો તપાસ કરી હતી. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. શહેરા તાલુકાના તરસંગ ગામનો ઈસમ મેહુલસિંહ સોલંકીની સંડોવણી સામે આવી હતી, જે આગંડિયા પેઢીમાં જ કામ કરતો હતો. તેને તેના એક મિત્રની દર્શન સોનીની સાથે મળીને ષડયંત્ર ઘડી કાઢ્યું હતું અને દર્શનના મોડાસા ખાતે રહેતા એક મિત્ર નરેન્દ્ર સોનીના ના ઘરે મુદ્દામાલ સંતાડી રાખ્યો હતો. પોલીસે ચોરીનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે રૂ. 45 લાખ રોકડા અને 2 મોબાઈલ ફોન સહીતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા એક પત્રકાર પરિષદમાં માહિતિ આપવામાં આવી હતી અને ચોરીના ગુનાના ભેદ અંગે વિગતો આપવામાં આવી હતી. હાલ પોલીસે ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકમાં દાખલ થયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. તમામ ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








